Ahmedabad News: અમદાવાદના ચંડોળા તળાવના ડેવલપમેન્ટની (Chandola Lake Development) કામગીરીની મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્થળ પર જઈ સમીક્ષા કરી હતી. તળાવના ડેવલપમેન્ટના ફેઝ-1નું 60 ટકા કામ પૂર્ણ થયું છે અને માર્ચ 2027 સુધીમાં કામગીરી પૂરી કરવાનું આયોજન છે. જોકે, તળાવમાંથી દબાણો દૂર કરાયાં બાદ અસરગ્રસ્ત પરિવારોને હજુ સુધી મકાન ફાળવવામાં આવ્યાં નથી. આ સ્થિતિમાં કમિશનરે પરિવારોને શેલ્ટર હોમમાં રહેવાની વ્યવસ્થા અને બાળકોને મ્યુનિસિપલ સ્કૂલમાં પ્રવેશ અપાવવાની ખાતરી આપી છે.
Chandola Lake Development: ફેઝ-1નું 60 ટકા કામ પૂર્ણ, સમયમર્યાદામાં કામગીરી પૂરી કરવા સૂચના
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ચંડોળા તળાવ ડેવલપમેન્ટ સાઇટની મુલાકાત દરમિયાન ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓ પાસેથી પ્રોજેક્ટની પ્રગતિ અંગે વિગતો મેળવી હતી અને કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. હાલ ફેઝ-1નું 60 ટકા કામ પૂર્ણ થયું છે અને માર્ચ 2027 સુધીમાં તેને પૂરું કરવાનું આયોજન છે.
અસરગ્રસ્ત પરિવારો માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરાશે
ડેવલપમેન્ટ સાઇટની આસપાસ રહેતા પરિવારો સાથે પણ કમિશનરે વાતચીત કરી હતી. અસરગ્રસ્ત પરિવારોને શેલ્ટર હોમમાં રહેવાની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત, પરિવારોનાં બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં પ્રવેશ અપાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
કમિશનરે વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા અપીલ કરી હતી. જેથી સ્થળાંતરની સ્થિતિમાં પણ બાળકોનું શિક્ષણ ચાલુ રહી શકે.
દબાણો દૂર થયાં છતાં 800થી વધુ પાત્ર પરિવારોને મકાનની રાહ
ચંડોળા તળાવમાંથી દોઢથી બે વર્ષ પહેલાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ (Chandola Lake Rehabilitation) ધરવામાં આવી હતી. તે સમયે કાચાં-પાકાં મકાનો અને ઝૂંપડાં તોડી તળાવ વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. જોકે, અસરગ્રસ્ત પરિવારોને મકાન ફાળવવાની પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી.
મળતી માહિતી મુજબ, કાયદેસર પાત્રતા ધરાવતા 800થી વધુ પરિવારોને હજુ સુધી મકાન મળ્યાં નથી. પૂર્વ વિપક્ષ નેતા અને દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે પણ થોડા મહિના અગાઉ મ્યુનિસિપલ કમિશનરને આ અંગે રજૂઆત કરી હતી. તેમ છતાં મકાન ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી.
પરિણામે અસરગ્રસ્ત પરિવારોને હાલ ભાડાનાં મકાનોમાં રહેવું પડે છે અને આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. હવે એક તરફ તળાવના ડેવલપમેન્ટની કામગીરી આગળ વધી રહી છે, તો બીજી તરફ અસરગ્રસ્ત પરિવારોને કાયમી મકાન ક્યારે મળશે તે સવાલ યથાવત્ છે.
આ પણ વાંચો: ચંડોળા તળાવના રહેવાસીઓનો રિવરફ્રન્ટ હાઉસ ખાતે ઘેરાવ, 200થી વધુ લોકોનો વિરોધ
આ પણ વાંચો: ચંડોળા તળાવ આસપાસ ગેરકાયદે દબાણો અંગે આરોપી લલ્લા બિહારીના શરતી જામીન મંજૂર
આ પણ વાંચો: ચંડોળા તળાવ ડિમોલિશનને એક વર્ષ પૂર્ણ,બ્યુટીફિકેશન કામે ઝડપ પકડી
