Gandhinagar News: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્માનું નામ નિશ્ચિત થઈ ચૂક્યું છે. આવતીકાલે અથવા પછીના દિવસે તેની જાહેરાત થઈ શકે છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ અંગે આવેલું મોટું અપડેટ એવું છે કે ગુજરાત ભાજપને ઓબીસી વર્ગમાંથી નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. આ માટે ઓબીસી સમાજમાંથી ત્રણ નામ ચર્ચામાં છે. તેમા મયંક નાયક, ઉદય કાનગડ અને જગદીશ વિશ્વકર્માના નામ આગળ પડતા હોવાનું કહેવાયું હતું. હવે જગદીશ વિશ્વકર્માનું નામ નિશ્ચિત થઈ ગયું છે.
પ્રદેશ પ્રમુખની ચૂટણી માટે નોટિફિકેશન બહાર પડી ગયું છે. તેના માટે મતદારોની યાદી પણ જાહેર થઈ ગઈ છે. રત્નાકર પણ કમલમ પહોંચી ગયા છે. પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. આમ ભાજપને ચોથી ઓક્ટોબરના રોજ નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. કુલ 224 મતદારો મતદાન કરશે. સી આર પાટિલના ઉત્તરાધિકારીની રેસમાં જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ છે. પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર કમલમ ખાતે પહોંચી ગયા છે.
જગદીશ વિશ્વકર્મા હાલમાં ભુપેન્દ્ર પટેલની સરકારમાં 2022થી MSME ખાતુ સંભાળી રહ્યા છે. આ ઉપરાંત તેમણે રોડ એન્ડ બિલ્ડિંગના રાજ્યમંત્રીનો વધારાનો હવાલો પણ સંભાળ્યો છે. આમ તે હવે સરકારમાંથી સંગઠનમાં જશે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત પક્ષપ્રમુખ તરીકે ગુજરાતથી દિલ્હી સુધી ચર્ચાતા બીજા નામમાં જોઈએ તો રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ પંચાલ, ધારાસભ્ય ડો. પ્રદ્યુમન વાજા, સાંસદ મયંક નાયક, સાંસદ, દિનેશ મકવાણા, ધારાસભ્ય અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ, સાંસદ તથા પ્રદેેશ મહામંત્રી વિનોદ ચાવડાનો સમાવેશ થાય છે.
આમ ગુજરાત ભાજપની કમલમ ખાતેની કચેરીએ તૈયારીઓએ વેગ પકડ્યો છે. કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. રાજકીય આગેવાનોની દોડધામ મચી ગઈ છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. આજે ભાજપના તમામ કાર્યકરોની આતુરતાનો અંત આવી શકે છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂકની જાહેરાત થવાની પૂરેપૂરી સંભાવના છે. તેની સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરાત થાય એવી શક્યતા છે. રાષ્ટ્રીય ચૂંટણી અધિકારીની હાજરીમાં યોજાઈ શકે છે આ સપ્તાહના અંત સુધીમાં ભાજપને મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ.
ગુજરાત ભાજપમાં આમ પણ પ્રદેશ પ્રમુખને લઈને લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. એક સમય હતો જ્યારે માનવામાં આવતું હતું કે લોકસભા ચૂંટણી પૂરી થયા પછી અને સી આર પાટિલને કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવ્યા પછી માનવામાં આવતું હતું કે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળશે, પરંતુ કોઈને કોઈ કારણસર તેમા વિંલંબ થતો રહ્યો છે.
જો કે વિસાવદરની ચૂંટણીમાં પરાજય થયા પછી અને ધારાસભ્યોના અસંતોષમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખતા હવે આ હોદ્દા પર નિમણૂક જરૂરી થઈ હોવાનું વર્તાઈ રહ્યુ છે. મોવડીમંડળને પણ લાગ્યું છે કે હવે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ આપ્યા વગર ચાલે તેમ નથી. પાટિલે તેમની કામગીરી સફળતાપૂર્વક બજાવી અને પક્ષને નવા સીમાચિન્હ પર લઈ ગયા છે. તેથી હવે નવા બનનારા ભાજપ પ્રદેશ પ્રમુખ પાસે આ પ્રકારના સ્તરને જાળવવાનું રહેશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી પહેલાં જ પક્ષને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. આ નિમણૂક પાછળનું કારણ એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે જ પક્ષના કાર્યકરોને યોગ્ય માર્ગદર્શન આપી શકાય. સઘન નેતૃત્વ પૂરુ પાડી શકાય તથા સંગઠન અને સરકાર ખભેખભા મિલાવીને કામ કરી શકે. આખી ચૂંટણી પ્રક્રિયાનું યોગ્ય રીતે સંચાલન કરી શકાય. જાણકાર વર્તુળોનું કહેવું છે કે, આ નોટિફિકેશન જાહેર થયા બાદ પક્ષના બંધારણ મુજબ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટેની સંપૂર્ણ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ઉમેદવારી નોંધાવવાથી લઈને પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા મતદાન કરવા સુધીના તબક્કાઓનો સમાવેશ થઈ શકે છે.
આ પણ વાંચો: Gandhinagar News/ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી
આ પણ વાંચો: Gandhinagar News/17 શહેરોમાં શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ તૈયાર થશે, 5 રૂ. ના ટોકનદરે મળશે સુવિધા
આ પણ વાંચો: Gandhinagar News/ગાંધીનગર સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો, પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી
