Uttar Pradesh News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) લખનૌમાં યોજાયેલા સ્કિલ્સ કોન્વોકેશન કાર્યક્રમ દરમિયાન (Skills Convocation Lucknow) સોનાની ખરીદી ઓછી કરવાની પોતાની જૂની અપીલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે લગભગ એક વર્ષ પહેલાં તેમણે દેશવાસીઓને જરૂર ન હોય ત્યાં સુધી સોનું ન ખરીદવાની સલાહ (Gold Buying Advice) આપી હતી. તે સમયે કેટલાક લોકોએ તેમની વાતની મજાક ઉડાવી હતી, પરંતુ હવે ઘણા લોકો કહી રહ્યા છે કે તેમની સલાહ માનીને તેમણે પૈસા બચાવ્યા. આ સાથે PM મોદીએ યુવાનોને સંબોધતાં કહ્યું કે આવનારા સમયમાં ડિગ્રીની સાથે કૌશલ્યનું પણ એટલું જ મહત્ત્વ રહેશે.
PM Modi: ‘લોકોએ મારી સલાહ માનીને પૈસા બચાવ્યા’
PM મોદીએ જણાવ્યું કે લગભગ એક વર્ષ પહેલાં તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી કે ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી એક વર્ષ સુધી સોનું ન ખરીદે. શરૂઆતમાં કેટલાક લોકોએ આ સલાહની મજાક ઉડાવી હતી, પરંતુ હવે લોકો તેમને કહી રહ્યા છે કે તેમની વાત માનીને સોનાની ખરીદી ઓછી કરતાં પૈસા બચ્યા છે.
તેમણે આ અપીલની સરખામણી પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની અપીલ સાથે કરી હતી. PM મોદીએ કહ્યું કે શાસ્ત્રીજીએ દેશવાસીઓને દિવસમાં એક ભોજન છોડવાની અપીલ કરી હતી અને લોકોએ તેમની વાત માની હતી. એ જ રીતે દેશવાસીઓએ સોનાની ખરીદી ઓછી કરવાની તેમની અપીલ પર પણ વિશ્વાસ મૂક્યો હતો.
‘ભવિષ્યમાં ડિગ્રી કરતાં કૌશલ્યનું મહત્ત્વ વધશે’
યુવાનોને સંબોધતાં PM મોદીએ કહ્યું કે દેશનું ભવિષ્ય માત્ર ડિગ્રી અને પ્રમાણપત્રોથી નહીં, પરંતુ કૌશલ્ય અને ક્ષમતાથી ઘડાશે. તેમણે કહ્યું કે આઝાદી પછી પણ લાંબા સમય સુધી નોકરી મેળવવા માટે ડિગ્રીને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું અને કૌશલ્ય પાછળ રહી ગયું.
આ મુદ્દે તેમણે દાદાજી ધર્માધિકારીના પુસ્તકમાં વર્ણવેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એક યુવાન અનુસ્નાતક નોકરીની ભલામણ માટે તેમની પાસે પહોંચ્યો હતો અને વારંવાર પોતાની ડિગ્રીની વાત કરતો હતો. ત્યારે દાદાજીએ તેને પૂછ્યું કે તે કયા કામમાં કુશળ છે, વાહન ચલાવી શકે છે કે રસોઈ બનાવી શકે છે? પરંતુ યુવાન આ સવાલોના જવાબ આપી શક્યો નહોતો.
PM મોદીએ કહ્યું કે હવે સમય બદલાઈ રહ્યો છે અને વિશ્વભરના અનેક દેશોને ભારતના કુશળ કામદારોની જરૂર છે. આ જરૂરિયાત માત્ર યુનિવર્સિટીમાંથી ભણેલા યુવાનો પૂરતી મર્યાદિત નથી, પરંતુ ITIમાં તાલીમ મેળવનારા યુવાનોની પણ માગ વધી રહી છે.
ભારતીય કારીગરોના કૌશલ્યની વિદેશમાં પ્રશંસા
PM મોદીએ સાઉદી અરેબિયા, દુબઈ, અબુ ધાબી અને કતાર જેવા દેશોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ત્યાં આધુનિક શહેરોના વિકાસમાં ભારતીય કારીગરોએ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ત્યાંના રાજવી પરિવારો પણ ભારતીય કારીગરોની મહેનત અને કૌશલ્યની પ્રશંસા કરે છે.
તેમણે કહ્યું કે આગામી 20 વર્ષ ભારત માટે મહત્ત્વપૂર્ણ છે. વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે કૌશલ્ય અને પ્રતિભાનું સન્માન કરવું જરૂરી છે. આ દિશામાં સરકારે કૌશલ્ય વિકાસ મંત્રાલયની રચના કરી છે અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.
PM મોદીએ કહ્યું કે અગાઉ દીક્ષાંત સમારોહ મુખ્યત્વે કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ માટે યોજાતા હતા. જોકે, હવે ITIના વિદ્યાર્થીઓને (ITI Students) પણ સમાન સન્માન સાથે દીક્ષાંત સમારોહમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ભારતનું ભવિષ્ય ITIના વિદ્યાર્થીઓના હાથમાં જુએ છે.
AIના યુગમાં પણ કુશળ લોકોની માગ રહેશે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને કારણે નોકરીઓ પર જોખમ ઊભું થવાની ચિંતાઓ વચ્ચે PM મોદીએ કહ્યું કે કૌશલ્ય ધરાવતા લોકો પાસેથી કોઈ રોજગાર છીનવી શકતું નથી. તેમના મતે, બદલાતા ટેક્નોલોજીના યુગમાં કુશળતા ધરાવતા યુવાનો માટે નવી તકો ઊભી થશે.
CM યોગીનો દાવો: 17 લાખથી વધુ યુવાનોને તાલીમ અપાઈ
કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ દેશનું સૌથી યુવા રાજ્ય છે અને અહીં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ કૌશલ્ય વિકાસ મિશન હેઠળ અત્યાર સુધીમાં 17 લાખથી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. તેમાંથી 7 લાખથી વધુ યુવાનોને કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા નોકરી મળી છે.
CM યોગીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દરેક જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલ કૌશલ્ય અને રોજગાર ઝોન વિકસાવી રહી છે. આ ઝોનમાં યુવાનોને તાલીમ આપવાની સાથે ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કુશળ કામદારો પણ તૈયાર કરવામાં આવશે.
આ પ્રસંગે PM મોદીએ કાર્યક્રમ માટે લખનૌની પસંદગી કરવા બદલ કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી જયંત ચૌધરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના સાંસદ તરીકે આ તેમના માટે ગર્વની વાત છે. PM મોદીએ IIT અને ITI બંનેના વિદ્યાર્થીઓને દેશનો વિશ્વાસ અને ભવિષ્ય ગણાવ્યા હતા.
આ પણ વાંચો: PM મોદીની એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની સલાહ
આ પણ વાંચો: બિહારને મળ્યો નવો 6 લેનનો પુલ: PM મોદીએ ‘નીતીશ સેતુ’નું ઉદ્ઘાટન કર્યું
