Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઈ જતી સ્પાઈસજેટની ફ્લાઈટ (SpiceJet Flight) આજે 13 નવેમ્બરની સવારે અચાનક રદ (Ahmedabad Dubai Flight Cancelled) કરવામાં આવતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. દુબઈ એરપોર્ટ પર બાકી લેણાંની ચુકવણીને લઈને સર્જાયેલા વિવાદની અસર ભારત-દુબઈ વચ્ચેની ફ્લાઈટ્સ પર પડી રહી છે. દિવાળી વેકેશનમાં દુબઈ જવા નીકળેલા અનેક મુસાફરોની મુસાફરીની યોજના ખોરવાઈ ગઈ હતી. ફ્લાઈટ રદ થવાની જાણ થતાં જ મુસાફરોએ એરલાઇનના કર્મચારીઓને ઘેરીને હોબાળો (Passengers Protest) મચાવ્યો હતો.
Ahmedabad Dubai Flight Cancelled: રિફંડની વાત સાંભળીને મુસાફરો રોષે ભરાયા
એરપોર્ટ પર મુસાફરો અને સ્પાઈસજેટના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સામે આવેલા વીડિયોમાં કર્મચારી જણાવે છે કે આજની ફ્લાઈટ ઉપરાંત વહેલી સવારે 5 વાગ્યાની ફ્લાઈટ પણ રદ થઈ ગઈ છે. મુસાફરો પાસે હાલ રિફંડ મેળવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કસ્ટમર સપોર્ટને ઈમેલ કરીને ફરિયાદ કરવાની સલાહ આપવામાં આવતાં મુસાફરોનો રોષ વધુ વધ્યો હતો.
‘માત્ર 10 મિનટ કહી કલાકો બેસાડ્યા’
મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે એરલાઇનના સ્ટાફ દ્વારા વારંવાર 10 મિનિટ અથવા અડધા કલાકમાં માહિતી આપવાનું કહીને તેમને વહેલી સવારે 5 વાગ્યાથી બપોર સુધી એરપોર્ટ પર બેસાડી રાખવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડ પર હાજર કર્મચારીએ પોતે એકલા હોવા અને ફ્લાઈટ રદ કરવા કે અન્ય નિર્ણય લેવાની સત્તા પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતું. આ જવાબથી મુસાફરો વધુ નારાજ થયા હતા.
રાતના 12 વાગ્યાથી એરપોર્ટ પર રાહ જોતા હોવાનો દાવો
અન્ય એક વીડિયોમાં મુસાફરે જણાવ્યું હતું કે તેઓ રાતના 12 વાગ્યાથી એરપોર્ટ પર હાજર છે, પરંતુ એરલાઇન કે ટર્મિનલ મેનેજમેન્ટ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. મુસાફરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ટર્મિનલ મેનેજર કે અન્ય જવાબદાર અધિકારીઓ તેમની સાથે વાત કરવા માટે સ્થળ પર આવ્યા નહોતા. વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ જવાબદાર અધિકારીનો સંપર્ક થઈ શક્યો ન હોવાનું તેમણે જણાવ્યું હતું.
દુબઈ એરપોર્ટ પર રૂ.35.85 કરોડના બાકી લેણાંનો વિવાદ
આ સમગ્ર વિવાદનું કારણ દુબઈ એરપોર્ટ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સી ‘દનાતા’ (dnata)ને ચૂકવવાના બાકી લેણાં હોવાનું જણાવાયું છે. માહિતી મુજબ, સ્પાઈસજેટ પર આશરે 14 મિલિયન યુએઈ દિરહામ એટલે કે ભારતીય ચલણમાં લગભગ રૂ.35.85 કરોડની ચુકવણી બાકી છે. 13 ઓક્ટોબરથી ચુકવણી ન થઈ હોવાના કારણે દુબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ચેક-ઇન સેવાઓ સ્થગિત કરવામાં (Dubai Flight Cancellation) આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
આ કાર્યવાહીથી ભારત અને દુબઈ વચ્ચેની સ્પાઈસજેટની ફ્લાઈટ્સ પર અસર પડી રહી છે. સતત બીજા દિવસે ફ્લાઈટ રદ થવાની સ્થિતિ સર્જાતાં મુસાફરોની મુશ્કેલી વધી છે.
તહેવારોની સિઝનમાં મુસાફરોની મુશ્કેલી વધી
દિવાળી વેકેશન દરમિયાન પરિવાર સાથે દુબઈ જવાની તૈયારી કરીને એરપોર્ટ પહોંચેલા મુસાફરોને છેલ્લી ઘડીએ ફ્લાઈટ રદ થવાની જાણ થતાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ સ્પષ્ટ માહિતી ન મળતાં મુસાફરોએ એરલાઇનની વ્યવસ્થા સામે નારાજગી વ્યક્ત કરી હતી.
કેટલાક મુસાફરોએ સમગ્ર ઘટનાના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા અને મીડિયા મારફતે પોતાની મુશ્કેલી રજૂ કરી હતી. બીજી તરફ, એરલાઇન દ્વારા સંબંધિત ઓથોરિટી સાથે મળીને બાકી લેણાંના વિવાદનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો: બોર્ડિંગ થઈ ગયું, લગેજ પણ જમા થઈ ગયું, છતાં ફ્લાઇટ રદ! અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો
આ પણ વાંચો: ફ્લાઈટ મોડી પડતા અમદાવાદ એરપોર્ટ પર યાત્રાળુઓએ મચાવ્યો હોબાળો
આ પણ વાંચો: ઓડિટ રિકવરી નહીં ભરો તો ગ્રાન્ટ નહીં મળે: અમદાવાદની 36 શાળાઓનો સરકારી હપ્તો રોકાયો
