Surat News/ 10-12 પાસ યુવકોનો ₹8 કરોડનું સાયબર ફ્રોડ! સુરતમાં 5 ઝડપાયા

સુરતના એક વ્યક્તિને શેરબજારમાં રોકાણ કરીને ઊંચું વળતર મેળવવાની લાલચ આપીને રૂ.14.47 લાખની ઓનલાઈન છેતરપિંડી (Online Trading Fraud) આચરવાના કેસમાં સુરત સાયબર ક્રાઈમ સેલને મોટી સફળતા મળી છે

Gujarat Surat
સુરતના એક વ્યક્તિને શેરબજારમાં રોકાણ કરીને ઊંચું વળતર મેળવવાની લાલચ આપીને રૂ.14.47 લાખની ઓનલાઈન છેતરપિંડી (Online Trading Fraud) આચરવાના કેસમાં સુરત સાયબર ક્રાઈમ સેલને મોટી સફળતા મળી છે

Surat News : સુરતના એક વ્યક્તિને શેરબજારમાં રોકાણ કરીને ઊંચું વળતર મેળવવાની લાલચ આપીને રૂ.14.47 લાખની ઓનલાઈન છેતરપિંડી (Online Trading Fraud) આચરવાના કેસમાં સુરત સાયબર ક્રાઈમ સેલને મોટી સફળતા મળી છે. પોલીસે મધ્યપ્રદેશના ઈન્દોરમાં ચાલી રહેલા એક ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડો પાડીને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

ચોંકાવનારી વાત એ છે કે, આ ટોળકીના સભ્યો માત્ર ધોરણ 10થી 12 સુધી ભણેલા હોવા છતાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશભરના લોકોને નિશાન બનાવતા હતા. પોલીસ તપાસમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 12 બેંક એકાઉન્ટ મારફતે રૂ.8.22 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયાનું સામે આવ્યું છે.

Online Trading Fraud  : Groww અને Angel Oneથી વિશ્વાસ જીત્યો

આરોપીઓની મોડસ ઓપરેન્ડી (Cyber Fraud Modus Operandi) અત્યંત શાતિર હતી. તેઓ શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છુક લોકોનો ડેટા મેળવી તેમને વોટ્સએપ અને ફોન કોલ દ્વારા સંપર્ક કરતા હતા. શરૂઆતમાં રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે Groww અને Angel One જેવી જાણીતી ટ્રેડિંગ એપ્લિકેશનમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરાવતા હતા. આ દરમિયાન રોકાણકારોને થોડો નફો પણ અપાવતા હતા, જેથી તેમને સમગ્ર પ્રક્રિયા વિશ્વસનીય લાગે.

ત્યારબાદ આરોપીઓ જાણીતી એપમાં વધુ કમિશન અને ચાર્જિસ લાગતા હોવાનું કહી પોતાની બનાવેલી ‘Wealth Trade’ નામની નકલી APK એપ્લિકેશનની લિંક ((Fake Trading App)મોકલતા હતા. રોકાણકારોને આ એપ ડાઉનલોડ કરાવી તેના માધ્યમથી વધુ નાણાંનું રોકાણ કરાવવામાં આવતું હતું.

નકલી એપમાં મોટો નફો બતાવી લાખોની ઠગાઈ

રોકાણકારો નકલી Wealth Trade એપમાં (Wealth Trade App)એકાઉન્ટ ખોલે ત્યારબાદ આરોપીઓ વોટ્સએપ મારફતે અલગ-અલગ બેંક એકાઉન્ટની વિગતો મોકલી તેમાં નાણાં જમા કરાવતા હતા. શરૂઆતમાં એપ્લિકેશનમાં નફો દર્શાવી રોકાણકારોને વધુ પૈસા લગાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા.

જોકે, મોટી રકમ જમા થયા બાદ અચાનક એકાઉન્ટમાં મોટું નુકસાન થયું હોવાનું બતાવવામાં આવતું હતું. ત્યારબાદ રોકાણકારોના ફોન ઉપાડવાનું બંધ કરી દેવામાં આવતું અને નાણાં પરત આપવામાં આવતા નહોતા. સુરતના ફરિયાદી સાથે પણ આ જ રીતે રૂ.14,47,997ની છેતરપિંડી થઈ હતી. આ મામલે BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

ઈન્દોરના કોલ સેન્ટરમાં 18 ટેલીકોલર્સ, 5ની ધરપકડ

સુરત સાયબર ક્રાઈમ સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે છેલ્લા કેટલાક દિવસથી ઈન્દોરમાં તપાસ હાથ ધરી હતી. આખરે ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં કુલ 18 ટેલીકોલર્સ કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેમાંથી મુખ્ય પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓમાં હેમંત સોનારે (28), ધર્મેન્દ્ર ઉર્ફે ડી.કે. રાય (25), સુધાંશુ ગીતે (26), પ્રવિણ ઉર્ફે પ્રિયાંશુ રાય (25) અને યશ કુમાવત (27)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી છે અને છેલ્લા 9 મહિનાથી એક વર્ષ સુધી આ કોલ સેન્ટરમાં કામ કરતા હતા. પોલીસે પાંચેય આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

3,079 લોકોનો ડેટા મળ્યો, દેશભરમાં 7 ફરિયાદો

પોલીસે દરોડા દરમિયાન કોલ સેન્ટરમાંથી 19 અને આરોપીઓ પાસેથી 5 મળી કુલ 24 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. તપાસમાં ભારતનાં અલગ-અલગ રાજ્યોના 3,079 ગ્રાહકોનો ડેટા પણ મળી આવ્યો છે.

આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા 12 બેંક એકાઉન્ટની નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર તપાસ કરતાં ઉત્તરપ્રદેશમાં ત્રણ અને પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર તથા આંધ્રપ્રદેશમાં એક-એક ફરિયાદ નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે. આ સાત ફરિયાદોમાં અંદાજે રૂ.1 કરોડની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.

ડીસીપી બિશાખા જૈનની નાગરિકોને અપીલ

સાયબર સેલનાં ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ મહિનાની ટેકનિકલ તપાસ બાદ ઈન્દોરમાં દરોડો પાડીને પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ શરૂઆતમાં રોકાણકારોને નફાની રકમ ઉપાડવા દેતા હતા, જેથી તેમની વિશ્વસનીયતા ઊભી થાય. ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરાવી છેતરપિંડી આચરતા હતા.

તેમણે નાગરિકોને અજાણી લિંક દ્વારા કોઈપણ ટ્રેડિંગ એપ ડાઉનલોડ નહીં કરવા અને રોકાણ કરતા પહેલાં એપ્લિકેશનની સત્યતા ચકાસવાની અપીલ કરી છે. શેરબજારમાં અસામાન્ય નફાની લાલચ આપતી ઓફરોથી પણ સાવચેત રહેવું જરૂરી છે.


આ પણ વાંચો: ઓનલાઈન છેતરપિંડી થતાં જ આ નંબર ડાયલ કરો, થોડીવારમાં પૈસા મળી જશે

આ પણ વાંચો: થર્ડ પાર્ટી વિમા પોલીસીમાં રોકાણને બહાને ઓનલાઈન છેતરપિંડીનો પર્દાફાશ, આરોપીની UPથી ધરપકડ

આ પણ વાંચો: ૫૭ વર્ષીય મહિલા એક વાર છેતરપિંડીનો ભોગ બન્યા બાદ બીજી વાર ઓનલાઈન પ્રેમ શોધવા ગઈ અને ૪ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ