Gujarat News: ગુજરાતમાં એક તરફ દુષ્કાળગ્રસ્ત ખેડૂતો (Gujarat Farmers) માટે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે, તો બીજી તરફ મિની ટ્રેક્ટર અને ટ્રોલીના વીમા, પાર્સિંગ તથા પીયુસીના નામે રૂ.14,450 ભરવાના મેસેજ મળતાં ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ સહિતના દુષ્કાળગ્રસ્ત જિલ્લાના ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર એક તરફ રાહતની જાહેરાત કરે છે અને બીજી તરફ વિવિધ ચાર્જના નામે તેમની પાસેથી રકમ વસૂલી રહી છે.
Gujarat Farmers: મિની ટ્રેક્ટર માટે રૂ.8,950 ભરવાનો મેસેજ
ખેડૂતોના જણાવ્યા અનુસાર, દુષ્કાળ જાહેર થયા બાદ તેમને સહાયની રકમ જમા થવાના મેસેજની અપેક્ષા હતી, પરંતુ તેના બદલે મિની ટ્રેક્ટર અને ટ્રોલીના વીમા (Mini Tractor Insurance), પાર્સિંગ તથા પીયુસી માટે નાણાં ભરવાના મેસેજ મળી રહ્યા છે. મોટા ટ્રેક્ટર ખરીદવાની ક્ષમતા ન ધરાવતા ખેડૂતો ખેતી અને વાવણીનાં કામ માટે મિની ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, મિની ટ્રેક્ટરના થર્ડ પાર્ટી વીમા પેટે રૂ.8,650 અને પીયુસી માટે રૂ.300 ભરવાના થઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતીના ખર્ચ અને ડીઝલના ભાવ વચ્ચે આટલી વધારાની રકમ ભરવી તેમના માટે મુશ્કેલ છે. તેમણે આ વસૂલાત સામે નારાજગી વ્યક્ત કરી છે.
ટ્રોલી માટે અલગ વીમા અને પાર્સિંગ સામે સવાલ
ખેડૂતોનો બીજો સવાલ ટ્રેક્ટર સાથે જોડવામાં આવતી ટ્રોલીના વીમા અને પાર્સિંગને લઈને છે. તેમના જણાવ્યા અનુસાર, ટ્રેક્ટરનો વીમો અને પાર્સિંગ નિયમિત રીતે કરાવવામાં આવે છે, તેમ છતાં ટ્રોલી માટે અલગથી રૂ.5,500 ભરવાનું કહેવામાં આવી રહ્યું (Tractor Trolley Registration) છે.
ખેડૂત સંગઠનો સવાલ ઉઠાવી રહ્યાં છે કે ટ્રેક્ટરનો વીમો હોવા છતાં તેની પાછળ જોડાતી ટ્રોલી માટે અલગ વીમો અને પાર્સિંગની જરૂરિયાત શા માટે ઊભી કરવામાં આવી છે. ટ્રોલી ટ્રેક્ટરથી અલગ થઈને રસ્તા પર ચાલી શકતી નથી, તો તેના માટે અલગ ચાર્જ વસૂલવાનો નિર્ણય કેટલો યોગ્ય છે, તેવો સવાલ પણ ખેડૂતો કરી રહ્યા છે.
રૂ.17 હજારની સહાયની રાહ વચ્ચે વધારાનો ખર્ચ
ખેડૂતોનું કહેવું છે કે સરકાર કૃષિ મહોત્સવો અને વિવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે (Gujarat Government) છે, પરંતુ બીજી તરફ ખેતીના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને જાહેર કરાયેલી રૂ.17,000ની સહાય હજુ સુધી મળી નથી તેવો પણ તેમનો આક્ષેપ છે. આવી સ્થિતિમાં સહાયની રાહ જોઈ રહેલા ખેડૂતો પાસેથી વીમા, પાર્સિંગ અને પીયુસીના નામે રૂ.14,450 ભરાવવાની પ્રક્રિયાને કારણે તેમની મુશ્કેલી વધી છે.
ખેડૂતોનું કહેવું છે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં સરકાર તરફથી રાહત આપવાની જરૂર છે, ત્યારે વધારાના ખર્ચનો બોજ નાખવાને બદલે તેમને આર્થિક મદદ મળે તે જરૂરી છે.
આ પણ વાંચો: કચ્છના ખેડૂતોની CM પાસે 6 મોટી માગ, ધિરાણ માફી સહિત રાહતની અપીલ
આ પણ વાંચો: દિવાળી પહેલાં વ્યારા સુગરના ખેડૂતોના ખાતામાં આવશે રૂ.7.14 કરોડ, 850થી વધુને લાભ
આ પણ વાંચો: મોરબીના જેતપરમાં ખેડૂતોની લડત યથાવત્: 15% વળતર વધારાની શક્યતા છતાં આંદોલન ચાલુ રહેશે
