Ahmedabad News/ અમદાવાદના નિકોલમાં હુડકો ઇન્દિરા વસાહતના રહીશો પરેશાન, 10 દિવસથી પાણીનો પુરવઠો ઠપ

Nikol: અમદાવાદના નિકોલ વોર્ડની હુડકો ઇન્દિરા વસાહતમાં 10 દિવસથી પાણી બંધ, નળમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી આવતા રોગચાળાનો ભય, AMC સામે સ્થાનિકોમાં રોષ

Gujarat Ahmedabad Breaking News
Nikol

Ahmedabad News : અમદાવાદના નિકોલ (Nikol) વોર્ડની હુડકો ઇન્દિરા વસાહતમાં છેલ્લા 10 દિવસથી પાણી પુરવઠો સદંતર બંધ પડ્યો છે. દોઢ વર્ષથી ગંદા પાણીની સમસ્યાનો સામનો કરતા રહીશો, જેમાં મોટાભાગે મજૂર વર્ગના પરિવારો છે, હવે પાણી વેચાતું લેવા માટે લાચાર બન્યા છે. નળમાં ગટરનું ગંદુ પાણી આવતું હોવાથી બીમારીઓ ફેલાવાની દહેશત પણ ઊભી થઈ છે. અધિકારીઓ બેદરકારી દાખવતા હોવાનો આક્ષેપ કરીને સ્થાનિકોમાં તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.

કઠવાડા (Kathwada) ખાતેની હુડકો ઇન્દિરા વસાહત (Hudco Indira Vasahat)ના લોકો છેલ્લા દોઢ વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ભોગવી રહ્યા છે, છતાં તેમની રજૂઆતો પર કોઈ ઉકેલ આવ્યો નથી.

Nikol : 10 દિવસથી પાણી પુરવઠો ઠપ

ઇન્દિરા વસાહતમાં 10 દિવસથી પાણી આવ્યું નથી તેવું સ્થાનિકોનું કહેવું છે. માંડ બે ટંકનું ભોજન મેળવતા આ પરિવારોને હવે મહેનતની કમાણીમાંથી પીવાનું પાણી ખરીદવું પડે છે, જેથી ઘરનું અંદાજપત્ર ખોરવાઈ ગયું છે.

નળમાં દુર્ગંધયુક્ત પાણી

રહીશોના કહેવા પ્રમાણે, જ્યારે નળમાં પાણી આવે છે ત્યારે પણ તે પીવાલાયક હોતું નથી. પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળી જવાથી નળમાંથી કાળા રંગનું અને અતિશય દુર્ગંધ મારતું પાણી (Contaminated Water) નીકળે છે. આ પાણી પીવામાં તો ઠીક, ઘરના અન્ય કામો માટે પણ ઉપયોગી નથી.

અધિકારીઓની બેદરકારીનો આક્ષેપ

સ્થાનિકોના કહેવા મુજબ, દોઢ વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓ સમક્ષ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. હમણાં જ્યારે રહીશોએ પાણી બંધ હોવા અંગે ફરિયાદ કરી, ત્યારે અધિકારીઓએ “કામ થતા હજુ એકાદ મહિના જેટલો સમય લાગશે” તેવું કહ્યાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.

પાણીજન્ય રોગચાળાનો ભય

દૂષિત પાણી અને ગંદકીને લીધે વિસ્તારમાં કોલેરા, ટાઈફોઈડ, કમળો અને ઝાડા-ઉલટી જેવા પાણીજન્ય રોગચાળા (Waterborne Diseases) ફેલાવાની આશંકા વ્યાપેલી છે. રહીશોએ સવાલ કર્યો છે કે, “જો ગંદા પાણીને કારણે કોઈ ગંભીર રોગચાળો ફેલાય કે કોઈ નિર્દોષનો જીવ જાય, તો તેની જવાબદારી કોની રહેશે?”

ટેન્કર દ્વારા શુદ્ધ પાણીની વ્યવસ્થા અને દૂષિત પાણીની લાઈનનું સમારકામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા સ્થાનિકોએ માગ કરી છે.


આ પણ વાંચો: ઈડરની PTC કોલેજમાં પીવાના પાણીની ટાંકીમાંથી મૃત શ્વાન મળ્યો: વિદ્યાર્થિનીઓ હોસ્પિટલમાં

આ પણ વાંચો: નર્મદાનું પાણી હવે અમરેલીના છેવાડાના ગામો સુધી: સનાળામાં નવા વાલ્વનું લોકાર્પણ

આ પણ વાંચો: અમદાવાદીઓએ બજેટમાં શું માગ્યું? 536 લોકોએ રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ પર ધ્યાન દોર્યું