Ahmedabad News/ યુટ્યુબ બન્યું ડ્રગ્સ બનાવવાનું ગુરુ! મુદ્દસર પઠાણે કાળી કમાણીથી ખરીદ્યો રૂપિયા 1.5 કરોડનો બંગલો?

અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સ ફેક્ટરી કેસમાં NCBએ આરોપી મુદ્દસર પઠાણને કોર્ટમાં રજૂ કર્યો, 17 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર, 1.5 કરોડનો બંગલો ડ્રગ્સની કમાણીથી ખરીદ્યાની આશંકા

Gujarat Top Stories Ahmedabad Breaking News
MD

Ahmedabad News: અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા લબ્બેક પાર્કના બંગલાના ભોંયરામાંથી ઝડપાયેલી MD ડ્રગ્સ બનાવવાની મીની ફેક્ટરીના કેસમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. NCBએ આરોપી મુદ્દસર પઠાણ (Mudassar Pathan)ને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીના 17 નવેમ્બરના સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

બંગલો MD ડ્રગ્સની કમાણીથી ખરીદ્યાની આશંકા

કોર્ટમાં સુનાવણી દરમિયાન NCB (Narcotics Control Bureau)અને ખાસ સરકારી વકીલ મહેશ પટેલે રજૂઆત કરી હતી કે આરોપી જે બંગલામાં રહે છે તેની બજાર કિંમત 1.5 કરોડથી વધુ છે. આરોપીએ ડ્રગ્સના વેચાણમાંથી થયેલી કમાણીમાંથી આ બંગલો ખરીદ્યો છે કે કેમ, તે દિશામાં તેના તમામ નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓની તપાસ કરવી જરૂરી છે.

રાજસ્થાનમાં ટ્રેનિંગ અને YouTube પરથી શીખ્યો ડ્રગ્સ બનાવવાની રીત

તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વર્ષ 2024થી, એટલે કે છેલ્લા બે વર્ષથી, પોતાના ઘરના ભોંયરામાં ગુપ્ત રીતે એમડી ડ્રગ્સની લેબોરેટરી ચલાવતો હતો. તેણે અગાઉ રાજસ્થાનમાં ડ્રગ્સ બનાવવાની પ્રાથમિક તાલીમ લીધી હતી અને ત્યારબાદ યુ-ટ્યુબ (YouTube) તથા ગૂગલ પર પ્રોસિજર સર્ચ કરીને ઘરે જ ડ્રગ્સ તૈયાર કરતો હતો. તે મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી રો-મટિરિયલ અને કેમિકલ મંગાવતો હતો.

‘રતલામ કાફે’માં યુવાનોને સપ્લાય અને સિન્ડિકેટની તપાસ

સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી પોતે પણ એમડી ડ્રગ્સનો બંધાણી છે અને પોતાના ‘રતલામ કાફે’માં આવતા યુવાનોને પણ ડ્રગ્સ સપ્લાય કરતો હતો. દરોડા દરમિયાન તેના ઘરેથી 130 કિલો કેમિકલ અને 26.67 ગ્રામ તૈયાર એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.

કરોડો રૂપિયાનું ડ્રગ્સ બનાવવા માટે આરોપીને આર્થિક મદદ કોણે કરી અને સમગ્ર સિન્ડિકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે, તે જાણવા NCB દ્વારા આરોપીના ફોન રેકોર્ડ્સ અને સપ્લાય ચેઇનની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ, ભોંયરામાંથી કરોડોનો કાચો માલ જપ્ત

આ પણ વાંચો: અમદાવાદના રખિયાલમાં 3.36 ગ્રામ MD ડ્રગ્સ સાથે આધેડ ઝડપાયો, સપ્લાયરની શોધખોળ

આ પણ વાંચો: Porterની આડમાં MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ