દિલ્લી,
ઇલેકશન કમિશન દ્વારા આમ આદમી પાર્ટીના ૨૦ ધારાસભ્યોને “ઓફિસ ઓફ પ્રોફિટ“ના આરોપમાં તેમની સદસ્યતા રદ્દ થયા બાદ પાર્ટીમાં રાજકીય ભૂકંપ જણાઈ રહ્યો છે. દિલ્લી સરકારમાં બહુમતી માટે પણ તાજેતરમાં અરવિંદ કેજરીવાલ માટે મુશ્કેલી જોવા મળી રહી છે. ત્યારે આ મામલે આપના શીર્ષ નેતા કુમાર વિશ્વાસે દિલ્લીના સીએમ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું.
દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવતા તેઓએ જણાવ્યું કે, જયારે આ સંસદીય સચિવની નિમણુંક કરવામાં આવી હતી ત્યારે મેં કેટલાક સૂચનો આપ્યા હતા. ત્યારે કેજરીવાલે કહ્યું હતું કે, “આ મુખ્યમંત્રીનો વિશેષ અધિકાર છે, તમે આ અંગે કોઈ હસ્તક્ષેપ કરી શકતા નથી”.
આ ઉપરાંત મંત્રીઓ અને મંત્રાલયોની ફાળવણી અંગે જણાવતા કુમાર વિશ્વાસે કહ્યું કે, “મેં સારા અને કાબિલ લોકોને મંત્રીમંડળમાં લેવા માટે સૂચનો આપ્યા હતા, પણ મારા આ સૂચનો સંભાળવામાં ન આવ્યા હતા”. ત્યારબાદમાં તેઓએ કોઈ સૂચન આપ્યા નથી.
કુમાર વિશ્વાસે એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “તેઓને ૨૦ ધારાસભ્યોની સભ્યતા પર આવેલા સંકટની વિગત બાદ ખુબ દુઃખી છે. કોઈ પણ રીતે આ સંકટ મારા માટે પીડાદાયક છે. આ મારા નાના ભાઈ-બહેન જેવા છે અને આ તમામ માટે મેં ખુબ મહેનત કરી હતી.
મહત્વનું છે કે, કેજરીવાલ સરકારે પોતાના મંત્રીઓની દલીલ કરતા માર્ચ ૨૦૧૫માં ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવ્યા હતા. ત્યારબાદ વકીલ પ્રશાંત પટેલે ” ઓફિસ ઓફ પ્રોફિટ”ના આરોપ બતાવતા આ તમામ ધારાસભ્યોની નિમણુંકને ચેલેન્જ કરી હતી. આ મામલો રાષ્ટ્રપતિ બાદ ઇલેકશન કમિશન અને અંતમાં દિલ્લી હાઈકોર્ટમાં પહોચ્યો હતો. જયારે શુકવારે ચુંટણીપંચે આ તમામને અયોગ્ય જાહેર કર્યા હતા.
