Ahmedabad News: અમદાવાદના શીલજ હિટ એન્ડ રન કેસ (Hit And Run)માં ભાજપના MLA દિનેશ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહે રેન્જ રોવર કારથી બાઈકચાલક હર્ષદકુમારને કચડીને મોતને ઘાટ ઉતાર્યા હતા. પોલીસે 17 કલાક બાદ આરોપીની ધરપકડ કરી, પરંતુ ઘટનાના 30 કલાક પછી બ્લડ ટેસ્ટ કરાવતા કાર્યવાહી શંકાના ઘેરામાં આવી છે. હાલ આરોપી જામીન પર મુક્ત છે. કારની સ્પીડ જાણવા RTO, FSL અને રેન્જ રોવર કંપની પાસેથી ટેકનિકલ રિપોર્ટ મંગાવાયા છે.
MLA : 17 કલાકે ધરપકડ, પોલીસની કાર્યવાહી પર શંકા
ગત 11 નવેમ્બરે રાઘવેન્દ્ર કુશવાહની રેન્જ રોવર કારની ટક્કરે બાઈકચાલક યુવકનું મોત થયું હતું. અકસ્માત સર્જીને આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસે 17 કલાક બાદ ધરપકડ કરી હતી. અગાઉ DySPએ બ્લડ ટેસ્ટ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું, જ્યારે આરોપીએ મીડિયા સમક્ષ બ્લડ ટેસ્ટ થયો હોવાનું કહ્યું હતું. ત્યારબાદ ઘટનાના 30 કલાક પછી બ્લડ ટેસ્ટ કરાવાયો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ અને આરોપીના નિવેદનોમાં વિરોધાભાસ
પોલીસના જણાવ્યા મુજબ, સાક્ષીઓના નિવેદનો અને પ્રાથમિક તપાસમાં આગળની ગાડી અને બાઈક વચ્ચે ઊભી થયેલી ગેરસમજથી અકસ્માત સર્જાયો હોવાનું જણાયું છે. આરોપીના કહેવા પ્રમાણે, આગળની ગાડી અચાનક ઊભી રહેતા બાઈકચાલકને બચાવવા જતાં તેની ગાડી બાઈક સાથે અથડાઈ હતી. આરોપી જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થયાનો દાવો કરે છે, પરંતુ પોલીસ મુજબ સાક્ષીઓ પાસેથી ગાડીનો નંબર મેળવી બીજા દિવસે તેના ઘરેથી ધરપકડ કરી વાહન કબ્જે કરાયું હતું. સળંગ બે દિવસમાં 25થી 26 કલાક પૂછપરછ બાદ તેને જામીન પર મુક્ત કરાયો છે.
30 કલાક પછી બ્લડ સેમ્પલ, FSL રિપોર્ટ પર મદાર
પોલીસે જણાવ્યું કે, કેસમાં આગળની કાર્યવાહી હવે FSL અને ટેકનિકલ રિપોર્ટ પર નિર્ભર છે. અકસ્માતના આશરે 30 કલાક પછી બ્લડ સેમ્પલ લેવાયું હતું. રિપોર્ટમાં નશાકારક પદાર્થનું સેવન કર્યાનું સામે આવશે તો નવી કલમો ઉમેરાશે. પ્રાથમિક તપાસમાં ગાડી બહુ ઓવરસ્પીડમાં હોવાનું જણાયું નથી, તેમ છતાં ચોક્કસ સ્પીડ જાણવા RTO, FSL અને રેન્જ રોવર કંપની પાસેથી ટેકનિકલ રિપોર્ટ માગવામાં આવ્યા છે.
આરોપીના કૉલ ડિટેલ રેકોર્ડ ચેક કરાશે
અકસ્માત બાદ 17 કલાક સુધી ક્યાં હતો તે પૂછતાં આરોપી ડરી ગયો હોવાનું કારણ આપી રહ્યો હતો. પોલીસ તેની વાત પર સીધો ભરોસો કરવાને બદલે CDR (કૉલ ડિટેલ રેકોર્ડ)ના એનાલિસિસની રાહ જોઈ રહી છે. કેસની તપાસ PSI કરી રહ્યા છે અને આરોપીને નિવેદન માટે બોલાવાય ત્યારે ફરજિયાત હાજર રહેવાની સૂચના અપાઈ છે.
અત્યાર સુધી શું થયું
શીલજમાં 11 નવેમ્બરે વહેલી સવારે બનેલા આ કેસમાં હર્ષદકુમાર નામના 35 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મોત(Death of a young man) નીપજ્યું હતું. ફરાર થયેલા આરોપીની 17 કલાક બાદ ધરપકડ થઈ, પરંતુ ગંભીર ગુનાના બદલે સામાન્ય કલમો લગાવી ગણતરીના કલાકોમાં જામીન પર મુક્ત કરાતા પોલીસની કામગીરી સવાલોના ઘેરામાં આવી. બ્લડ ટેસ્ટના મુદ્દે DySPએ જવાબ ટાળ્યો, જ્યારે આરોપીએ ટેસ્ટ થયાનો દાવો કર્યો. આ ઘટનાક્રમને કારણે વગદાર નેતાના ભત્રીજાને બચાવવાના પ્રયાસ થઈ રહ્યાનો આક્ષેપ ઊઠ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદના રબારી કોલોની પાસે હિટ એન્ડ રન, આઈસરની ટક્કરે 50 વર્ષીય આનંદ સક્સેનાનું મોત
આ પણ વાંચો: પાટણમાં હિટ એન્ડ રનનો બનાવ, મિની ટ્રકની અડફેટે બે પદયાત્રીઓનાં મોત, 4 ગંભીર
આ પણ વાંચો: અમદાવાદ SP રિંગ રોડ પર હિટ એન્ડ રનના 2 બનાવ, બે યુવકોનાં મોત
