Gujarat News : દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતમાં આગ (Diwali Fire Incidents), અકસ્માત અને અન્ય ઇમરજન્સી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સામાન્ય દિવસોની સરખામણીએ આગ લાગવાની ઘટનાઓમાં 565.45 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યભરમાં આગની કુલ 366 ઘટનાઓ સામે આવી હતી, જેમાં સુરત અને અમદાવાદ સૌથી આગળ રહ્યાં હતાં. બીજી તરફ, ફટાકડા સહિતનાં કારણોસર દાઝી જવાના 62 કેસ નોંધાયા હતા, જેમાં 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા લોકોને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી.
આગની ઘટનાઓમાં સુરત પ્રથમ, અમદાવાદ બીજા ક્રમે
112 ઇમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, દિવાળીના દિવસે રાજ્યમાં આગની કુલ 366 ઘટનાઓ (Diwali Fire Incidents)નોંધાઈ હતી. શહેરોની વાત કરીએ તો સુરત 82 કેસ સાથે પ્રથમ સ્થાને (Surat Fire Incidents)રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 56 અને રાજકોટમાં 44 આગના બનાવો (Ahmedabad Fire Cases)નોંધાયા હતા.

આ ઉપરાંત સુરત ગ્રામ્યમાં 37, વડોદરા શહેરમાં 22, જામનગરમાં 14, ગાંધીનગર અને કચ્છ પૂર્વમાં 12-12 તથા અમદાવાદ ગ્રામ્યમાં 11 આગની ઘટનાઓ સામે આવી હતી.
દાઝી જવાના 62 કેસ, અમદાવાદમાં સૌથી વધુ લોકો અસરગ્રસ્ત
દિવાળીના દિવસે ફટાકડા અને અન્ય કારણોસર દાઝી જવાના કુલ 62 ઇમરજન્સી કોલ 108 સેવાને મળ્યા હતા. જેમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 13 લોકો દાઝ્યા હતા. જ્યારે સુરતમાં 12, કચ્છ અને રાજકોટમાં 5-5 તથા ગાંધીનગર અને વડોદરામાં 4-4 કેસ નોંધાયા હતા.
આ ઉપરાંત આણંદ, ભાવનગર, જામનગર, નર્મદા, તાપી અને વલસાડમાં 2-2 લોકોને દાઝી જવાના બનાવો બન્યા હતા. તમામ અસરગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે મદદ કરવામાં આવી હતી.
112 હેલ્પલાઇન પર સામાન્ય દિવસો કરતાં 56.54% વધુ કોલ
દિવાળીના દિવસે 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર ફરિયાદો અને મદદ માટેના કોલમાં પણ મોટો વધારો થયો હતો. સામાન્ય દિવસોમાં સરેરાશ 3,610 કોલ આવતા હોય છે, જ્યારે દિવાળીના દિવસે આ આંકડો વધીને 5,651 થયો હતો. એટલે કે સામાન્ય દિવસોની સરખામણીએ 56.54 ટકાનો વધારો નોંધાયો હતો.

દિવાળીની રાત્રે અમદાવાદ ફાયર બ્રિગેડને આગની ઘટનાઓને લઈને કુલ 126 કોલ (Diwali Emergency Calls)મળ્યા હતા. તમામ ફાયર સ્ટેશનો એલર્ટ પર રાખવામાં આવ્યાં હતાં. સૌથી વધુ 70થી વધુ કોલ રાત્રે 10થી 12 વાગ્યા દરમિયાન આવ્યા હતા. મોટાભાગની આગ ખુલ્લા પ્લોટ અને કચરામાં લાગી હતી. મકાનોમાં આગ લાગતાં ઘરવખરીને નુકસાન થયું હતું. જોકે, સમગ્ર ઘટનાક્રમમાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
વાહન અકસ્માતના કેસોમાં 87.49%નો ઉછાળો
108 એમ્બ્યુલન્સ સેવાને દિવાળીના દિવસે કુલ 5,934 મેડિકલ ઇમરજન્સી કોલ મળ્યા હતા. સામાન્ય દિવસોમાં સરેરાશ 5,246 કોલની સરખામણીએ આ સંખ્યામાં 13.12 ટકાનો વધારો થયો હતો.
સૌથી ચિંતાજનક સ્થિતિ વાહન અકસ્માતના કેસોમાં (Gujarat Road Accidents)જોવા મળી હતી. સામાન્ય દિવસોમાં 646 અકસ્માતના કેસ નોંધાતા હતા, જ્યારે દિવાળીના દિવસે આ આંકડો વધીને 1,212 થયો હતો. એટલે કે અકસ્માતના બનાવોમાં 87.49 ટકાનો વધારો થયો હતો. આ ઉપરાંત બિન-વાહન ઇજાઓના કેસોમાં પણ 75.17 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
આ આંકડા દર્શાવે છે કે દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા, આગ અને માર્ગ અકસ્માતને કારણે ઇમરજન્સી સેવાઓ પર કામગીરીનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યું હતું.
