Gandhinagar News: ગાંધીનગર જિલ્લામાં 200થી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઈને રાજકીય (Gram Panchayat Election) માહોલ ગરમાયો છે. ચૂંટણી પૂર્વે પ્રાથમિક મતદાર યાદી જાહેર થતાં જ સ્થાનિક આગેવાનો અને સંભવિત ઉમેદવારો સક્રિય થયા છે. બેલેટ પેપરથી યોજાનારી આ ચૂંટણીઓ માટે જિલ્લાના ચારેય તાલુકામાં કુલ 4,48,224 મતદારો (Gandhinagar Voter List) નોંધાયા છે. હવે મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરાવવા અને સુધારા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.
Gram Panchayat Election: પ્રાથમિક મતદાર યાદી જાહેર, 23 નવેમ્બર સુધી સુધારાની તક
ચૂંટણી પંચના આદેશ અનુસાર ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં ચૂંટણી યોજાનારી ગ્રામ પંચાયતોના વોર્ડની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મતદારોને યાદીમાં નામ ઉમેરવા, નામ કમી કરાવવા અથવા વિગતોમાં સુધારો કરાવવા માટે 23 નવેમ્બર સુધી તક આપવામાં આવી છે.
આ પ્રક્રિયાને પગલે સ્થાનિક રાજકીય આગેવાનો અને સંભવિત ઉમેદવારો પોતાના સમર્થકોનાં નામ મતદાર યાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરી રહ્યા છે. અરજીઓ અને દાવા-વાંધાઓના નિકાલ બાદ 27 નવેમ્બરે આખરી ફોટાવાળી મતદાર યાદી જાહેર કરવામાં આવશે.
ગાંધીનગર અને દહેગામમાં સૌથી વધુ મતદારો
તાલુકાવાર આંકડા મુજબ ગાંધીનગર તાલુકામાં અંદાજે 54 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 1,73,744 મતદારોની પ્રાથમિક યાદી તૈયાર કરવામાં આવી છે. જ્યારે દહેગામ તાલુકામાં 85થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી (Dehgam Election) યોજાવાની છે. અહીં કુલ 1,72,066 મતદારો નોંધાયા છે.
બંને તાલુકામાં મતદારોની સંખ્યા વધુ હોવાથી સ્થાનિક સત્તાનાં સમીકરણોમાં આ વિસ્તારો મહત્ત્વના બની શકે છે. જિલ્લા અને તાલુકા સ્તરના રાજકીય આગેવાનોની નજર પણ આ વિસ્તારો પર રહેશે.
કલોલનાં 30 ગામમાં ચૂંટણીનો માહોલ
માણસા તાલુકામાં સામાન્ય અને પેટાચૂંટણી હેઠળ કુલ 49 વોર્ડમાં ચૂંટણી યોજાવાની છે, જેમાં 58,454 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બીજી તરફ કલોલ તાલુકાનાં (Kalol Gram Panchayat) અંદાજે 30 ગામોમાં ચૂંટણી યોજાશે, જ્યાં 43,960 મતદારોની પ્રાથમિક યાદી જાહેર કરવામાં આવી છે.
27 નવેમ્બરે આખરી યાદી, ડિસેમ્બરના અંતમાં ચૂંટણીની શક્યતા
ચારેય તાલુકાના આંકડા જોતાં ગ્રામ્ય વિસ્તારોમાં સત્તા મેળવવા માટે સ્થાનિક આગેવાનો અને રાજકીય પક્ષો વચ્ચે રસાકસી જોવા મળી શકે છે. બેલેટ પેપરથી મતદાન થવાનું હોવાથી અત્યારથી જ મતદારોને રિઝવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
મતદાર યાદી અંગેની દાવા-વાંધાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 27 નવેમ્બરે આખરી યાદી પ્રસિદ્ધ થશે. ડિસેમ્બરના અંતમાં ચૂંટણીઓ યોજાવાની સંભાવનાને પગલે ગામડાંઓમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.
આ પણ વાંચો: SIR પર સુપ્રીમ કોર્ટમાં નવી અરજી, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને પૂછ્યા 48 સવાલ
આ પણ વાંચો: ગુજરાતમાં વહેલી ચૂંટણીની ચર્ચા: દુષ્કાળ અને જનઆક્રોશ વચ્ચે ભાજપની નવી રણનીતિના સંકેત
આ પણ વાંચો: કુંવરજી બાવળિયાને ઝટકો: ચૂંટણી લડવા સામે સમાજના આગેવાનનો વિરોધ
