National News/ ઢાકાની ઝૂંપડપટ્ટીને ‘દિલ્હી’ ગણાવી ભારતને બદનામ કરી રહ્યા છે ચીની વ્લોગર્સ!

અહેવાલો અનુસાર, ચીની વ્લોગર્સ (Chinese Vloggers)ઢાકાના તેકપારા અને ઉત્તરા સહિતના વિસ્તારોમાં ફરીને વીડિયો બનાવી રહ્યા છે

Top Stories India
ચીની વ્લોગર્સ (Chinese Vloggers)ઢાકાના તેકપારા અને ઉત્તરા સહિતના વિસ્તારોમાં ફરીને વીડિયો બનાવી રહ્યા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે

National News : બાંગ્લાદેશની રાજધાની ઢાકામાંથી ભારત વિરુદ્ધના કથિત દુષ્પ્રચારનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં ચીની વ્લોગર્સ (Chinese Vloggers)ઢાકાના તેકપારા અને ઉત્તરા સહિતના વિસ્તારોમાં ફરીને વીડિયો બનાવી રહ્યા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.  ઢાકાની ગરીબ વસાહતો અને ઝૂંપડપટ્ટીઓના વીડિયો બનાવીને તેને ભારતની રાજધાની નવી દિલ્હીના દૃશ્યો તરીકે રજૂ કરવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કામમાં આશરે 150 ચીની નાગરિકો સામેલ હોવાનો અહેવાલ છે. તેઓ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ વીડિયો પ્રસારિત કરીને ભારતીય શહેરો અને લોકોની છબી ખરાબ કરવાનો પ્રયાસ (Anti-India Propaganda)કરી રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બાંગ્લાદેશી અખબાર ‘પ્રોથમ આલો’ના અહેવાલ બાદ આ મામલો ચર્ચામાં આવ્યો છે.

ચીની વ્લોગર્સ (Chinese Vloggers) ઢાકાને બતાવી રહ્યા છે દિલ્હી!

અહેવાલો અનુસાર, ચીની વ્લોગર્સ (Chinese Vloggers)ઢાકાના તેકપારા અને ઉત્તરા સહિતના વિસ્તારોમાં ફરીને વીડિયો બનાવી રહ્યા છે. આ વીડિયોને વીચેટ, ડોયિન, બિલીબિલી અને યુકુ જેવા ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (China Social Media)પર લાઇવ કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે ઢાકાની આ ગરીબ વસાહતોને ભારતની રાજધાની નવી દિલ્હી તરીકે ઓળખાવવામાં આવે છે.

‘મિયાંમિયાં’ નામના એક વ્લોગરે વીડિયોમાં આ વિસ્તારને નવી દિલ્હી (New Delhi Video)ગણાવી ત્યાંની ગંદકી, ટીનનાં છાપરાં અને પાયાની સુવિધાઓની અછત વિશે વાત કરી હતી. અન્ય એક વ્લોગરે સ્થાનિક ચાની દુકાનમાં જઈને ચા ગૌમૂત્રમાંથી બનાવવામાં આવતી હોવાનો અપમાનજનક અને પાયાવિહોણો દાવો પણ કર્યો હતો. કેટલીક ચીની મહિલાઓ પોતે ભારતમાં પરણેલી હોવાની ખોટી ઓળખ આપતી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

ભારત વિરુદ્ધ દુષ્પ્રચારની આશંકા

આ સમગ્ર ઘટનાને સામાન્ય ટ્રાવેલ વ્લોગિંગ તરીકે જોવામાં આવી રહી નથી. કારણ કે વીડિયોમાં સ્થળની ખોટી ઓળખ આપવાની સાથે ભારતની સામાજિક સ્થિતિ અને જીવનધોરણને લઈને ભ્રામક રજૂઆત કરવામાં આવી રહી છે.

ચીની સોશિયલ મીડિયા પર આ પ્રકારના વીડિયો પ્રસારિત થવાથી દર્શકોમાં ભારત વિશે ખોટી છબી ઊભી થઈ શકે છે. જોકે, આ પ્રવૃત્તિ પાછળ કોઈ સંગઠિત અભિયાન કે ચોક્કસ હેતુ છે કે કેમ તે અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

મહિનાઓથી ચાલી રહ્યું છે વીડિયો બનાવવાનું કામ

બાંગ્લાદેશના ‘ધ બિઝનેસ સ્ટાન્ડર્ડ’ અને ‘કાલેર કંઠો’ સહિતના માધ્યમોના અહેવાલો પ્રમાણે, આ પ્રવૃત્તિ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે. ચીની નાગરિકો મોંઘા આઇફોન અને કૂલિંગ ફેન જેવા સાધનો સાથે કલાકો સુધી વીડિયો બનાવતા જોવા મળ્યા છે.

તેઓ પોતાના વીડિયોના શીર્ષકોમાં ગરીબી અને ઝૂંપડપટ્ટી (Dhaka Slum)જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, આ વ્લોગર્સ ભાષા સમજ્યા વિના દુકાનો અને રહેણાક વિસ્તારોમાં પ્રવેશીને શૂટિંગ કરતા રહે છે. જોકે, તેઓ આવું શા માટે કરી રહ્યા છે તે અંગે સ્થાનિક લોકોને પણ સ્પષ્ટ જાણકારી નથી.

સ્થાનિક લોકોની ગોપનીયતા સામે પણ સવાલ

આ સમગ્ર ઘટનામાં સ્થાનિક રહેવાસીઓની પ્રાયવસીનો મુદ્દો પણ સામે આવ્યો છે. અહેવાલો મુજબ, કેટલાક વ્લોગર્સ લોકોની મંજૂરી વિના તેમના ઘરો, રસોડાં અને બાથરૂમ સુધીના વીડિયો બનાવે છે.

આ કામમાં મદદ કરવા માટે તેઓ સ્થાનિક ગાઇડ અને મહિલાઓને દરરોજ 500થી 1,000 બાંગ્લાદેશી ટાકા ચૂકવતા હોવાની માહિતી પણ સામે આવી છે. બીજી તરફ, ઉત્તરા વેસ્ટ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ પ્રવૃત્તિની જાણકારી મળ્યાનું સ્વીકાર્યું છે. મામલાની વિગતો ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. જોકે, આ વીડિયો બનાવવા પાછળનો વાસ્તવિક હેતુ હજુ સ્પષ્ટ થયો નથી.


આ પણ વાંચો: હિમાલયની છાતી પર ભારતનો મહાપ્રોજેક્ટ, ચીનની ચાલોને આપશે મજબૂત જવાબ,ભારતે વધાર્યું લશ્કરી માળખું!

આ પણ વાંચો: ચીનની ચાલાકી સમજ્યું શ્રીલંકા, કહ્યુ- વિદેશનીતિમાં ‘ઈન્ડિયા ફર્સ્ટ’

આ પણ વાંચો: ભારતની પૂર્વીય સરહદ પર ચીનની નવી ચાલ: મ્યાનમાર-બાંગ્લાદેશ કોરિડોરથી બંગાળની ખાડીમાં વધારશે દબદબો.