Not Set/ મગફળી કાંડ: આફતને અવસરમાં પલટાવવા ભાજપ-કોંગ્રેસના ધમપછાડા

રાજકોટ, ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનાં કામમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે પરંતુ આ કૌભાંડમાં સંડોવાયેલાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે ભાજપ-કોંગ્રેસ જાણે પોતાના પર આવેલી આફતને અવસરમાં પલટાવવા માટે રાજકારણ ખેલતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ભાજપાના શાસનમાં કૌભાંડ થયું છે અને તેથી સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે પરંતુ આમ છતાં […]

Top Stories Gujarat Rajkot Politics

રાજકોટ,

ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનાં કામમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે પરંતુ આ કૌભાંડમાં સંડોવાયેલાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે ભાજપ-કોંગ્રેસ જાણે પોતાના પર આવેલી આફતને અવસરમાં પલટાવવા માટે રાજકારણ ખેલતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

ભાજપાના શાસનમાં કૌભાંડ થયું છે અને તેથી સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે પરંતુ આમ છતાં કૌભાંડની વાત કોરાણે મુકીને ભાજપે છેલ્લા બે દિવસથી કોંગ્રેસ પર વળતા પ્રહારો શરૂ કરી દીધા છે અને આ કૌભાંડમાં જે કોઈ પકડાય છે તે કોંગ્રેસના હોવાનો આક્ષેપ કરીને કૌભાંડની મુળ વાતને બીજી તરફ ફંટાવી દેતા હોય તેવું લાગી રહ્યું છે.

તો સામી બાજુ આ કૌભાંડમાં જે કોઈ પકડાયા છે તે કોંગ્રેસના જ છે તેવી ભાજપાની વાતમાં પણ પુરેપુરો દમ છે. આવા કોઈ આગેવાનને સસ્પેન્ડ કરવાનો નિર્ણય હજુ સુધી કોંગ્રેસે જાહેર કર્યો નથી. નાફેડના ચેરમેન વાઘજી બોડા પર ગમે ત્યારે આકરાં પગલાં આવે તેવી શકયતા હોવાના કારણે વાઘજી બોડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે પરંતુ બીજો મોટો સવાલ એ ઉભો થાય છે કે, કૌભાંડ કરનારાઓ કોંગ્રેસના હોય કે ભાજપનાં તેમની સામે પગલાં લેવામાં સરકાર કોની લાજ કાઢે છે તે સમજાતું નથી.

નકકર કાર્યવાહીના બદલે માત્ર નિવેદનબાજી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં સમગ્ર મગફળીકાંડ ઢસડાઈ ગયું છે. મગફળીકાંડમાં એકમાત્ર મગન ઝાલાવડિયા માસ્ટર માઈન્ડ હોય તે પધ્ધતિએ તપાસ આગળ વધી રહી છે. પરંતુ જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ મગન ઝાલાવડિયા માત્ર નાની માછલી હતી અને તેની સામેના આકરાં પગલાં લઈને તેને મગરમચ્છ તરીકે ચીતરવામાં આવી રહ્યો છે. મગન ઝાલાવડિયાની સાથોસાથ રાજકીય પક્ષોના અનેક આગેવાનો અને તેમાં પણ ખાસ કરીને સહકારી ક્ષેત્રના અનેક મોટામાથાઓ આ કૌભાંડમાં સંડોવાયેલ હોવાની વાતો થઈ રહી છે. આમ છતાં તેમની સામે પગલાં લેવાની વાત તો એક બાજુ રહી તેમના નામનો હરખશુધ્ધા ઉચ્ચારવામાં આવતો નથી.

શાપરના મગફળીનાં ગોડાઉનમાં આગ લાગ્યાને 90 દિવસ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી આ બનાવમાં પોલીસ ફરિયાદ કોઈ મોટા માથા સામે થઈ નથી તે બાબત અનેક પ્રશ્ર્નો ઉભા કરે છે. વાઈરલ થયેલા મગન ઝાલાવડિયાના ઓડિયોમાં અનેક અધિકારીઓ, ધારાસભ્યો, મંત્રીઓના નામો મૌન હોવા છતાં હજુ સુધી આ સમગ્ર પ્રકરણ બાબતે સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી અને ચાર હજાર કરોડ રૂપિયાના મગફળીના કૌભાંડમાં સરકાર, ભાજપ અને કોંગ્રેસ ‘ચલક ચલાણું’ રમતા હોય તેવું લાગી રહ્યું છે.

ગાંધીધામ, ગોંડલ, શાપર અને જામનગર ખાતે મગફળીના ગોડાઉનમાં સમયાંતરે આગની ઘટનાઓ બની છે પરંતુ આજ દિવસ સુધી તેના એફએસએલના રિપોર્ટ શા માટે જાહેર કરાયા નથી ? તે પ્રશ્ન પણ ઉઠવા પામ્યો છે. કૃષિ વિભાગે પણ અલગથી તપાસ હાથ ધરી હતી પરંતુ તેની તપાસનું શું થયું ? તે બાબતે કોઈ કંઈ જાણતું નથી.

મગફળી ખરીદીની જવાબદાર અલગ-અલગ આઠ સંસ્થાઓને સોંપી હતી અને તેમણે 7.64 લાખ ટન મગફળી ખરીદી 4000 કરોડનો સરકારી તિજોરીમાંથી ખર્ચો કર્યો છે. જે આઠ સંસ્થાઓને ખરીદીની જવાબદારી સોંપી હતી તેના વહીવટદારો અને પ્રતિનિધિઓ કોઈ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે કે કેમ ? તેની સ્પષ્ટતા પણ સરકારે કરવી જોઈએ. કુલ 7.64 લાખ ટન મગફળીની ખરીદીમાંથી ગુજકોમાસોલે માત્ર 1.17 લાખ ટનની ખરીદી કરી છે જ્યારે ગુજરાત સરકારની ગુજકેટ કંપ્ની કે જેનું રાજ્યવ્યાપી મહેકમ માત્ર 6નું છે તેણે 5.5 લાખ ટન મગફળી ખરીદી છે અને આ કોના ઈશારેથી થયું ?