Dahod News: રાજ્યના મુખ્યમંત્રી(CM)એ દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારમાં 72 કલાકના આદિવાસી પ્રવાસનો પ્રારંભ કર્યો છે. આદિવાસી સમાજ સાથે સીધો સંપર્ક સાધવા અને તેમની પરંપરા, જીવનશૈલી તથા પ્રશ્નોને નજીકથી સમજવાના હેતુથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસની શરૂઆત ધરતી આંબાથી કરવામાં આવી હતી, જ્યાં મુખ્યમંત્રીએ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આદિવાસી સમાજના મહાનાયકને શ્રદ્ધાંજલિ આપી હતી.
પરંપરાગત કોટી અને તીરકામઠાંથી CMનું સ્વાગત

આદિવાસી પરંપરા મુજબ મુખ્યમંત્રીનું પરંપરાગત કોટી પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તીરકામઠાં (Bows and arrows)દ્વારા પણ મુખ્યમંત્રીનું પરંપરાગત અભિવાદન કરાયું હતું. આદિવાસી સમાજની આગવી સંસ્કૃતિની ઝલક દર્શાવતા આ સ્વાગતથી સમગ્ર વાતાવરણ ઉત્સાહપૂર્ણ બની ગયું હતું અને સ્થાનિક લોકોમાં પણ ભારે આનંદની લાગણી જોવા મળી હતી.
લોકો વચ્ચે પહોંચી આત્મીય સંવાદ
મુખ્યમંત્રીએ ઔપચારિકતાથી દૂર રહીને લોકો વચ્ચે પહોંચી આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ અને અપેક્ષાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે મુકેશભાઈ બારિયાના ઘરે મુલાકાત લઈને આદિવાસી પરંપરા મુજબની પરોણાગત માણી હતી. મુખ્યમંત્રીના આ સાદગીભર્યા અંદાજથી ગ્રામજનો પણ પ્રભાવિત થયા હતા.
આદિવાસી પરિવારો સાથે ભોજન અને રાત્રિ રોકાણ
પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી આદિવાસી પરિવારો (Tribal families) સાથે ભોજન લેશે અને રાત્રિ રોકાણ (Overnight Stay) પણ કરશે. આ રીતે તેઓ આદિવાસી સમાજના લોકોના રોજિંદા જીવન, રહેણીકરણી અને પરંપરાને નજીકથી જાણવાનો પ્રયાસ કરશે. પરિવારો વચ્ચે રહીને તેમના અનુભવો અને પ્રશ્નો સીધા સાંભળવાની આ પહેલને લોકસંપર્કનું અસરકારક માધ્યમ માનવામાં આવી રહી છે.
ગામોમાં ખાટલા બેઠક યોજી લોકસંપર્ક કરશે
72 કલાકના આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી જુદા-જુદા ગામોમાં ખાટલા બેઠક યોજીને લોકસંપર્ક કરશે. આ બેઠકો દ્વારા તેઓ સ્થાનિકો સાથે સીધો સંવાદ સાધશે અને ગ્રામજનોની રજૂઆતો તથા સૂચનો સાંભળશે. ગ્રામ્ય સ્તરે લોકો સાથે સીધા જોડાણથી આદિવાસી વિસ્તારોના વિકાસ અને જરૂરિયાતો અંગે સ્પષ્ટ ચિત્ર મળી શકશે.
આ પણ વાંચો: ‘ઓછામાં ઓછાં 5 બાળકો પેદા કરો’, આદિવાસી સમાજને કોંગ્રેસી ધારાસભ્યની અપીલ
આ પણ વાંચો: ગુજરાતમાં 2027નું રાજકારણ આદિવાસી પટ્ટા પર કેન્દ્રિત, 46 બેઠકો માટે ત્રણ પક્ષો સક્રિય
આ પણ વાંચો: આદિવાસી વિસ્તારોમાં જમીનના પ્રશ્નોનો આવશે ઉકેલ? સરકાર નવી SOP લાવવાની દિશામાં
