Surat News: દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રથમ સ્થાન મેળવનાર સુરત હવે બીજા ક્રમે સરકી ગયું છે. શહેરના સ્વચ્છતા રેન્કિંગમાં થયેલા ઘટાડા પાછળ ડોર-ટુ-ડોર કચરા કલેક્શન (Surat Garbage Collection)ની ગાડીઓની અછત મુખ્ય કારણ તરીકે સામે આવી છે. આશરે રૂ. 11,000 કરોડનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકામાં કચરો ઉપાડવા માટે જરૂરી વાહનોની વ્યવસ્થા જ અધૂરી હોવાનું મનપાની સંકલન બેઠકમાં સામે આવ્યું છે. તંત્રના આંકડા મુજબ, શહેરમાં 1,230 ગાડીઓની જરૂરિયાત સામે હાલમાં માત્ર 773 ગાડીઓ ઉપલબ્ધ છે. એટલે કે કુલ 457 વાહનોની અછત છે.
Surat Garbage Collection: રાંદેરમાં 3થી 4 દિવસે કચરો ઉપડતો હોવાની ફરિયાદ
વાહનોની અછતના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં નિયમિત કચરો એકત્ર કરવાની કામગીરી પ્રભાવિત થઈ રહી છે. ખાસ કરીને રાંદેર ઝોનમાં કચરા કલેક્શન (Garbage Collection)ની ગાડીઓ 3થી 4 દિવસે આવતી હોવાની ફરિયાદો સામે આવી છે. આ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદી (Purnesh Modi)એ મનપા તંત્ર સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી અને પત્ર લખીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.
આપેલી વિગતો મુજબ, રાંદેર ઝોનમાં 147 ગાડીઓની જરૂરિયાત સામે 78 ગાડીઓ કાર્યરત છે. આ આંકડા પ્રમાણે અહીં 69 ગાડીઓની અછત છે.
વસ્તી અને વિસ્તાર વધ્યા, ટેન્ડર જૂના આંકડા પ્રમાણે
કોર્પોરેટર હર્ષ મહેતાના જણાવ્યા અનુસાર, વર્ષ 2021ની વસ્તી ગણતરીના આધારે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન (Door to Door Garbage Collection) માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરની વસ્તી અને વિસ્તાર બંનેમાં વધારો થયો છે.
રાંદેર ઝોનમાં વણકલા, ચીચી, ઓખા અને જહાંગીરાબાદ સહિતના વિસ્તારોમાં નવી ટી.પી. સ્કીમો વિકસતાં કચરા કલેક્શનનું ક્ષેત્ર પણ વિસ્તર્યું છે. તેમ છતાં ઉપલબ્ધ ગાડીઓની સંખ્યા જરૂરિયાતની સરખામણીએ ઓછી છે. તહેવારો દરમિયાન ડ્રાઇવરો અને અન્ય સ્ટાફની અછતને કારણે કચરો એકત્ર કરવાની કામગીરી અનિયમિત બની હોવાનું પણ જણાવાયું છે.
ઉધના-એ ઝોનમાં સૌથી વધુ 112 ગાડીઓની અછત
મનપાના આંકડા મુજબ, વાહનોની અછત માત્ર રાંદેર પૂરતી મર્યાદિત નથી. શહેરના વિવિધ ઝોનમાં પણ કચરા કલેક્શન માટે પૂરતાં વાહનો ઉપલબ્ધ નથી.
ઉધના-એ ઝોનમાં 112 ગાડીઓની અછત
લિંબાયત ઝોનમાં 83 ગાડીઓની અછત
વરાછા એ-બી ઝોનમાં 57 ગાડીઓની અછત
સેન્ટ્રલ ઝોનમાં 55 ગાડીઓની અછત
કતારગામ ઝોનમાં 53 ગાડીઓની અછત
અઠવા ઝોનમાં 40 ગાડીઓની અછત
ઉધના-બી ઝોનમાં 30 ગાડીઓની અછત
આ આંકડા શહેરમાં કચરા કલેક્શન માટે વાહનોની વ્યવસ્થા સામે ઊભા થયેલા પડકારને દર્શાવે છે.
કોન્ટ્રાક્ટર સામે નોટિસ અને પેનલ્ટી, પણ સમસ્યા યથાવત્
સંકલન બેઠકમાં ધારાસભ્યોએ વાહનોની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં મનપા તંત્રએ ગ્લોબલ વેસ્ટ કંપનીને નોટિસ ફટકારીને પેનલ્ટી વસૂલવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જોકે, વાહનોની અછત દૂર કરવા માટે માત્ર દંડની કાર્યવાહી પૂરતી છે કે નહીં તે મુદ્દે સવાલો ઊભા થયા છે. શહેરમાં કચરા કલેક્શનની કામગીરી નિયમિત બનાવવા માટે વધુ વાહનો અને સ્ટાફની જરૂરિયાત હોવાનું સામે આવ્યું છે.
સમસ્યા ઉકેલવા 329 નવી ગાડીઓ ફાળવવાની તૈયારી
ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતો બાદ મનપા તંત્ર દ્વારા વાહનોની અછત દૂર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કોર્પોરેટર હર્ષ મહેતાના જણાવ્યા મુજબ, શહેરમાં અંદાજે 400 જેટલી ગાડીઓની અછત છે. આ સમસ્યાના ઉકેલ માટે 329 નવી ગાડીઓ ફાળવવાની તજવીજ હાથ ધરાઈ છે અને તેની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. હવે આ નવા વાહનો ક્યારે કાર્યરત થાય છે અને કચરા કલેક્શનની કામગીરીમાં કેટલો સુધારો થાય છે તેના પર નજર રહેશે.
આ પણ વાંચો: સુરત સ્વચ્છતામાં બીજા ક્રમે, કુમાર કાનાણીની તંત્રને ચેતવણી
આ પણ વાંચો: અમદાવાદ LG હોસ્પિટલમાં મચ્છર અને ગંદા ચાદરની ફરિયાદ, સ્વચ્છતા સામે સવાલ
આ પણ વાંચો: PM મોદીની મુલાકાત પહેલાં વડોદરા બનશે ચકાચક! શરૂ થયું ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન
