Food Lifestyle: હૅલ્ધી અને ફિટ રહેવા માટે આહારમાં ફક્ત વિટામિન અને મિનરલ્સ જ નહિં પરંતુ, ફાઇબર પણ ભરપૂર માત્રામાં હોવા જ જોઇએ. ફાઇબર શરીરને અત્યંત આવશ્યક અને જરુરી કાર્યો કરવામાં મદદરુપ થાય છે. પાચનથી માંડીને બ્લડ શુગર કંટ્રોલ, હૃદયનું સ્વાસ્થ્ય, વજન ઘટાડવું અને ત્યાં સુધી કે કેન્સર સુદ્ધાં થતુ અટકાવવામાં પણ ફાઇબર મુખ્ય ભૂમિકા ભજવે છે. ફાઇબર શરીરમાં મિનરલ્સને સારી રીતે અવશોષિત કરવામાં પણ મદદરુપ બને છે. હૅલ્થ ઍક્સપર્ટ્સ હંમેશાં આહારમાં ભરપૂર માત્રામાં ફાઇબરને સામેલ કરવાની સલાહ આપે છે. આપણા આહારમાં એક નિશ્ચિત માત્રામાં ફાઇબરને સામેલ કરવાના ઘણા ફાયદા છે.
સામાન્ય રીતે, મોટાભાગના લોકોને પોતાના રોજિંદા આહારમાંથી પર્યાપ્ત માત્રામાં ફાઇબર નથી મળી શકતું, જેને કારણે પાચનથી માંડીને વજન વધવું અને અન્ય કેટલીય તકલીફો ઊભી થઇ શકે છે. ફાઇબરનું આટલું બધુ મહત્વ હોવા છતાં પણ ઘણા લોકો એની સ્વાસ્થ્યસંબંધી અસરોથી અજાણ છે. તો ચાલો હવે જાણીશું કે, એક દિવસમાં કેટલું ફાઇબર ખાવું જોઇએ અને સ્વાસ્થ્ય પર એની શી અસરો થાય છે?

શરીરમાં ફાઇબરનું મહત્વ
નિષ્ણાત તબીબો દ્વારા, ફાઇબર વિશે એવી કેટલીક અગત્યની બાબતો દર્શાવવામાં આવી છે કે જે આપણે સૌએ જાણવી જ જોઇએ. ડૉક્ટરના કહેવા મુજબ, લગભગ 95% અમેરિકન નાગરિકોને એમના આહારમાંથી પર્યાપ્ત માત્રામાં ફાઇબર મળતું નથી. જો કે આ આંકડાઓ ભલે અમેરિકાના હોય પરંતુ ભારતમાં પણ કંઇક આવું જ ચિત્ર હાલમાં દેખાઇ રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. ખાસ કરીને, ફાઇબરની ઉણપના કારણે, શહેરના લોકોનું પાચનતંત્ર વધારે પ્રભાવિત થયેલું જોવા મળે છે.
ઍક્સપર્ટ્સના કહેવા મુજબ, આહારમાં ઓછી માત્રામાં ફાઇબર હોવાથી પાચન મંદ થઇ શકે છે, ગળ્યું ખાવાની ઇચ્છા થઇ શકે છે અને જમ્યા બાદ ફરીથી ભૂખ લાગી શકે છે. જો આવા લક્ષણોની ઉપેક્ષા કરવામાં આવે તો એ સદંતર ખોટું છે. આ તમામ, ફાઇબરની ઉણપ હોવાના સંકેતો છે જેના પ્રત્યે દુર્લક્ષ ન સેવવું જોઇએ અને પોતાના આહારમાં ઉચિત પરિવર્તનો કરવા જોઇએ.
ફાઇબરના પ્રકારો
નિષ્ણાતના જણાવ્યાનુસાર, દ્રાવ્ય ફાઇબર આંતરડામાં રહેલા સૂક્ષ્મ જીવોના વિકાસમાં મદદ કરે છે ઉપરાંત, કોલેસ્ટ્રૉલ લૅવલને ઓછું કરે છે. જ્યારે અદ્રાવ્ય ફાઇબર નિયમિત મળત્યાગને ઉત્તેજન આપે છે. એમણે જણાવ્યું કે, દ્રાવ્ય ફાઇબર અને અદ્રાવ્ય ફાઇબર, બંને પોતપોતાની રીતે એક વિશિષ્ટ ભૂમિકા ભજવે છે. જવ, સફરજન તથા કઠોળમાંથી મળતું દ્રાવ્ય ફાઇબર બ્લડ શુગર તથા કોલેસ્ટ્રૉલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, અનાજ તથા ફળો અને શાકભાજીની છાલમાંથી મળતું અદ્રાવ્ય ફાઇબર મળત્યાગની પ્રક્રિયાને નિયમિત બનાવી રાખવામાં મદદ કરે છે.
ફાઇબરના ફાયદા
નિષ્ણાત તબીબના મતે, હાઇ-ફાઇબર ધરાવતો ખોરાક તમને તૃપ્ત કરે છે, ગળ્યું ખાવાની લાલસાને ઓછી કરે છે અને ભૂખને નિયંત્રિત કરે છે. ફાઇબરયુક્ત આહાર લાંબા સમય સુધી તમારું પેટ ભરેલુ હોવાનો આભાસ કરાવે છે તથા પાચનક્રિયાને ધીમી કરે છે, એથી વધુપડતો ખોરાક ખાવાની ઇચ્છા થતી નથી. ડૉક્ટરના જણાવ્યાનુસાર, દરરોજ લગભગ 25 થી 30 ગ્રામ ફાઇબરનું સેવન તમારા મેટાબૉલિઝમને વધુ સુચારુ બનાવવામાં, ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરવામાં અને સમયાંતરે, પેટની ચરબીને પણ ઓછી કરવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો:ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણોની અવગણના કરવી પડી શકે છે ભારે! સત્વરે પારખીને જીવ બચાવી લો
