Navsari News: ફળોના રાજા ગણાતી હાફૂસ અને કેસર કેરીના ગઢ એવા નવસારી જિલ્લાના આંબાવાડીના ખેડૂતો (Navsari Mango Farmers) આ વર્ષે ચિંતામાં મુકાયા છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં આંબાના ઝાડ આમ્રમંજરી એટલે કે મોરથી લચી પડતાં હોય છે, પરંતુ આ વર્ષે અલનીનોની અસર અને અનિયમિત હવામાનને કારણે મોરને બદલે નવી કૂંપળો અને પાંદડાં ફૂટી રહ્યાં છે. આ સ્થિતિને કારણે કેરીની સિઝન (Mango Season 2026) 25થી 30 દિવસ મોડી પડવાની શક્યતા છે.
નવસારી જિલ્લામાં કેરી અને ચીકુ મુખ્ય બાગાયતી પાક છે. જોકે, આ વર્ષે હવામાનના બદલાવને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. જુલાઈ-ઓગસ્ટમાં ભારે વરસાદ પડ્યા બાદ વરસાદ ખેંચાયો હતો. ત્યારબાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પણ ગરમીનો પારો 35 ડિગ્રીને પાર રહ્યો હતો. પરિણામે આંબા પર મોર બેસવાને બદલે રોગ અને જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. હાલ અંદાજે 80 ટકા ઝાડ પર નવી પીલવણી ફૂટી નીકળી છે.
Navsari Mango Farmers: મોંઘી દવાઓના છંટકાવ છતાં ખેડૂતો ચિંતિત
આંબામાં મોર ન આવતાં (Mango Flowering Delay) ખેડૂતોને ઉત્પાદન ઘટવાની અને આર્થિક નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે. મોંઘીદાટ દવાઓના છંટકાવ છતાં હવામાનની સ્થિતિ સામે ખેડૂતો લાચાર બન્યા છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે બાગાયતી પાકોને યોગ્ય વીમા કવચ આપવા અને સંભવિત નુકસાન સામે નક્કર આર્થિક રાહત પેકેજ જાહેર કરવાની માગ કરી રહ્યા છે.
જાન્યુઆરીમાં મોર આવવાની શક્યતા, મે-જૂનમાં બજારમાં આવશે કેરી
નવસારીના કૃષિ નિષ્ણાતોના મતે આંબામાં યોગ્ય ફ્લાવરિંગ થવા માટે દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે 16થી 18 ડિગ્રીનો તફાવત હોવો જરૂરી છે. હાલ ઝાડ પર નવી પીલવણી આવી હોવાથી ડાળીઓને પરિપક્વ થવામાં અંદાજે ત્રણ મહિના લાગી શકે છે. આથી જાન્યુઆરી મહિનામાં આમ્રમંજરી એટલે કે મોર આવવાની શક્યતા છે. જો ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન યોગ્ય તાપમાન જળવાઈ રહેશે તો કેરી મે મહિનાના અંતમાં અથવા જૂનમાં બજારમાં આવી શકે છે.
વાડીમાં ભેજ જાળવવા નિષ્ણાતોની સલાહ
હાલની સ્થિતિમાં વાડીનું (Gujarat Agriculture) તાપમાન નિયંત્રણમાં રાખવા માટે નિષ્ણાતોએ ખેડૂતોને ઝાડના કેનોપી વિસ્તારમાં સૂકાં પાંદડાં અને પ્રાકૃતિક કચરાનું મલ્ચિંગ કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત જમીનમાં ભેજ જળવાઈ રહે તે માટે એકાદ-બે વખત હળવું પિયત આપવું જોઈએ. આમ કરવાથી ફળ બેસ્યા બાદ થતું ખરણ અટકાવવામાં મદદ મળી શકે છે.
જો આગામી મહિનાઓમાં પણ ગરમીનો પારો ઊંચો રહેશે તો કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે. તેની સીધી અસર બજારમાં કેરીની આવક અને ભાવ પર પડી શકે છે. પરિણામે આ વર્ષે કેરીના શોખીનોને સ્વાદની સાથે ઊંચા ભાવનો પણ સામનો કરવો (El Nino Impact on Mango) પડી શકે છે. હવે ખેડૂતોની નજર સરકાર તરફ છે કે આ મુશ્કેલ સમયમાં તેમને ક્યારે અને કેવી રાહત મળે છે.
આ પણ વાંચો: આ વર્ષે મોંઘી પડશે કેસર કેરી? અમરેલીમાં ઠંડીના અભાવે ફ્લાવરિંગને લઈને ખેડૂતો ચિંતિત
આ પણ વાંચો: આ વખતે કેસર કેરી ખાવા ખિસ્સા ખાલી કરવા પડશે? એક બોક્સનો ભાવ ₹3 હજાર થવાની ભીતિ
