Gujarat News : ગુજરાત યુથ કોંગ્રેસમાં (Youth Congress)હોદ્દેદારોને સસ્પેન્ડ કરવાના નિર્ણયને પગલે આંતરિક નારાજગી સામે આવી છે. દિલ્હીમાં યોજાયેલી રેલીમાં (Delhi Rally)હાજર ન રહી શકેલા કેટલાક હોદ્દેદારો સામે પક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવતાં કાર્યકરોએ ભારે મનદુઃખ વ્યક્ત કર્યું છે. કાર્યકરોનું કહેવું છે કે, છેલ્લા પાંચ મહિનાથી તેઓ સતત રસ્તા પર ઉતરીને આંદોલનો કરી રહ્યા હતા. પોલીસ કેસ અને સરકારી કાર્યવાહીનો સામનો કરવા છતાં પક્ષે તેમની મુશ્કેલીઓ સમજવાનો પ્રયાસ કર્યા વિના સીધી સસ્પેન્શનની કાર્યવાહી કરી છે.
5 મહિનાના સંઘર્ષ બાદ પણ પક્ષે વાત ન સાંભળી
કાર્યકરોએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ મહિનાથી જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે તેઓ વિવિધ આંદોલનો અને રેલીઓમાં સક્રિય રહ્યા હતા. આ દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં દિલ્હીની રેલીમાં ગેરહાજર રહેવા બદલ કોઈ ખુલાસો પૂછ્યા વિના હોદ્દા છીનવી લેવામાં આવ્યા છે.

કાર્યકરોના જણાવ્યા અનુસાર, કેટલાક હોદ્દેદારોએ પોતાની અંગત અને પારિવારિક મુશ્કેલીઓ અંગે અગાઉથી પ્રદેશ પ્રમુખને જાણ પણ કરી હતી. તેમ છતાં તેમની રજૂઆત સાંભળ્યા વિના સસ્પેન્ડ (Suspended Leaders)કરવાનો નિર્ણય લેવાતાં સંગઠનમાં નારાજગી જોવા મળી રહી છે.
પિતાની સર્જરી અને માતાની બીમારીને કારણે દિલ્હી ન જઈ શક્યા
વડોદરા શહેર યુથ કોંગ્રેસ (Youth Congress)ના પૂર્વ પ્રમુખ પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે, તેમના પિતાનું આંખનું ઓપરેશન હોવાથી અને માતાની તબિયત પણ સારી ન હોવાથી તેઓ દિલ્હી જઈ શક્યા નહોતા. આ અંગે હોસ્પિટલના રિપોર્ટ પણ તેમણે અગાઉથી પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હી જવા માટે પાર્ટી તરફથી પ્રવાસ, રહેવા કે જમવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. કાર્યકરોએ પોતાના ખર્ચે દિલ્હી પહોંચવાનું હતું. આર્થિક રીતે સક્ષમ કાર્યકરો જ ત્યાં પહોંચી શક્યા હતા. જોકે, હવે પક્ષ સાથે વાતચીત થયા બાદ સમગ્ર મામલે પુનઃવિચારણા કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
સામાજિક પ્રસંગની જાણ છતાં કાર્યવાહી કરાઈ
પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસના (Youth Congress)પૂર્વ પ્રમુખ માઈકલ જોસેફે જણાવ્યું હતું કે, સામાજિક પ્રસંગમાં હાજરી આપવાની હોવાથી તેમણે 28 તારીખે જ પ્રદેશ પ્રમુખને આમંત્રણ પત્રિકા મોકલીને જાણ કરી હતી. તેઓ અગાઉ બે વખત ચૂંટણી જીતીને ત્રીજી ટર્મ માટે જિલ્લા પ્રમુખ બન્યા હતા. ભૂતકાળમાં સંગઠનના કાર્યક્રમોને સફળ બનાવવામાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમ છતાં તેમની અગાઉની કામગીરીને ધ્યાનમાં લીધા વિના કાર્યવાહી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
બીજી તરફ, અમદાવાદના ભાઈપુરા વોર્ડના પૂર્વ જનરલ સેક્રેટરી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, તેમણે દિલ્હી જવા માટે ટ્રેનની ટિકિટ પણ કરાવી હતી. જોકે, અચાનક તબિયત લથડતાં તેઓ જઈ શક્યા નહોતા. હવે તેઓ પક્ષના નિર્ણય સામે પુનઃવિચારણા કરવાની રજૂઆત કરશે.
ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના આદેશથી કાર્યવાહી: પ્રદેશ પ્રમુખ
સમગ્ર વિવાદ અંગે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના (Gujarat Youth Congress)પ્રમુખ પ્રવિણસિંહ વણોલે (Pravinsinh Vanol)સ્પષ્ટતા કરી હતી કે, આ કાર્યવાહી ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ દ્વારા દેશભરમાં લેવાયેલા નિર્ણયના આધારે કરવામાં આવી છે. દિલ્હી આવવા માટે અધિકૃત રીતે જાણ કરવામાં આવી હોવા છતાં જે હોદ્દેદારો ગેરહાજર રહ્યા હતા, તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીની રેલી (Delhi Rally)બાદ યોજાયેલી ઓનલાઇન બેઠકમાં આ અંગે સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, કેટલાક હોદ્દેદારો પોતાની અંગત અને પારિવારિક મુશ્કેલીઓનો હવાલો આપી રહ્યા હોવાથી હવે આ મામલે પક્ષની આગામી ભૂમિકા શું રહેશે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: કોંગ્રેસનું મોટું ઓપરેશન, પક્ષ વિરોધી નેતાઓ સસ્પેન્ડ
આ પણ વાંચો: પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ કોંગ્રેસે ત્રણ ઉમેદવારોને કર્યા સસ્પેન્ડ
આ પણ વાંચો:ગુજરાતથી 3000 કોંગ્રેસી કાર્યકરો દિલ્હીમાં, રામલીલા મેદાનની રેલીમાં SIR સામે વિરોધ
