Health Tips: દિવાળી બાદ દિલ્હી સહીતના ઘણા શહેરોની વાયુ ગુણવત્તા (Air Quality Index, AQI) વધુ ખરાબ થઈ ગઈ છે. રાજધાનીના કેટલાય વિસ્તારોમાં આજ સવારથી જ ઘટ્ટ ધુમાડો અને ધુમ્મસ છવાયેલું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના જણાવ્યા અનુસાર આજે સવારે સાત વાગ્યે દિલ્હીની વાયુ ગુણવત્તાનો સૂચક આંક અર્થાત્ AQI 368 નોંધાયો હતો જે અત્યંત ખરાબ શ્રેણીમાં આવે છે. ખરાબ AQI અને વાયુ પ્રદૂષણના કારણે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કેવળ દિલ્હીની જ વાત નથી, ભારત (India)ના અનેક ભાગોમાં આ સમસ્યા વકરી રહી છે. આવામાં પ્રશ્ન એ છે કે આટલા ખતરનાક AQI વચ્ચે કઈ-કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ? પલ્મોનોલૉજી નિષ્ણત તબીબ પાસેથી આ સંજોગોમાં જાળવવી પડતી તકેદારીઓ વિશે જાણીશું…

ખતરનાક AQI ની સ્વાસ્થ્ય પર અસરો (Effects of Bad AQI on Health)
ખરાબ વાયુ ગુણવત્તા સીધી જ આપણા શ્વસન તંત્ર અને ફેફસા (Respiratory system and Lungs) પર અસર કરે છે. હવામાં હાજર PM2.5 અને PM10 જેવા સૂક્ષ્મ પ્રદૂષકો શ્વાસ મારફતે ફેફસાની અંદર સુધી પહોંચી શકે છે. આને કારણે સોજા, શ્વાસ લેવામાં મુશ્કેલી તથા અન્ય શ્વસન સંબંધી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. લાંબો સમય સુધી પ્રદૂષિત હવા (Polluted Air)ના સંપર્કમાં રહેવાથી અસ્થમા, સીઓપીડી અને અન્ય ફેફસા સંબંધી બીમારીઓનું જોખમ વધી શકે છે.

કઈ-કઈ સાવધાની રાખવી? (Care for Bad AQI)
ડૉક્ટરના મતે, આ ખતરનાક AQI (Air Quality Index) દરમિયાન સૌથી જરુરી સાવધાની એ છે કે…
1. લોકો બિનજરુરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળે! ખાસ કરીને સવાર અને સાંજનો સમયે ટાળવું કારણ કે ત્યારે પ્રદૂષણનું સ્તર વધારે હોઈ શકે છે. મોર્નિંગ વૉક, જૉગિંગ, સાયકલિંગ અને આઉટડોર એક્સર્સાઈઝથી બચવું જોઇએ.
2. જો બહાર જવું જરુરી જ હોય તો સારા ફિટિંગ વાળો N95 અથવા N99 માસ્ક પહેરવો. સામાન્. કપડાનો અને સર્જીકલ માસ્ક સૂક્ષ્મ પ્રદૂષકોથી પૂરતી સુરક્ષા નથી આપતા.
3. ઘરની અંદર પણ વાયુ પ્રદૂષણથી રક્ષણ જરુરી છે. બારીઓ અને બારણા બંધ રાખવા. ખાસ કરીને ત્યારે જ્યારે બહાર AQI અત્યંત ખરાબ હોય!

4. ઘરમાં HEPA ફિલ્ટરયુક્ત એર પ્યૂરીફાયરનો ઉપયોગ કરી શકાય છે. ધૂળ સાફ કરવા માટે ડ્રાય ડસ્ટિંગની જગ્યાએ ભીના કપડા અથવા પોતાનો ઉપયોગ કરવો. અગરબત્તી, ધૂપ, મીણબત્તી અને અન્ય ધુમાડો ઉત્પન્ન કરનારી વસ્તુઓથી દૂર રહેવું.
5. પૂરતું પાણી પીવું અને સંતુલિત ડાયેટ લેવું. જો કે પાણી પીવાથી અથવા કોઈ વિશેષ ખાદ્ય પદાર્થ ખાવાથી પ્રદૂષણનો પ્રભાવ ખતમ નથી થઈ શકતો!
6. બાળકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને અસ્થમા કે હૃદય સંબંધી બીમારીઓથી પીડિત લોકોએ વિશેષ સાવધાની રાખવી જોઈએ.
7. જો શ્વાસ ફૂલવો, છાતીમાં જકડન, સતત ઉધરસ, ગભરામણ કે આંખોમાં તીવ્ર બળતરા જેવા લક્ષણો જણાય તો એમને નજરઅંદાજ ન કરવા અને તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: આખા દિવસમાં તમે કેટલું ફાઇબર લો છો? એની યોગ્ય માત્રા, પાચનથી બ્લડ શુગર સુધીની ઘણી સમસ્યાઓથી મેળવો રાહત!
