Supreme Court India: સરકારી કર્મચારીઓની ધરપકડ અને સસ્પેન્શન (Deemed Suspension)ને લઈને સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કોઈ સરકારી કર્મચારી (Government Employee Suspension)ની ધરપકડ થયા બાદ તે 48 કલાકથી વધુ સમય ન્યાયિક કસ્ટડીમાં રહે તો તેને આપોઆપ ‘ડીમ્ડ સસ્પેન્ડેડ’ ગણવામાં આવે છે. આ માટે વિભાગે અલગથી સસ્પેન્શનનો આદેશ આપવાની જરૂર રહેતી નથી. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનમોહનની ખંડપીઠે બિહારના એક સરકારી હોસ્પિટલના અધિકારીના જામીન સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આ સ્પષ્ટતા કરી હતી.
Deemed Suspension: શું છે સમગ્ર મામલો?
આ કેસ બિહારના સમસ્તીપુરની સદર હોસ્પિટલના મેનેજર અને પ્રશાસક વિશ્વજીત સિંહ સાથે સંબંધિત છે. તેમના પર એક કરાર આધારિત કર્મચારીનો રૂ. 36,421નો બાકી પગાર ચૂકવવા માટે રૂ. 4,000ની લાંચ માગવાનો આરોપ (Bihar Bribery Case) હતો. આ મામલે તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધાયો હતો.
ધરપકડ બાદ તેઓ લગભગ 15 દિવસ ન્યાયિક કસ્ટડીમાં રહ્યા હતા. ત્યારબાદ સેશન્સ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. જોકે, ફરિયાદીની અરજી બાદ પટના હાઈકોર્ટે લગભગ એક વર્ષ પછી તેમના જામીન રદ કરીને ફરી કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે જામીન કર્યા બહાલ
વિશ્વજીત સિંહે પટના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના જામીન રદ કરવાના આદેશને રદ કરીને સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન ફરીથી બહાલ કર્યા હતા.
કોર્ટે નોંધ્યું હતું કે લાંચની રકમ ઓછી હોવી કે વધુ હોવી એ એકમાત્ર આધાર પર જામીન રદ કરવા માટે પૂરતું કારણ બની શકે નહીં. આરોપીના ગુનાહિત ભૂતકાળ અને કેસની ગંભીરતા જેવા પાસાં પણ ધ્યાનમાં લેવા જરૂરી છે.
એ જ હોસ્પિટલમાં ફરી એ જ હોદ્દા પર નિયુક્તિ સામે સવાલ
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને જાણવા મળ્યું કે ધરપકડ બાદ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં સસ્પેન્શન રદ કરીને તેમને ફરીથી એ જ હોસ્પિટલમાં એ જ હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ બાબત પર ખંડપીઠે ચિંતા વ્યક્ત કરી હતી અને બિહાર સરકારને સમગ્ર મામલાની વહેલી તકે તપાસ કરીને કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા અધિકારીને ફરી એ જ હોદ્દા પર મૂકવાથી તપાસ પર અસર થવાની શક્યતા અંગે પણ કોર્ટે ધ્યાન દોર્યું હતું.
48 કલાકની કસ્ટડી બાદ સસ્પેન્શન અંગે સ્પષ્ટતા
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકારી કર્મચારી 48 કલાકથી વધુ સમય ન્યાયિક કસ્ટડી (48 Hours Judicial Custody)માં રહે તો લાગુ પડતા સેવા નિયમો હેઠળ તેને ડીમ્ડ સસ્પેન્શન ગણવામાં આવે છે. આ માટે અલગથી સસ્પેન્શન ઓર્ડર જરૂરી નથી. આ સ્પષ્ટતા સરકારી કર્મચારીઓની ધરપકડ બાદની વહીવટી કાર્યવાહી માટે મહત્ત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: સરકારી કર્મચારીની ફરજિયાત નિવૃત્તિ સજા નથી, ચરિત્ર પર લાંછન પણ નહીં: સુપ્રીમ કોર્ટ
આ પણ વાંચો: સોમનાથમાં નોનવેજ પર પ્રતિબંધ યથાવત: સુપ્રીમ કોર્ટનો હાઇકોર્ટને 2 મહિનામાં કેસ પતાવવાનો આદેશ
