Ahmedabad News: અમદાવાદના નાગરિકો માટે જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુવિધાજનક બનાવવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. શહેરમાં નવા બસ રૂટ (AMTS New Bus Routes) , બસ સ્ટોપ અને બસની ફ્રિકવન્સી નક્કી કરવા માટે AMTSએ નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. નાગરિકો આગામી 7 ડિસેમ્બર સુધીમાં પોતાના અભિપ્રાય રજૂ કરી શકશે. મળેલા સૂચનોના આધારે આગામી AMTS બજેટમાં નવા રૂટ અને પરિવહન સુવિધાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે.
AMTS New Bus Routes: નવા રૂટ અને બસ સ્ટોપ માટે નાગરિકો આપી શકશે સૂચનો
શહેરના જે વિસ્તારોમાં હાલમાં બસ સેવા ઉપલબ્ધ નથી અથવા બસોની સંખ્યા પૂરતી નથી, તેવા વિસ્તારો અને સોસાયટીઓ માટે નાગરિકો નવા રૂટની માગ કરી શકશે. આ ઉપરાંત હાલના બસ રૂટમાં ફેરફાર કરવા, મુખ્ય માર્ગોને જોડતી ફીડર બસ સેવા શરૂ કરવા અને શહેરના વિવિધ વિસ્તારો વચ્ચે કનેક્ટિવિટી વધારવા અંગે પણ સૂચનો આપી શકાશે.
ખાસ કરીને મેટ્રો સ્ટેશન, રેલવે સ્ટેશન, કોલેજ-યુનિવર્સિટી, હોસ્પિટલ તેમજ ઔદ્યોગિક અને વ્યાપારી વિસ્તારો સુધી AMTS બસની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે નાગરિકો પોતાના અભિપ્રાય (Public Suggestion) આપી શકશે.
બસના સમય અને ફ્રિકવન્સી અંગે પણ આપી શકાશે અભિપ્રાય
નવા બસ સ્ટોપ ક્યાં હોવા જોઈએ, બસ કયા સમયે દોડવી જોઈએ અને કોઈ ચોક્કસ રૂટ પર બસની ફ્રિકવન્સી કેટલી હોવી જોઈએ તે અંગે પણ નાગરિકો સૂચનો આપી શકશે. AMTS દ્વારા મળેલા તમામ સૂચનોનો અભ્યાસ કરીને શહેરની જરૂરિયાત મુજબ બસ વ્યવસ્થામાં ફેરફાર કરવાનું આયોજન છે.
ઈ-મેઈલ, વોટ્સએપ અને ટપાલથી મોકલી શકાશે સૂચનો
AMTS દ્વારા (Public Transport) નાગરિકોને સૂચનો મોકલવા માટે ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે. નાગરિકોએ પોતાના સૂચન સાથે નામ, મોબાઈલ નંબર અને રહેઠાણનો વિસ્તાર દર્શાવવાનો રહેશે. 7 ડિસેમ્બર સુધીમાં નીચેના માધ્યમો દ્વારા અભિપ્રાય મોકલી શકાશે.
ઈ-મેઈલ: [email protected]
વોટ્સએપ: 7069015735
ટપાલ દ્વારા સરનામું: ટ્રાન્સપોર્ટ મેનેજર, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ, જમાલપુર દરવાજા બહાર, અમદાવાદ-380022.
આમ, અમદાવાદના નાગરિકોને શહેરની બસ સેવા વધુ સુવિધાજનક અને અસરકારક બનાવવાની પ્રક્રિયામાં સીધો ભાગ લેવાની તક મળી છે. નાગરિકો દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે આગામી સમયમાં નવા બસ રૂટ, સ્ટોપ અને સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં દારૂના નશામાં AMTS બસ ચલાવવાનો આરોપ, એજન્સીને રૂ. 50 હજારનો દંડ
આ પણ વાંચો: અમદાવાદના ઔડા વિસ્તારના વરિષ્ઠ નાગરિકોને AMTS બસમાં મળશે મફત પાસ
આ પણ વાંચો: રાણીપ મેટ્રો સ્ટેશન નીચે AMTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત
