Health News/ ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણોની અવગણના કરવી પડી શકે છે ભારે! સત્વરે પારખીને જીવ બચાવી લો

એ ત્યારે થાય છે જ્યારે ફેફસામાં ઍબ્નોર્મલ સેલ્સ બેકાબૂ બનીને વધે છે અને એક ગાંઠ (ટ્યૂમર) બનાવે છે. જો એનો સમયસર ઇલાજ ના થાય તો એ શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઇ શકે છે.

Trending Health & Fitness Lifestyle

Health News: આજે વર્લ્ડ લંગ કેન્સર ડે 2025 (World Lung Cancer Day 2025) ના રોજ અમે તમને જણાવીશું કે ફેફસા (Lung) ના કેન્સરના પ્રારંભિક લક્ષણો શા હોય છે? મોટાભાગના લોકો એની ઉપેક્ષા કરે છે, પરંતુ સમયસર એને પારખી લેવાથી અને યોગ્ય ઉપચારથી તમે તમારો જીવ બચાવી શકો છો.

દર વર્ષે 1 ઓગષ્ટના દિવસે વર્લ્ડ લંગ કેન્સર ડે (ફેફસાના કેન્સર) મનાવવામાં આવે છે. દુનિયાના સૌથી વધુ ખતરનાક કેન્સરોમાં લંગ કેન્સરનું નામ સાંભળીને જ ડરી જવાય છે. આની પાછળના કારણોમાં કેટલીક એવી ભ્રાંતિઓ છે જે લંગ કેન્સર સાથે જોડાયેલી છે, જેણે લોકોના મનમાં ભય પેદા કરેલો છે. છેલ્લા કેટલાય દાયકાઓમાં મેડિકલ સાયન્સે કરેલી પ્રગતિ છતાં આ રોગ પકડમાં આવતા ઘણી વાર ખૂબ મોડું થઇ જાય છે, કેમ કે એના પ્રારંભિક લક્ષણોને લોકો નજરઅંદાજ કરી દે છે.

આ વર્ષનું વર્લ્ડ લંગ કેન્સર ડે થીમ છે, ‘ઝડપથી પારખો અને સમાન સંભાળ માટેની આડશો હટાવો'(Breaking Barriers for Early Detection and Equal Care). એનો હેતુ લોકોને જાગૃત કરવા, સમયસર નિદાન માટે પ્રેરિત કરવા અને એ ભરોસો અપાવવાનો છે કે એ ભલે ને ક્યાંય પણ રહેતા હોય પણ એમને ઉપચાર મળી રહેશે. લંગ્સ કેન્સરના પ્રારંભિક લક્ષણોને જાણવાથી અને જોખમો સમજવાથી તમે જીવ બચાવી શકો છો. આ લેખમાં ફેફસાના કેન્સર, એના પ્રારંભિક લક્ષણો અને એના વિશેની ગેરસમજણો વિશે જાણીશું.

શું હોય છે ફેફસાનું કેન્સર?

ફેફસાનું કેન્સર એક પ્રકારનું કેન્સર છે, જે ફેફસામાં શરુ થાય છે. એ ત્યારે થાય છે જ્યારે ફેફસામાં ઍબ્નોર્મલ સેલ્સ બેકાબૂ બનીને વધે છે અને એક ગાંઠ (ટ્યૂમર) બનાવે છે. જો એનો સમયસર ઇલાજ ના થાય તો એ શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઇ શકે છે.

ફેફસા આપણા શરીરના મહત્વપૂર્ણ અંગો પૈકી એક છે, જે તમને શ્વાસ લેવામાં તથા શરીરમાં ઑક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે. ફેફસામાં જ્યારે કેન્સર થાય છે ત્યારે એમની કાર્યક્ષમતા પર અસર કરે છે, જેથી શ્વાસ લેવાનું અને હૅલ્ધી રહેવામાં સમસ્યા ઉત્પન્ન થાય છે.

ફેફસાના કેન્સરના મુખ્ય બે પ્રકાર હોય છે.

1. નૉન-સ્મૉલ સેલ લંગ કેન્સર (NSCLC): મોટાભાગના લોકોમાં ફેફસાના કેન્સરનો આ પ્રકાર જ જોવા મળે છે. આ બહુ સામાન્ય છે અને આ રોગ ધીમી ગતિથી આગળ વધે છે.

2. સ્મૉલ સેલ લંગ કેન્સર (SCLC): આ અત્યંત રૅર હોય છે પણ ઝડપથી વધે છે અને ફેલાય છે.

શું છે ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણો?

જ્યારે વાત ફેફસાના કેન્સરના લક્ષણોની આવે છે તો એ ખૂબ હળવા કે સામાન્ય લાગી શકે છે, તેથી લોકો એના કોઇ ચેપ કે અન્ય રોગનું લક્ષણ સમજીને ઉપેક્ષા કરે છે. પરંતુ આ લક્ષણ જો સમયસર પારખવામાં ન આવે તે એ કેન્સરના સ્વરુપને ગંભીર બનાવી દે છે. જો તમે એમને સવેળાએ પારખી લો તો, એનો ઉપચાર કરવામાં મદદ મળે છે.

જો તમને અથવા તમારા કોઇ નિકટતમ વ્યક્તિને આ લક્ષણો 2 અઠવાડિયાથી વધારે સમય સુધી જણાય તો, એને સામાન્ય ખાંસી-શરદી ગણવાની ભૂલ ના કરવી અને સત્વરે તબીબનો સંપર્ક સાધવો.

1. સતત ખાંસી રહેવી: જો તમને સતત ખાંસી રહેતી હોય અને દવા લીધા પછી પણ ઠીક ન થતી હોય તો ડૉક્ટર પાસે અવશ્ય જવું જોઇએ.

2. લોહી વાળી ખાંસી: સામાન્ય ઉધરસની સાથે જો થૂંક કે ગળફામાં લોહી પણ આવતું હોય તો આ લક્ષણ ફેફસાના કેન્સરનું હોઇ શકે છે.

3. શ્વાસ લેવામાં તકલીફ: જો થોડું પણ કામ કર્યા પછી તમારો શ્વાસ ફૂલવા લાગે તો આ લક્ષણ ફેફસાના કેન્સર તરફ ઈશારો કરે છે.

4. છાતીમાં દુ:ખવું: ઉધરસ ખાતી વખતે અથવા તો ઊંડો શ્વાસ ભરતા જ તમને છાતીમાં દુ:ખવા લાગે તો તમારે એને તરત ધ્યાનમાં લેવો જોઇએ.

5. અવાજ ભારે થવો: જો કોઈ જ તકલીફ ન હોવા છતાંયે તમારો આવાજ અચાનક ભારે થવા લાગે અથવા તો બદલાયેલો જણાય તો તમને ફેફસાનું કેન્સર હોઇ શકે છે.

6. વારંવાર થાક અને કમજોરી: કોઈ જાતના કારણ વિના ખૂબ થાક લાગવો કે ઍનર્જી ઓછી થવી એ પણ આ કેન્સરનું એક લક્ષણ છે.

7. વિના કારણે વજન ઘટવું: જો તમે વજન ઘટાડવા માટે કોઈ પ્રયત્નો કરી રહ્યાં હો તો તમારું વજન ઘટવું એક સામાન્ય બાબત છે. પરંતુ જો ડાયેટ કે વ્યાયામ કર્યા વિના તમારુ વજન અચાનક ઓછું થવા લાગે તો સાવધ થઇ જાઓ અને તરત જ ડૉકટરની સલાહ લો.

ફેફસાના કેન્સર વિશે જાગૃત રહેવું કેમ જરુરી?

દુનિયાભરમાં કેન્સરથી થનારી દર 5 માંથી 1 મોત ફેફસાના કેન્સરને કારણે થાય છે. દર વર્ષે આના 20 લાખથી પણ વધારે નવા કિસ્સાઓ સામે આવ્યા છે.

આમ તો ફેફસાના કેન્સરના મોટાભાગના કિસ્સાઓ (લગભગ 85%) ધુમ્રપાન કરવાથી થતા જોવા મળે છે, પણ હવે આ રોગ બીડી-સિગરેટનું વ્યસન ન હોય એવા લોકોમાં પણ વધી રહ્યો છે, આનુ કારણ છે વાયુ પ્રદૂષણ, સેકન્ડ હેન્ડ સ્મૉક અને રેડૉન ગૅસ.

ફેફસાના કેન્સર વિશેની 8 ભ્રાંતિઓ

ફેફસાના કેન્સર વિશે ઘણા બધા લોકો ખોટા અનુમાનો લગાવી લે છે અને ડરી જાય છે.

1. ભ્રાંતિ- કેવળ ધુમ્રપાન કરનારી વ્યક્તિઓને જ ફેફસાનું કેન્સર થાય છે.

હકીકત- વાયુ પ્રદૂષણ, ધુમ્રપાનના ધુમાડાના સંપર્કમાં આવવું, રેડૉન ગૅસ અથવા તો આનુવંશિક કારણોસર પણ બીડી-સિગરેટનું વ્યસન ન હોય એવા લોકોને પણ ફેફસાનું કેન્સર થઇ શકે છે.

2. ભ્રાંતિ- ફેફસાનું કેન્સર હંમેશાં જીવલેણ હોય છે.

હકીકત- જો સમયસર નિદાન થઇ જાય તે, યોગ્ય ઉપચાર અને ઇમ્યુનોથેરાપી દ્વારા ઘણા રોગીઓ ઠીક થઇ શકે છએ.

3. ભ્રાંતિ- આ રોગ ફક્ત વૃદ્ધ વ્યક્તિઓને જ પ્રભાવિત કરે છે.

હકીકત- આ વાત તદ્દન ખોટી છે કે, ફેફસાનું કેન્સર ફક્ત ઘરડાં લોકોને પોતાના સકંજામાં લે છે, યુવાનોને પણ ફેફસાનું કેન્સર થઇ શકે છે.

4. ભ્રાંતિ- કોઇ લક્ષણ ન હોય એનો અર્થ કે કેન્સર નથી.

હકીકત- મોટાભાગે, ફેફસાના કેન્સરની શરુઆતમાં કોઇ લક્ષણ જોવા મળતા નથી. જે લોકોને ફેફસાના કેન્સરનું જોખમ સૌથી વધુ હોય છે, એમણે નિયમિત રીતે એની તપાસ કરાવતા રહેવું જોઇએ.

5. ભ્રાંતિ- ધુમ્રપાન છોડવાથી બધા જ જોખમો ટળી જાય છે.

હકીકત- ધુમ્રપાન છોડવાથી જોખમ ઓછું થાય છે, પણ જે લોકો પહેલા ધુમ્રપાન કરતા હતા, એમનામાં એ લોકોની તુલનામા હજુ પણ વધારે ખતરો રહે છે, જેમને બીડી-સિગરેટનું વ્યસન નથી હોતું.

6. ભ્રાંતિ- આ કેવળ ફેફસાને જ અસર કરે છે.

હકીકત- ફેફસાનું કેન્સર મગજ, હાડકાં અને લિવર સુધી ફેલાઇ શકે છે.

7.ભ્રાંતિ- પ્રદૂષણ અને રેડૉન ખતરનાક નથી.

હકીકત- પ્રદૂષણ અને રેડૉન ના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી પણ ફેફસાનું કેન્સર થઇ શકે છે.

8. ભ્રાંતિ- વૈકલ્પિક ઇલાજથી કેન્સર પૂરી રીતે ઠીક થઇ શકે છે.

હકીકત- કેન્સર માટે ફક્ત ડૉક્ટરનો ઇલાજ જ અસરકારક હોય છે. વૈકલ્પિક ઉપચાર મદદ અવશ્ય કરી શકે છે પરંતુ, એ યોગ્ય ઉપચારનું સ્થાન લઇ શકતો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું હવે સંભોગ વિના બાળકનો જન્મ થઈ શકે છે? નવી ટેકનોલોજીનો ઉદય થયો!

આ પણ વાંચો:રક્ષાબંધન પર તમારી બહેન માટે આ ભેટો ફક્ત 1000 રૂપિયામાં ખરીદો, તમારી બહેન ખુશ રહેશે!

આ પણ વાંચો:જો તમને એકલામાં હાર્ટ એટેક આવે તો આ રીતે જીવ બચાવી શકાય, ડૉક્ટરે સરળ ટિપ્સ જણાવી