Ahmedabad News: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટનો વિસ્તાર વધારવાની દિશામાં વધુ એક પગલું ભરાયું છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ (Riverfront Development) દ્વારા ફેઝ-3 (Sabarmati Riverfront Phase 3) અંતર્ગત ઈન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધી નદીના બંને કાંઠે વિકાસ કરવામાં આવશે. આશરે રૂ.1,350 કરોડના ખર્ચે થનારા આ પ્રોજેક્ટમાં 10 કિલોમીટરનો વિસ્તાર વિકસાવવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ રિવરફ્રન્ટની બંને બાજુની કુલ લંબાઈ વધીને 43 કિલોમીટર થશે.
Sabarmati Riverfront Phase 3: ફેઝ-3માં 1.25 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે
સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3માં પર્યાવરણ અને પ્રવાસનને ધ્યાનમાં રાખીને વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ લોઅર અને મિડલ પ્રોમિનાડ લેવલ પર 1.25 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત મુલાકાતીઓ માટે 10 વ્યુઇંગ પ્લાઝા અને 8 ડેક તથા પોન્ટુનનું નિર્માણ કરવામાં આવશે.
બંને કાંઠે ડાયાફ્રેમ વોલ, એન્કર સ્લેબ અને પ્રથમ રિટેઈનિંગ વોલ સહિતની કામગીરી માટે રૂ.339.30 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ કામગીરીનો કોન્ટ્રાક્ટ મે. આર.કે.સી. ઈન્ફ્રાબિલ્ટને સોંપવામાં આવ્યો છે.
ફેઝ-2માં રૂ.1,285 કરોડનાં કામ ચાલી રહ્યાં છે
બીજી તરફ, સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-2નું કામ પણ હાલ પ્રગતિ હેઠળ છે. આ તબક્કામાં ડફનાળાથી ઈન્દિરા બ્રિજ (Indira Bridge) સુધી નદીના બંને કાંઠે (Narmada Canal) કુલ 11 કિલોમીટરનો વિસ્તાર વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ.1,285 કરોડનો ખર્ચ થવાનો છે. ફેઝ-2નું કામ પૂર્ણ થયા બાદ રિવરફ્રન્ટની કુલ લંબાઈ વધીને 34 કિલોમીટર થશે.
આ તબક્કામાં ગ્રીન ઝોન, અલગ-અલગ લેવલ પર વૃક્ષારોપણ, બાળકો માટે પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ અને કલ્ચર માટેની જગ્યાઓ તેમજ બેસવા માટેની સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
લોઅર પ્રોમિનાડની ડાયાફ્રેમ વોલ અને એન્કર સ્લેબનું કામ પૂર્ણ
ફેઝ-2ની કામગીરીમાં લોઅર પ્રોમિનાડ ખાતે ડાયાફ્રેમ વોલ અને એન્કર સ્લેબનું કામ 100 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. આ તબક્કાની તમામ કામગીરી પૂર્ણ થયા બાદ શહેરીજનો વાસણા બેરેજથી ઈન્દિરા બ્રિજ સુધી નદીના સમાંતર લોંગ ડ્રાઇવનો આનંદ માણી શકશે.
ફેઝ-2 અને ફેઝ-3ની કામગીરી પૂર્ણ થયા બાદ સાબરમતી રિવરફ્રન્ટનો વિસ્તાર વધુ વિસ્તરશે. સાથે જ શહેરના લોકોને હરવા-ફરવા, મનોરંજન અને પર્યાવરણને લગતી નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો: ચોમાસામાં પાણી ભરાયા બાદ AMC જાગ્યું, સાબરમતી રિવરફ્રન્ટ લાઇનનો કાંપ કાઢવા 10.46 કરોડ મંજૂર
આ પણ વાંચો: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ બન્યો સુસાઇડ ફ્રન્ટ, દાયકામાં 1,322ની આત્મહત્યા
આ પણ વાંચો: સાબરમતી રિવરફ્રન્ટ પર પંચતત્વોની થીમ પર પાંચ-પાંચ પ્લાઝા બનાવવામાં આવશે
