વોશિંગ્ટન,
અમેરિકા ફરી એકવાર ભયંકર આર્થિક કટોકટીનો સામનો કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને હજુ એક વર્ષ પુરૂ થઇ રહ્યું છે, ત્યારે અમેરિકન સરકારને તેના તમામ આર્થિક ઓપરેશન બંધ કરવા પડે તેવી સ્થિતિમાં આવી ગયું છે. ટ્રમ્પ સરકારને આર્થિક મંજૂરી આપનાર બિલને અમેરિકન કૉંગ્રેસના નીચલા સદને ગુરૂવારની રાત્રે પસાર કરી દીધું, પરંતુ ઉપલા સદનમાં સેનેટમાં તેને કેટલાંય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જો આ બિલ સેનેટમાંથી પસાર નહીં થાય તો આર્થિક મંજૂરીના અભાવમાં દેશમાં સરકારી કામકાજો એક ઝાટકે ઠપ થઇ જશે.
આ બિલ પ્રતિનિધિ સક્ષામાં પસાર થઇ ગયું છે, પરંતુ ઉપલી સદન સેનેટમાં પસાર થવાનું બાકી છે. શુક્રવારની મધ્યરાત્રિ સુધીનો સમય અમેરિકાના રાષ્ટ્રપતિની પાસે છે. જો આ બિલ કોઇ કારણોસર પસાર થયું નહીં તો તે શટડાઉનને ટાળી શકશે નહીં. આવી સ્થિતિમાં અમેરિકન વહીવટીતંત્રમાં હાજર 35 લાખ કર્મચારીઓમાંથી સાડા આઠ લાખ કર્મચારીઓને પહેલેથી જ ઘરે બેસવું પડશે. જો કે જ્યાં સૈન્યકર્મીઓની ડ્યુટી લાગી છે, તેને હટાવાશે નહીં.
અમેરિકન સરકારને તેના આર્થિક વ્યવહારો માટે આ બિલ પસાર કરવું જરૂરી છે. સત્તારૂઢ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિક પાર્ટીની બહુમતીવાળા પ્રતિનિધિ સભામાં તો આ બિલ સરળતાથી પસાર થઇ ગયું, પરંતુ સેનેટમાં રિપબ્લિકન પાર્ટીની બહુમતી હોવા છતાંય તેને પસાર કરવા માટે વિપક્ષી ડેમોક્રેટ પાર્ટીના સમર્થનની જરૂર છે. તેનું કારણ એ છે, કે રિપબ્લિકન પાર્ટીના ત્રણ સેનેટર આ બિલના વિરોધમાં છે, જ્યારે એક સેનેટર કેન્સરની સારવાર માટે પોતાના ઘરે એરીઝોનામાં છે. ટ્રમ્પ સરકારને ડેમોક્રેટ્સના સતત વિરોધના કારણે આ બિલને પસાર કરવામાં તકલીફ પડી રહી છે.
જો આ બિલ પસાર નહીં થાય તો અમેરિકન સરકારને શટડાઉનની નોબત આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે શટડાઉન થાય છે. ત્યારે હજારો ‘બિન-જરૂરી’ કર્મચારીઓને રજા પર મોકલી દેવામાં આવે છે, માત્ર લોકોની સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષામાં લાગેલા ઇમરજન્સી કર્મચારીઓ જ કાર્યરત રહેતા હોય છે. અમેરિકામાં 1995 બાદ ત્રણ વખત આવી સ્થિતિ સર્જાઇ ચૂકી છે. જો શટડાઉન થાય તો અમેરિકન સરકાર સાથે કામ કરતી એજન્સીઓના કર્મચારીઓને ફરજીયાત રજા પર મોકલી દેવામાં આવે છે. આ દરમ્યાન તેમને પગાર પણ મળતો નથી.
અમેરિકાના ઇતિહાસમાં કેટલીય વખત શટડાઉનની સ્થિતિ આવી ચૂકી છે. આ અગાઉ 1981, 1984, 1990, 1995-96 અને 2013 દરમ્યાન અમેરિકાની પાસે ખર્ચ કરવા માટે પૈસા બચ્યાં નહોતા એટલે શટડાઉન લાગુ કરવું પડ્યું હતું. ઑક્ટોબર 2013ના રોજ શટડાઉન અંદાજે બે સપ્તાહ સુધી ચાલ્યું હતું અને તે સમયે અમેરિકામાં ઓબામાની સરકાર હતી અને 8 લાખ કર્મચારીઓને આ દરમ્યાન ઘરે બેસવું પડ્યું હતું
