National News/ PM મોદી 16 નવેમ્બરથી ફિલિપાઇન્સના પ્રવાસે: આસિયાન અને પૂર્વ એશિયા સમિટમાં લેશે ભાગ

PM નરેન્દ્ર મોદી 16-17 નવેમ્બરે મનીલાની મુલાકાત (PM Modi Philippines Visit) લેશે. 23મી આસિયાન-ભારત અને 21મી પૂર્વ એશિયા સમિટમાં વેપાર, દરિયાઈ સુરક્ષા અને પ્રાદેશિક સહયોગ પર ચર્ચા કરશે.

Top Stories India Breaking News
PM Modi Philippines Visit: 23મી આસિયાન-ભારત સમિટમાં લેશે ભાગ

National News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 અને 17 નવેમ્બર, 2026ના રોજ ફિલિપાઇન્સની રાજધાની મનીલાની મુલાકાત (PM Modi Philippines Visit) લેશે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયરના આમંત્રણ પર થઈ રહેલી આ મુલાકાત દરમિયાન PM મોદી 17 નવેમ્બરે યોજાનારી 23મી આસિયાન-ભારત સમિટ અને 21મી પૂર્વ એશિયા સમિટ (EAS)માં ભાગ (ASEAN India Summit 2026) લેશે. આ બેઠકોમાં પ્રાદેશિક સુરક્ષા, દરિયાઈ સહયોગ, વેપાર અને રોકાણ સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

PM Modi Philippines Visit: ભારત-આસિયાન વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા થશે

PM મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને આસિયાન વર્ષ 2026ને ‘આસિયાન-ભારત દરિયાઈ સહકાર વર્ષ’ તરીકે ઉજવી રહ્યાં છે. બંને પક્ષો વચ્ચેના સંબંધોનું મહત્વ એ વાત પરથી પણ સમજી શકાય છે કે વર્ષ 2027માં ભારત અને આસિયાન વચ્ચે સંવાદ સંબંધોના 35 વર્ષ પૂર્ણ થશે. આ ઉપરાંત, વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના પાંચ વર્ષ પણ પૂર્ણ થશે.

23મી આસિયાન-ભારત સમિટમાં બંને પક્ષો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ વર્ષ 2026થી 2030 માટેની આસિયાન-ભારત કાર્યયોજનાના અમલીકરણ સહિત ભવિષ્યમાં સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા થશે.

પૂર્વ એશિયા સમિટમાં પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા

21મી પૂર્વ એશિયા સમિટ દરમિયાન PM મોદી આસિયાનના સભ્ય દેશો અને અન્ય સહભાગી દેશોના નેતાઓ સાથે પ્રાદેશિક તથા વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. આ મુલાકાત ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ને આગળ વધારવા ઉપરાંત આસિયાન સાથે દરિયાઈ સહયોગ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભાગીદારી મજબૂત કરવાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ભારત-ફિલિપાઇન્સ વેપાર સંબંધોને નવી ગતિ આપવાનો પ્રયાસ

PM મોદીની મુલાકાત પહેલાં ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પણ ચર્ચા થઈ છે. મનીલામાં યોજાયેલી ભારત-ફિલિપાઇન્સ વેપાર અને રોકાણ સંયુક્ત કાર્યકારી જૂથની 14મી બેઠકમાં આસિયાન-ભારત માલસામાન વેપાર કરાર (AITIGA)ની સમીક્ષા વહેલી તકે પૂર્ણ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વાણિજ્ય મંત્રાલયના નિવેદન મુજબ, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય પસંદગીના વેપાર કરાર અંગે વાટાઘાટો શરૂ કરવાની શક્યતાઓ પર પણ વિચારણા કરવામાં આવી હતી. આ પગલાંથી ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે વેપાર તથા રોકાણને પ્રોત્સાહન મળવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે આસિયાનમાં બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે. ફિલિપાઇન્સ હાલમાં આ સંગઠનનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે અને સમિટનું આયોજન કરી રહ્યું છે.


આ પણ વાંચો: ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થશે? PM મોદીની મુલાકાત પહેલાં ચાર મંત્રીઓ અંગે ચર્ચા તેજ

આ પણ વાંચો: છઠ મહાપર્વનો આજથી પ્રારંભ: PM મોદીએ પાઠવી શુભેચ્છા, કહ્યું- દરેકને મળે છઠી મૈયાના આશીર્વાદ

આ પણ વાંચો: PM મોદીએ શેર કર્યો Chanakya Nitiનો શ્લોક, ધર્મથી ઔષધિ સુધી જીવનની 5 અમૂલ્ય બાબતોનો આપ્યો સંદેશ