Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસજેટની દિલ્હી જતી ફ્લાઇટ વારંવાર મોડી પડ્યા બાદ અડધીરાત્રે અચાનક રદ થતાં 100થી વધુ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા (SpiceJet Flight Cancellation) હતા. 18 નવેમ્બરે રાત્રે 10:20 વાગ્યે ઉડાન ભરવાની હતી, પરંતુ ફ્લાઇટનો સમય અંદાજે 10 વખત બદલવામાં આવ્યો. મુસાફરો કલાકો સુધી રાહ જોતા રહ્યા અને અંતે રાત્રે 12 વાગ્યે ફ્લાઇટ રદ થયાની જાહેરાત કરવામાં આવી. આ ઘટનાને પગલે એરપોર્ટ પર મુસાફરો અને એરલાઇન્સના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
SpiceJet Flight Cancellation: 10 વખત સમય બદલાયો, અંતે ફ્લાઇટ જ રદ કરી
મળતી માહિતી મુજબ, અમદાવાદથી નવી દિલ્હી (Ahmedabad Delhi Flight) જતી સ્પાઇસજેટની ફ્લાઇટ બુધવારે રાત્રે 10:20 વાગ્યે ઉપડવાની હતી. જોકે, એરલાઇન્સ દ્વારા વારંવાર ફ્લાઇટનો સમય બદલવામાં આવ્યો હતો. એક-બે નહીં, પરંતુ અંદાજે 10 વખત વિલંબ થયા બાદ મુસાફરોને આશા હતી કે હવે ફ્લાઇટ રવાના થશે. જોકે, રાત્રે 12 વાગ્યે અચાનક ફ્લાઇટ રદ કરવાની જાહેરાત થતાં મુસાફરોનો રોષ ફાટી નીકળ્યો (Passenger Protest) હતો.
‘ફ્લાઇટ જશે’ના ભરોસામાં મુસાફરો કલાકો સુધી અટવાયા
મુસાફરોના જણાવ્યા અનુસાર, એરલાઇન્સના કર્મચારીઓ છેલ્લી ઘડી સુધી ફ્લાઇટ રવાના થશે તેવી માહિતી આપતા રહ્યા હતા. તેના કારણે મુસાફરો અન્ય વિકલ્પ પસંદ કરી શક્યા નહોતા. કલાકો સુધી રાહ જોયા બાદ ફ્લાઇટ રદ થતાં અનેક મુસાફરોની મુશ્કેલી વધી ગઈ (Airline Passenger Issues) હતી. સ્ટાફ તરફથી યોગ્ય જવાબ ન મળતાં મુસાફરોએ વિરોધ નોંધાવ્યો હતો.

મહિલાઓ અને પરિવારો માટે રહેવાની વ્યવસ્થા ન કરાઈ હોવાનો આક્ષેપ
ફ્લાઇટ રદ થયા બાદ દૂરના વિસ્તારોમાંથી આવેલા મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને પરિવારોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મુસાફરોનો આક્ષેપ છે કે એરલાઇન્સ દ્વારા તેમના માટે હોટેલમાં રહેવાની કે અન્ય ફ્લાઇટમાં મુસાફરી કરવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નહોતી. કલાકો સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી હોવા છતાં પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા અંગે પણ પૂછવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
‘રિફન્ડ નથી જોઈતું, તમને અને કંપનીને ડોનેટ કરું છું’
ફ્લાઇટ રદ થયા બાદ સ્પાઇસજેટના કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો પણ સામે આવ્યો છે. કર્મચારી દ્વારા રિફન્ડની વાત કરવામાં આવતાં એક મુસાફરે ગુસ્સામાં કહ્યું હતું કે, ‘રિફન્ડ નથી જોઈતું, તમને અને તમારી કંપનીને ડોનેટ કરું છું.’ અન્ય એક મુસાફરે રિફન્ડ મળવામાં થતી મુશ્કેલી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, અગાઉ પણ આવી જ ઘટના બની હતી અને તે વખતે રિફન્ડ મેળવવામાં ચાર મહિના લાગ્યા હતા.
મુસાફરોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેટલાક કર્મચારીઓ તેમની મુશ્કેલીને ગંભીરતાથી લેવાને બદલે મજાક ઉડાવતા હતા. જોકે, આ સમગ્ર મામલે એરલાઇન્સ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી છે કે નહીં તેની માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો: બોર્ડિંગ થઈ ગયું, લગેજ પણ જમા થઈ ગયું, છતાં ફ્લાઇટ રદ! અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ કેન્સલ થતા રિફંડ અને વૈકલ્પિક વ્યવસ્થા વગર મુસાફરો રઝળ્યા
આ પણ વાંચો: દિવાળી વેકેશન બગડ્યું! અમદાવાદ-દુબઈ ફ્લાઈટ રદ થતાં મુસાફરો સ્ટાફ સાથે બાખડ્યા
