Monsoon Lifestyle: ચોમાસાની ઋતુ ઠંડક અને ગરમીથી રાહત તો આપે જ છે પણ, વરસાદના કારણે ઘણાના ઘરમાં ભેજની અને પોપડાં વળવાની સમસ્યા પણ ઊભી કરે છે. દિવાલો અને છતમાં જમા થયેલા ભેજને કારણે પ્લાસ્ટર ઉખડવા લાગે છે, ફૂગ વળે છે અને ઘરની સુંદરતા દાવ પર લાગી જાય છે! માર્કેટમાં વૉટરપ્રુફિંગના ઘણા મોંઘા વિકલ્પો ઉપલબ્ધ છે પણ એ આપણા બજેટની બહાર હોઇ શકે છે. એવા સંજોગોમાં, કેટલાક સરળ અને ઘરગથ્થુ જુગાડ કરીને આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે.

પોપડાં વળવાનું કારણ અને અસરો
વરસાદનું પાણી છત પર જમા થવાથી, જૂની તિરાડોને લીધે, ધાબાનો ઢોળાવ અયોગ્ય હોવાથી અથવા તો ખરાબ વૉટરપ્રુફિંગના કારણે આવી સમસ્યાઓ સર્જાઇ શકે છે. વરસાદનું પાણી ધીમે-ધીમે શોષાઇને દિવાલોમાં ઉતરે છે, જેથી તમારા ઘરમાં થયેલું રંગરોગાન ખરાબ થઇ જાય છે, પ્લાસ્ટર ખરવા લાગે છે તથા આખા ઘરમાં ફૂગ અને ભેજને કારણે વાસ પણ મારે છે. વળી, એનાથી ઘરનું ચણતર કમજોર પડવાનું જોખમ પણ રહે છે. આ બધા નુકસાનથી બચવા માટે, તમે ચૂના અને લાકડામાંથી બનેલા કોલસાને મેળવીને એક ઘરગથ્થું જુગાડ કરી શકો છો.

ચૂના અને ચારકૉલથી ઘરગથ્થુ રીતે વૉટરપ્રુફિંગ
ધાબાની સારી રીતે સફાઇ કરો
વરસાદની મોસમ માં ઉઘાડ નીકળતાવેંત, સૌપ્રથમ ધાબાને સારી રીતે સાફ કરો. માટી, ધૂળ, લીલ અને ખરાબ થયેલા પ્લાસ્ટરને હટાવી દો. જો ક્યાંક તિરાડો હોય તો સિમેન્ટ અને વૉટરપ્રુફિંગ મિશ્રણથી એમને સારી રીતે ભરી દો.
લાકડામાંથી બનેલા કોલસાને બારીક પીસી લો. એક ડોલમાં ચૂનો લો અને એમાં પીસેલો ભૂકો ભેળવી દો. ધીમે-ધીમે પાણી નાખીને સારી રીતે હલાવીને ગાઢ મિશ્રણ બનાવો. મિશ્રણ એટલું ગાઢ હોવું જોઇએ કે, પેઇન્ટની જેમ ફેલાવી શકાય.

ધાબા પર મિશ્રણ લગાવો
ચૂના અને ચારકૉલના આ મિશ્રણને વાઇપર અથવા સાવરણાની મદદ વડે આખા ધાબા પર એકસરખી રીતે લગાવી દો. આમ કરવાથી ધાબાનું આ લૅયર ઘરને ભેજથી બચાવે છે. સુકાઇ જાય પછી ફરીથી એક લૅયર લગાવો.
મિશ્રણને પૂર્ણ રીતે સુકાવા માટે 24 થી 48 કલાકનો સમય લાગી શકે છે. આથી ઉઘાડ નીકળ્યાં બાદ, સહેજ તડકો હોય એવા દિવસે લગાવવું યોગ્ય રહેશે. ચૂનો સુકાઇ ગયા પછી એક જબરદસ્ત મજબૂત વૉટરપ્રુફિંગ બનાવે છે, જે ફૂગ અને લીલને વળવા દેતું નથી. લાકડામાંથી બનેલા કોલસામાં ભેજ શોષવાની ક્ષમતા હોય છે, જેથી આ બંને મળીને ધાબાની મજબૂતીમાં વધારો કરે છે અને પોપડાં વળવાની સમસ્યાને દૂર કરે છે. ચૂના અને ચારકૉલ જેવા સોંઘા અને ઘરગથ્થુ જુગાડની મદદ વડે તમે વરસાદના ભેજથી ઘરની રક્ષા કરી શકો છો.
આ પણ વાંચો:ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણોની અવગણના કરવી પડી શકે છે ભારે! સત્વરે પારખીને જીવ બચાવી લો
