Gandhinagar News/ રાજ્યમાં ફાયર સેફ્ટીના નિયમો વધુ કડક, નાના-મધ્યમ કોમર્શિયલ અને ઔદ્યોગિક એકમોને પણ હવે ફાયર NOC લેવી પડશે

ગુજરાત સરકારે ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી રૂલ્સ 2026 હેઠળ ફાયર NOCના નવા નિયમ જાહેર કર્યા, 1 એપ્રિલ 2027થી આવશે અમલમાં

Gujarat Gandhinagar Top Stories Breaking News
NOC

Gandhinagar News : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટીના નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી રૂલ્સ 2026 હેઠળ ફાયર NOC મેળવવા માટેના નવા નિયમો જાહેર કર્યા છે.

નવા નિયમ મુજબ હવે 15 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા, પરંતુ 500 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા કોમર્શિયલ અને ઔદ્યોગિક બાંધકામો માટે પણ ફાયર NOC ફરજિયાત રહેશે. આ નિયમનો અમલ 1 એપ્રિલ 2027થી કરવામાં આવશે.

15 મીટર કે વધુ ઊંચી ઇમારતો માટે NOC ફરજિયાત

નવા નિયમો અનુસાર, રાજ્યમાં 15 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી તમામ ઇમારતો માટે ફાયર એનઓસી લેવી અથવા તેનું રિન્યુઅલ કરાવવું ફરજિયાત રહેશે. આ ઉપરાંત 9 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી સ્કૂલ, કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓએ પણ ફાયર સેફ્ટી(Fire Safety)ના નિયમોનું પાલન કરવું પડશે. હોસ્પિટલ, હોટલ, પેટ્રોલ પંપ, ફેક્ટરીઓ તેમજ હંગામી બાંધકામો અને પંડાલો માટે પણ ફાયર સેફ્ટીની જોગવાઈઓ વધુ કડક બનાવાઈ છે.

નાના-મધ્યમ કોમર્શિયલ એકમો માટેની છૂટછાટ દૂર

અગાઉ 15 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા નાના અને મધ્યમ કદના કોમર્શિયલ તથા ઔદ્યોગિક બાંધકામો માટે સત્તાવાર ફાયર એનઓસી લેવી ફરજિયાત નહોતી. આવા એકમોના માલિકોએ ફાયર વિભાગને માત્ર લેખિત જાણ કરવાની ઔપચારિકતા પૂર્ણ કરવી પડતી હતી. આગની ગંભીર ઘટનાઓ અને જાનમાલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે આ છૂટછાટ દૂર કરાઈ છે. પરિણામે દુકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ગોડાઉન અને ઔદ્યોગિક એકમો સહિતના મોટા ક્ષેત્રફળવાળા બાંધકામોએ પણ સત્તાવાર ફાયરએનઓસી મેળવવી પડશે.

NOCની પ્રક્રિયામાં ફેરફાર, એકમોને અપાયો સમય

ફાયર એનઓસીની પ્રક્રિયામાં પણ ફેરફાર કરાયો છે. નવી ફાયર એનઓસી આપવાની સત્તા ચીફ ફાયર ઓફિસર (Chief Fire Officer) પાસે રહેશે, જ્યારે NOCના રિન્યુઅલ માટે માન્યતા પ્રાપ્ત ખાનગી ફાયર ઓફિસરોની ભૂમિકા વધારવામાં આવી છે. નવા નિયમોનો અમલ 1 એપ્રિલ 2027થી થવાનો હોવાથી હાલ કાર્યરત એકમોના માલિકોને ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવા, વ્યવસ્થા ઊભી કરવા અને એનઓસી મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમય અપાયો છે.

એનઓસી વગરના એકમો સામે કડક કાર્યવાહી

વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે 1 એપ્રિલ 2027 બાદ જે કોમર્શિયલ કે ઔદ્યોગિક એકમો પાસે માન્ય ફાયર એનઓસી નહીં હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નિયમોનું પાલન (Compliance with Rules)નહીં કરનાર એકમોને સીલ કરવા સહિતનાં દંડાત્મક પગલાં(Punitive measures) લેવાઈ શકે છે. નવા નિયમોથી બિલ્ડરો, વેપારીઓ, ઉદ્યોગકારો અને મિલકતધારકો માટે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન અનિવાર્ય બનશે. આ નિર્ણયથી રાજ્યમાં આગની દુર્ઘટનાઓનું જોખમ ઘટાડવા અને નાગરિકોની સુરક્ષા મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો છે.


આ પણ વાંચો: વડોદરામાં SSG હોસ્પિટલમાં આગની ઘટના બાદ ફાયર સેફ્ટી વ્યવસ્થા સામે સવાલો

આ પણ વાંચો: સુરતમાં નવરાત્રિના ફૂડ સ્ટોલ પર દરોડા, ગરબાના ડોમમાં ફાયર સેફ્ટીની તપાસ કોણ કરશે?

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી મુદ્દે મહત્વની સુનાવણી: ગગનચુંબી ઇમારતોમાં દર ત્રણ માળે એક રિફ્યૂજ ફ્લોરનો નિયમ આવશે, નવા CGDCRની તૈયારી