શિલોંગ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨ ઓકટોબર ૨૦૧૪ના રોજ દેશમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાનને જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સમયાંતરે સરકાર દ્વારા પણ દેશના સ્વચ્છ શહેરો અંગેનો રિપોર્ટ પણ રજુ કરવામાં આવતા હોય છે. પરંતુ ઉત્તર-પૂર્વ ભારતમાં એક ગામ આવેલું છે તેની ગણના માત્ર ભારત દેશના જ નહિ પણ એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે થાય છે.

એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે ઓળખાતું આ ગામ મેઘાલયની રાજધાની શિલોંગ અને ભારત-બાંગ્લાદેશ બોર્ડરથી ૯૦ કિલોમીટર દૂર આવેલું છે. આ ગામનું નામ છે માવલિન્નાંગ.
તાજેતરમાં જ મેઘાલયના માવલિન્નાંગને એશિયાનું સૌથી સ્વચ્છ ગામનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. માવલિન્નાંગ ગામની સાફ સફાઈનું ધ્યાન ગામના લોકો જ રાખે છે. આ ગામના લોકોએ સ્વચ્છતાના બળે દુનિયામાં એક અલગ જ ઓળખાણ ઉભી કરી છે અને એની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એમ છે.

માવલિન્નાંગ ગામમાં અંદાજે ૯૫ ખાસી જનજાતિના પરિવારો રહે છે અને તેઓની કુલ જનસંખ્યા ૫૦૦ છે. આ ગામના સ્વચ્છતા અંગેના માપદંડની વાત કરવામાં આવે તો, ગામમાં પ્લાસ્ટિકની થેલીઓ પર સદંતર પ્રતિબંધ છે અને ગામમાં ગમે ત્યાં થૂંકવાની પણ મનાઈ છે. આ ઉપરાંત ગામના ગામના દરેક રસ્તાઓ પર કચરાપેટી મૂકવામાં આવી છે. ઉપરાંત રસ્તાની બંને બાજુ ફૂલોના છોડ વાવેલા છે અને તેની સાથે સ્વચ્છતાના સંદેશ પણ લગાડવામાં આવ્યા છે.

ગામના દરેક પરિવારમાંથી એક વ્યક્તિ રોજ આ સફાઈમાં ભાગ લે છે અને જે વ્યક્તિ સફાઈમાં ભાગ લેતો નથી, તેને ઘરમાં ખાવાનું મળતું નથી. માવલિન્નાંગ ગામ માતૃસત્તાત્મ્ક છે જેથી આ ગામની મહિલાઓને વધુ અધિકારો પ્રાપ્ત થાય છે, અને આ અધિકારોનો ઉપયોગ ગામને સ્વચ્છ રાખવા માટે પણ કરતી હોય છે.

માવલિન્નાંગ ગામના લોકોને કોંક્રીટના ઘરોની જગ્યાએ વાસના બનેલા મકાનોમાં રહેવું સૌથી વધુ પસંદ છે. પોતાની સ્વચ્છતા માટે પ્રખ્યાત થયેલા માવલિન્નાંગને જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. માવલિન્નાંગ ગામને તેની સ્વચ્છતાના કારણે “ભગવાનનો પોતાનો બગીચો” પણ કહેવામાં આવતું હોય છે.
