Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની બેદરકારીને કારણે સરકારી શૌચાલયો જોખમમાં મુકાયા છે. જેમાં દિલ્હી દરવાજા સ્થિત લીમડા ચોક ચાર રસ્તા નજીકનું સરકારી શૌચાલય કોર્પોરેશનની મંજુરી વિના કેટલાક લોકોએ તોડી પાડ્યું હતું. તે સમયે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને મામલો દબાવી દેવાયો હતો. અગાઉ નારણપુરામાં એક દુકાનની આગળ આવેલું સરકારી શૌચાલય ભાજપ યુવા મોરચાના કાર્કરો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
આમ હવે અમદાવાદમાં કેટલીક જગ્યાએ બારોબાર કોર્પોરેશનની મંજૂરી વિના શૌચાલયો તૂટી રહ્યાં છે. મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે આ અંગે જણાવ્યું હતું કે, ગત એપ્રિલ મહિનામાં શૌચાલય તોડવામાં આવ્યું હોવા અંગેનું મારા ધ્યાન ઉપર આવ્યું હતું. આ બાબતે અમે પોલીસ ફરિયાદ કરવા માટે થઈને પત્ર લખી દેવામાં આવ્યો હતો. પત્ર લખ્યા બાદ કોઈ કાર્યવાહી થઈ નથી, તે અંગે જાણ નથી. ત્યાં શૌચાલય હતું ત્યાં હવે નવું ફરીથી બનાવી દેવામાં આવશે.
લોકોને જાહેર રોડ ઉપર શૌચાલયની સુવિધા મળી રહે તેના માટે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં નાના શૌચાલય બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વચ્છતા અને શૌચાલય બનાવવા માટે કહ્યું છે. જોકે, અમદાવાદમાં પરિસ્થિતિ કંઈક અલગ જ છે. શૌચાલય બનાવો નહીં, પરંતુ તોડો તેવી સ્થિતિ છે. નારણપુરા વિસ્તારમાં ભાજપના યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા શૌચાલય તોડવાની ઘટનાને હજી એક અઠવાડિયું થયું છે, ત્યાં શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં લીમડા ચોક નજીક ખૂણા પર આવેલું એક શૌચાલય પણ તોડી પાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આજુબાજુમાં નાના વેપારીઓ તેમજ અવરજવર કરતા રાહદારીઓ માટે શૌચાલય ખૂબ જ ઉપયોગી હતું.
સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે, શૌચાલયની બાજુમાં આવેલી દુકાન શાહપુર ભાજપના પ્રમુખના સંબંધીની છે. આ દુકાન ભાડે આપવામાં આવેલી છે. બે મહિના પહેલા શૌચાલય મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ મંજૂરી વિના તોડી નાખવામાં આવ્યું અને ત્યારબાદ આ દુકાન 15 દિવસ પહેલા જ ભાડે આપવામાં આવેલી છે. આ દુકાન ભાડે આપવાની હતી, જેના કારણે થઈને આ શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે. જ્યાં શૌચાલય હતું, ત્યાં આગળના ભાગે પેવર બ્લોક નાખી હાલમાં એક નાની કેબીન પણ બનાવી દેવામાં આવી છે, જે ગેરકાયદેસર હોવાની ચર્ચા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓને પણ જાણ છે કે, આ કોના કહેવાથી તોડી પાડવામાં આવ્યું છે, પરંતુ આ મામલે કોઈ બોલતું નથી.
દરિયાપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈને જણાવ્યું કે, સ્થાનિક લોકો દ્વારા આજ જગ્યા ઉપર શૌચાલય ખૂબ જ ગંદકી હોવાના કારણે તોડી પાડવાની રજૂઆત કરવામાં આવી હતી. વોર્ડ સમિતિમાં કોર્પોરેટરો દ્વારા આ મામલે રજૂઆત કરી અને લેખિતમાં જાણ પણ કરવામાં આવેલી છે. શૌચાલય આગળની દુકાન શાહપુર વોર્ડના ભાજપ પ્રમુખના સંબંધીની દુકાન છે. 15 દિવસ પહેલા જ આ દુકાનને ચાલુ કરવામાં આવી છે. ભાજપ પ્રમુખને આ મામલે કોઈ લેવાદેવા નથી.
વોર્ડ પ્રમુખ બન્યાએ પહેલા આ શૌચાલય તૂટી ગયેલું છે. પહેલા શૌચાલય તૂટ્યું છે અને પછી આ દુકાન ચાલુ થયેલી છે. જે કોઈએ આ શૌચાલય તોડ્યુ હોય તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે. આજુબાજુના સીસીટીવી તપાસીને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે.શાહપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર રેખાબેન ચૌહાણએ જણાવ્યું હતું કે, આ શૌચાલય કોઈ વ્યક્તિ દ્વારા તોડી પાડવામાં આવ્યું હશે. કોંગ્રેસના કોર્પોરેટર અકબર ભટ્ટીએ જણાવ્યું હતું કે, આ મામલે વોર્ડ સમિતિમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો માટે આ એક જ જગ્યા પર શૌચક્રિયા માટે લોકો જતા હતા.
આ પણ વાંચો:વડોદરા શહેરમાં સ્કૂલોને બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત,અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી, પોલીસ તપાસમાં
આ પણ વાંચો:વડોદરામાં 12 દિવસમાં ત્રીજી સ્કૂલ નિશાના પર,સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી
આ પણ વાંચો:‘બોમ્બ પહાડોમાં ‘માખણમાં છરી’ ની જેમ ઘૂસી ગયા’, ટ્રમ્પે બતાવ્યું, કેવી રીતે ઈરાન પર હુમલો કર્યો
