Ahmedabad News: દિવાળીના તહેવારની રાત્રે અમદાવાદમાં ફટાકડાના તણખા અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની અનેક ઘટનાઓ (Ahmedabad Fire Calls) સામે આવી હતી. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ફાયરબ્રિગેડ કંટ્રોલ રૂમને કુલ 26 કોલ મળ્યા હતા. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં બનેલી આ ઘટનાઓને પગલે ફાયરબ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ તમામ બનાવોમાં કોઈ જાનહાનિ થઈ નથી.
Ahmedabad Fire Calls: રાત્રે 10 વાગ્યા સુધીમાં મળ્યા 26 કોલ
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફાયરબ્રિગેડ (Ahmedabad Fire Brigade) દ્વારા શહેરમાં અગ્નિશામક ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી હતી. રાત્રે ફટાકડા ફોડવાનું શરૂ થતાં જ ફાયર કંટ્રોલ રૂમમાં આગના કોલ આવવા લાગ્યા હતા. રાત્રે 10 વાગ્યા સુધીમાં કુલ 26 સ્થળોએ આગ લાગવાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ કંટ્રોલ રૂમ દ્વારા નજીકના ફાયર સ્ટેશનની ટીમોને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી.
અમદાવાદના અનેક વિસ્તારોમાં આગની ઘટનાઓ
શહેરના વિવિધ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ નોંધાઈ હતી. જેમાં ઘોડાસરમાં નિગમ બસ સ્ટેન્ડ પાસે નીલગીરી સોસાયટીમાં આવેલી ભંગારની દુકાન, વાસણામાં નારાયણ નગર અને ચંદ્રમૌલી હોલ પાસે આગ લાગી હતી. આ ઉપરાંત બોપલમાં રાધેશ્યામ રો હાઉસના મકાનમાં તથા નવરંગપુરામાં લોયલા સ્કૂલના મેદાનમાં કચરામાં આગ લાગી હતી.
નિકોલમાં અમર જવાન સર્કલ પાસે આવેલા ધ ગ્રાન્ડ સેરેનિટી બિલ્ડિંગના આઠમા અને દસમા માળે પણ આગ લાગવાની ઘટના બની હતી.
ફટાકડાના તણખાથી કચરા અને ગેલેરીમાં લાગી આગ
ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફટાકડાના તણખા સુકા ઘાસ, કચરાના ઢગલા અને મકાનોની અગાશી પર રાખવામાં આવેલી વસ્તુઓ પર પડતાં આગ લાગી (Diwali Fire Incidents) હતી. મોટાભાગની ઘટનાઓ નાના અને મધ્યમ સ્તરની હોવાથી ફાયરબ્રિગેડના જવાનોએ ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો (Gujarat Fire News) હતો.
ધાબા અને બંધ મકાનોની ગેલેરીમાં વધુ જોખમ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે અનેક સ્થળોએ અગાશી અને બાલ્કનીમાં રાખેલો ભંગાર, કાગળનાં પૂંઠાં અને અન્ય જ્વલનશીલ વસ્તુઓ આગનું કારણ બન્યાં હતાં. રોકેટ અને અન્ય હવાઈ ફટાકડાના તણખા આવી વસ્તુઓ પર પડતાં આગ ફેલાઈ હતી. બંધ મકાનોની ગેલેરીમાં રાખેલાં ગાદલાં અને ગોદડાં પણ આગની ઝપેટમાં આવ્યાં હતાં. જોકે, ફાયરબ્રિગેડની સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં દિવાળીના દિવસે આગ, અકસ્માત અને ઈમર્જન્સી કોલ્સમાં વધારો
આ પણ વાંચો: અમદાવાદ ISRO કેમ્પસમાં લાગી આગ, IT સર્વર બિલ્ડિંગને થયું નુકસાન
આ પણ વાંચો: અમદાવાદમાં એક જ દિવસ માં બે જ્ગ્યા પર લાગી આગ, ઝૂંપડાં, દુકાનો બળીને ખાખ
