Morbi News/ મોરબીના જેતપરમાં ખેડૂતોની લડત યથાવત્: 15% વળતર વધારાની શક્યતા છતાં આંદોલન ચાલુ રહેશે

મોરબીના જેતપરમાં વીજપોલ અને કોરિડોર વળતર મુદ્દે ખેડૂતોનો પાંચ મહિનાથી સત્યાગ્રહ (Jetpar Farmers Protest) ચાલુ છે. 24 મુદ્દાની રજૂઆતોનો ઉકેલ અને સત્તાવાર પરિપત્ર નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે.

Top Stories Gujarat Others Breaking News
Jetpar Farmers Protest: પહેલા 24 માંગણીઓનો ઉકેલ, પછી જ આંદોલનનો અંત

Morbi News: મોરબીના જેતપર ગામે વીજપોલ (Electricity Pole Compensation) અને કોરિડોરના વળતરના મુદ્દે ખેડૂતો દ્વારા છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલો સત્યાગ્રહ (Jetpar Farmers Protest) હજુ સમેટાયો નથી. રાજ્યના કૃષિ અને ઊર્જા મંત્રીઓ સાથેની બેઠક બાદ કોરિડોરના વળતરમાં 15 ટકાનો વધારો કરવાની શક્યતા સામે આવી છે. જોકે, ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની 24 મુદ્દાની રજૂઆતોનો ઉકેલ નહીં આવે અને સરકાર તરફથી સત્તાવાર પરિપત્ર જાહેર નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

Jetpar Farmers Protest: મંત્રીઓ સાથેની બેઠકમાં 24 મુદ્દા રજૂ કર્યા

રાજ્ય સરકારના પરિપત્રના વિરોધમાં જેતપરના ખેડૂતોએ અગાઉ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારથી ખેડૂતોનો સત્યાગ્રહ સતત ચાલી રહ્યો છે. આ આંદોલનને ગુજરાતના વિવિધ વિસ્તારો ઉપરાંત અન્ય રાજ્યોના ખેડૂતોએ (Gujarat Farmers) પણ સમર્થન આપ્યું છે.

ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાએ મધ્યસ્થી કરી હતી. તેમના પ્રયાસોથી રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી અને ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ સાથે ખેડૂતોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોએ પોતાની 24 મુદ્દાની રજૂઆતો સરકાર સમક્ષ મૂકી હતી.

વળતરમાં 15 ટકાના વધારાની શક્યતા

દરમિયાન, મંગળવારે જગદીશ કોટડિયાએ ખેડૂતો સાથે બેઠક કરી હતી. તેમાં કોરિડોર માટે મળતા વળતરમાં (Corridor Compensation)  અગાઉના 30 ટકાના બદલે 45 ટકા સુધી વધારો થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. એટલે કે વળતરમાં 15 ટકાનો વધારો કરવાની વાત સામે આવી હતી.

આ સૂચિત વધારાને સ્વીકારવો કે નહીં તે અંગે ખેડૂતોનો અભિપ્રાય જાણવા બુધવારે રાત્રે જેતપર સત્યાગ્રહ છાવણી ખાતે રાત્રિસભા યોજાઈ હતી. તેમાં ખેડૂતોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. જોકે, ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમની લડત માત્ર કોરિડોરના વળતર પૂરતી મર્યાદિત નથી, પરંતુ અન્ય પ્રશ્નોનો ઉકેલ પણ જરૂરી છે.

સત્તાવાર પરિપત્ર આવે પછી જ આંદોલન સમેટાશે

ખેડૂતોની સ્પષ્ટ માગ છે કે તેમની 24 મુદ્દાની રજૂઆતોનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે અને સરકાર દ્વારા તે અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવે. ત્યાર બાદ જ આંદોલન સમાપ્ત કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

ત્યાં સુધી જેતપરની સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતોનું આંદોલન ચાલુ રહેશે. છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા આ સત્યાગ્રહનો અંત હવે સરકાર 24 મુદ્દાની રજૂઆતો અંગે શું નિર્ણય લે છે તેના પર નિર્ભર છે.


આ પણ વાંચો: મોરબીના જેતપરમાં 90 દિવસથી ખેડૂતોનો સત્યાગ્રહ, મહારાષ્ટ્રના નેતાઓ જોડાયા

આ પણ વાંચો:  મોરબીના જેતપર સત્યાગ્રહને મહેન્દ્રનગરના 400 લોકોનું સમર્થન, રામધુન સાથે ખેડૂતોની લડતને મળ્યો વધુ બળ

આ પણ વાંચો: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ: ગરબામાં બેનરો સાથે સરકારની વળતર નીતિનો વિરોધ, રાકેશ અમૃતિયા પણ જોડાયા