Dwarka News/ માતાની નજર સામે જ પુત્રની હત્યા! ભાડથરમાં જમીન વિવાદમાં પિતરાઈ ભાઈએ ધારિયા વડે હુમલો કર્યો

Dwarka: જામ ખંભાળિયાના ભાડથર ગામે 7 વર્ષ જૂના જમીન વિવાદમાં ભોલાભાઈ અવસુરાની ધારિયા વડે હત્યા, પોલીસે ફરાર આરોપી નાથા અવસુરાને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો

Gujarat Others Breaking News
Dwarka

Dwarka News: દેવભૂમિ દ્વારકા (Dwarka) જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે જમીન વિવાદમાં લોહિયાળ ઘટના બની છે. ગામના ખાટલા ડુંગર વાડી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય ભોલાભાઈ કારાભાઈ અવસુરા અને તેમના પિતરાઈ ભાઈ નાથાભાઈ લખમણભાઈ અવસુરા વચ્ચે છેલ્લા 7 વર્ષથી જમીનના ભાગ પાડવા બાબતે વિવાદ ચાલતો હતો. આ અદાવતમાં 1 વર્ષ અગાઉ પણ મારામારી થઈ હતી.

Dwarka:ધારિયાથી હુમલો, માતા વચ્ચે પડ્યા છતાં બેફામ ઘા 

સોમવારે સાંજે 6 વાગ્યાના અરસામાં ભોલાભાઈ ઘર પાસે પાણીની મોટર ચાલુ કરવા ગયા ત્યારે આરોપી નાથા અવસુરા તીક્ષ્ણ ધારિયા સાથે ધસી આવ્યો હતો અને હુમલો કર્યો હતો. પુત્રને બચાવવા માતા લાખીબેન વચ્ચે પડ્યા હોવા છતાં ઉશ્કેરાયેલા આરોપીએ ભોલાભાઈના માથા, બંને પગ અને હાથ પર ધારિયાના બેફામ ઘા ઝીંકી દીધા હતા. દેકારો થતાં આસપાસના લોકો દોડી આવતાં આરોપી ફરાર થઈ ગયો હતો. લોહીલુહાણ અને બેભાન હાલતમાં ભોલાભાઈને જામ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ગણતરીના કલાકોમાં ડી-સ્ટાફ પોલીસે આરોપીને દબોચ્યો

ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, LCB અને જામ ખંભાળિયા (Jam Khambhalia) PI સી.આર. રાણા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકના માતા લાખીબેનની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી વિવિધ ટીમો બનાવી હતી. ભાડથર (Bhadthar) વિસ્તારમાં તપાસ કરી રહેલી જામ ખંભાળિયા ડી-સ્ટાફ પોલીસે (D-Staff Police) બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી નાથા અવસુરાને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: દ્વારકાધીશ મંદિરમાં ફોટો-વીડિયો ઉતારવા હવે ફી: VIP વીડિયો વિવાદ બાદ નવા નિયમો લાગુ

આ પણ વાંચો: દ્વારકાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્રવાસીઓની ભીડ: દિવાળીમાં ગુજરાતનાં 8 સ્થળોએ તૂટ્યો રેકોર્ડ

આ પણ વાંચો: લીંબડી-અમદાવાદ હાઈવે પર દ્વારકા જતા પદયાત્રીઓના સંઘને ટ્રકની ટક્કર, 1નું મોત અને 7 ગંભીર ઈજાગ્રસ્ત