Mumbai News: બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની પ્રિન્સેસ કેટ ભારત પ્રવાસના બીજા દિવસે મુંબઈમાં (Prince William Mumbai) અનોખા અંદાજમાં જોવા મળ્યાં હતાં. પ્રિન્સ વિલિયમે ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવી હતી, જ્યારે કેટ તેમની પાછળ બેઠાં હતાં. બંને અર્થશોટ પ્રાઇઝના કાર્યક્રમમાં પહોંચવા માટે આ ઈ-રિક્ષા (Electric Rickshaw)માં સવાર થયાં હતાં. રિક્ષા પર અર્થશોટ પ્રાઇઝનો લોગો પણ લગાવવામાં આવ્યો હતો.
આ અનોખી સવારી અંગે પ્રિન્સેસ કેટે (Princess Kate) કહ્યું હતું કે કાર્યક્રમમાં પહોંચવાનો આ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. મુંબઈમાં બંનેએ વર્ષ 2026ના અર્થશોટ પ્રાઇઝના ફાઇનલિસ્ટ્સ સાથે પણ મુલાકાત કરી હતી. આ પહેલાં પ્રવાસના પ્રથમ દિવસે બંનેએ ગલી ક્રિકેટમાં પણ ભાગ લીધો હતો.
Prince William Mumbai: વિજેતાઓને મળશે આશરે 11 કરોડ રૂપિયા
પ્રિન્સ વિલિયમે આશરે છ વર્ષ પહેલાં પર્યાવરણની સમસ્યાઓના ઉકેલ માટે અર્થશોટ પ્રાઇઝની શરૂઆત કરી હતી. તેનો હેતુ પર્યાવરણ સંબંધિત પડકારોનો ઉકેલ શોધનારા લોકો અને સંસ્થાઓને પ્રોત્સાહન આપવાનો છે.
દર વર્ષે પાંચ વિજેતાઓ પસંદ કરવામાં આવે છે. દરેક વિજેતાને 10 લાખ પાઉન્ડ એટલે કે આશરે 11 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવે છે. મુંબઈમાં આ પુરસ્કારનો છઠ્ઠો સમારોહ યોજાઈ રહ્યો છે.
કેસિંગ્ટન પેલેસના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ હશે. આ માટે ભારતનાં 24 રાજ્યોની 15 હજાર શાળાઓ સુધી કાર્યક્રમ પહોંચાડવામાં આવ્યો છે. સમારોહ પહેલાં પ્રિન્સ વિલિયમ ફાઇનલિસ્ટ્સ સાથે મુલાકાત કરશે. આ વર્ષના ફાઇનલિસ્ટ્સમાં ભારતની મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલિટી પણ સામેલ છે, જે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર બનાવે છે.
પ્રથમ વખત બાળકો માટે પણ પુરસ્કાર સમારોહ
આ વખતે પ્રથમ વખત બાળકો માટે ચિલ્ડ્રન્સ અર્થશોટ અવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 9થી 17 વર્ષનાં બાળકોના પર્યાવરણ બચાવવાના વિચારો અને પ્રયાસોને સન્માનિત કરવામાં આવશે.
આ પહેલ હેઠળ બાળકોને પોતાની આસપાસની પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ ઓળખીને તેના ઉકેલો રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યાં હતાં.

સચિન, આલિયા અને શ્રેયા ઘોષાલ પણ થશે સામેલ
અર્થશોટ પ્રાઇઝ (Earthshot Prize 2026)ના સમારોહમાં ક્રિકેટર સચિન તેંડુલકર, અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રામી મલેક સહિતની જાણીતી હસ્તીઓ સામેલ થશે. ફિલ્મ નિર્માતા કરણ જોહર કાર્યક્રમનું સંચાલન કરશે.
ગાયિકા શ્રેયા ઘોષાલ બ્રિટિશ બેન્ડ ટેક ધેટ સાથે પરફોર્મ કરશે. આ બેન્ડ પ્રથમ વખત ભારતમાં રજૂઆત કરશે. આ ઉપરાંત મુંબઈની સંગીતકાર મર્લિન ડી’સૂઝાના નેતૃત્વમાં અર્થશોટ ઓર્કેસ્ટ્રા અને ભારતનું પ્રથમ ઓલ-ફીમેલ હિપ-હોપ ગ્રુપ વાઇલ્ડ વાઇલ્ડ વુમન પણ રજૂઆત કરશે.
અર્થશોટમાં ભારતના સૌથી વધુ વિજેતા અને ફાઇનલિસ્ટ
અર્થશોટ પ્રાઇઝ અનુસાર, અત્યાર સુધી આ પુરસ્કારમાં ભારતમાંથી સૌથી વધુ વિજેતાઓ અને ફાઇનલિસ્ટ્સ પસંદ કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર જળવાયુ પરિવર્તન, કચરાનું વ્યવસ્થાપન, વાયુ પ્રદૂષણ, સમુદ્ર સંરક્ષણ તેમજ વૃક્ષો, છોડ અને જીવજંતુઓના રક્ષણ માટેના નવીન ઉકેલોને પ્રોત્સાહન આપે છે.
અર્થશોટ પ્રાઇઝના સીઈઓ જેસન નોફે જણાવ્યું હતું કે મુંબઈમાં યોજાનારો સમારોહ ભારતના પર્યાવરણ સંબંધિત પ્રયાસો, નવીન વિચારો અને સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરવાની તક છે. આ વખતે શાળાઓ સાથે જોડાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ અને અનેક વિશેષ રજૂઆતો પણ યોજાશે.
મુંબઈ બાદ દિલ્હી જશે પ્રિન્સ વિલિયમ અને કેટ
મુંબઈનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ 18 નવેમ્બરે દિલ્હી જશે. અહીં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત સાથે તેમનો ભારત પ્રવાસ પૂર્ણ થશે.
બ્રિટનના કાર્યકારી હાઈ કમિશનરના જણાવ્યા અનુસાર, આ પ્રવાસ બંને દેશોના લોકો વચ્ચેના જૂના સંબંધોને વધુ મજબૂત કરવાની તક છે. ભારત અને બ્રિટન ટેકનોલોજી, રોકાણ, સ્વચ્છ ઊર્જા, શિક્ષણ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારી રહ્યાં છે.
આ પણ વાંચો: સગીરા પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં ઈ-રિક્ષા ચાલકની ધરપકડ
આ પણ વાંચો: 18 વર્ષની યુવતી ઈ-રિક્ષા ડ્રાઈવર આરતીએ યુકેમાં જીત્યો મહિલા સશક્તિકરણ એવોર્ડ
આ પણ વાંચો: મુંબઈમાં બોમ્બની ધમકી: ‘જલસા’ અને હાઈકોર્ટ પણ નિશાને
