Raghav Chadha Committee on Petitions Chairman: રાજકારણમાં પળેપળે સમીકરણો બદલાતા રહે છે અને ઘણીવાર એક નિર્ણય કોઈ નેતાના સમગ્ર રાજકીય ભવિષ્યને નવી દિશા આપી દેતો હોય છે. તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ભાજપમાં જોડાતાની સાથે જ રાઘવ ચઢ્ઢાનું રાજકીય કદ અચાનક વધી ગયું છે અને તેમને સંસદમાં એક અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
Raghav Chadhaને કયું મોટું પદ મળ્યું?
state assembly અને રાજ્યસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર નોટિફિકેશન અનુસાર, રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાની પ્રતિષ્ઠિત ‘યાચિકા સમિતિ’ (Committee on Petitions) ના અધ્યક્ષ (Chairman) નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને 20 મે 2026થી પ્રભાવી બને તે રીતે આ ઉચ્ચ સ્તરીય પેનલનું પુનર્ગઠન કર્યું છે અને ગૃહના 10 સભ્યોને આ સમિતિ માટે નામાંકિત કર્યા છે. રાઘવ ચઢ્ઢા હવે આ આખી સમિતિનું નેતૃત્વ સંભાળશે.
રાજ્યસભામાં કેજરીવાલની ‘આપ’ ને મોટો ફટકો
આ આખી રાજકીય ઘટનાક્રમની પૃષ્ઠભૂમિ બહુ ચોંકાવનારી છે. આમ આદમી પાર્ટીના ટોચના અને જાણીતા ચેહરા ગણાતા રાઘવ ચઢ્ઢા સહિત રાજ્યસભાના અન્ય 6 સાંસદોએ અચાનક પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો હતો. આ તમામ ૭ બળવાખોર સાંસદોએ 27 એપ્રિલ 2026ના રોજ સત્તાવાર રીતે ભાજપનું સભ્યપદ સ્વીકારી લીધું હતું. આ મોટા પક્ષપલટાને કારણે રાજ્યસભામાં 10 સાંસદોનું મજબૂત સંખ્યાબળ ધરાવતી આમ આદમી પાર્ટી પાસે હવે માત્ર 3 જ સાંસદો બચ્યા છે, જે અરવિંદ કેજરીવાલ માટે બહુ મોટો આંચકો છે.
ભાજપમાં જોડાનારા ‘આપ’ ના 7 બળવાખોર સાંસદો
1. રાઘવ ચઢ્ઢા 2. સંદીપ પાઠક અશોક મિત્તલ 4. હરભજન સિંહ 5. સ્વાતિ માલીવાલ 6. રાજિંદર ગુપ્તા 7. વિક્રમજીત સિંહ સાહની
આ મોટા પક્ષપલટા બાદ આમ આદમી પાર્ટી ભારે રોષમાં છે. ‘આપ’ દ્વારા રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણન સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે કે પક્ષપલટા વિરોધી કાયદા (Anti-Defection Law) હેઠળ આ તમામ 7 સાંસદોનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.
સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ થતાં રાઘવ ચઢ્ઢા પહોંચ્યા હાઈકોર્ટ
એક તરફ રાઘવ ચઢ્ઢાને ભાજપ તરફથી મોટું પદ મળ્યું છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પક્ષપલટાને લઈને તેમની ભારે ટ્રોલિંગ થઈ રહી છે. આ ડિજિટલ બદનામીથી બચવા માટે રાઘવ ચઢ્ઢાએ દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેમણે કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર તેમના વિશે ફેલાવવામાં આવી રહેલી નકલી, AI-જરેનેટેડ અને ડીપફેક કન્ટેન્ટને તાત્કાલિક હટાવવામાં આવે અથવા બ્લોક કરવામાં આવે. રાઘવની દલીલ છે કે આ ફેક વીડિયો તેમની પ્રતિષ્ઠા અને પર્સનાલિટી રાઈટ્સને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે.
જોકે, દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રહ્મણ્યમ પ્રસાદની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સુનાવણી દરમિયાન મૌખિક ટિપ્પણી કરી કે, “આ રાઘવ ચઢ્ઢાના અંગત અધિકારોના ઉલ્લંઘનનો મામલો લાગતો નથી. તેમની આલોચના તેમના રાજકીય નિર્ણયો અને ભાજપમાં જોડાવાને લઈને થઈ રહી છે. પર્સનાલિટી રાઈટ્સનો વ્યાપારી ઉપયોગ કરવો અને કોઈની રાજકીય આલોચના કરવી, આ બંને બાબતોમાં મોટો તફાવત છે.” હાલમાં હાઈકોર્ટે આ હાઈ-પ્રોફાઈલ કેસ પર પોતાનો ચુકાદો અનામત (સુરક્ષિત) રાખ્યો છે.
