પાકિસ્તાનની એક કોર્ટે બુધવારે લાહોર જીલ્લા સરકારને નિર્દેશ કર્યો હતો કે તેઓ શાદમાન ચોકનું નામ બદલીને સ્વતંત્રતા સેનાની વીર ભગત સિંહના નામ પર રાખવા સંબંધે નિર્ણય લે.બ્રિટીશ રાજ દરમ્યાન 87 વર્ષ પહેલાં આ જ જગ્યાએ ભગત સિંહને ફાંસી આપવામાં આવી હતી.

23 માર્ચ,1931 ના રોજ ભગત સિંહ અને એમનાં સાથીઓ રાજગુરુ અને સુખદેવને લાહોરની જેલમાં ફાંસીએ ચડાવવામાં આવ્યા હતા. શાદમાન ચોક એ જ જગ્યા પર બનેલો છે.

લાહોરનાં ઉચ્ચ ન્યાયાલયના જજ જમીલ ખાને ભગત સિંહ મેમોરીયલ ફાઉન્ડેશનનાં અધ્યક્ષ ઈમ્તિયાઝ રાશીદ કુરૈશીની અરજી પર સુનવણી કરતા લાહોરનાં કલેકટરને આદેશ આપ્યો કે શાદમાન ચોકનું નામ બદલીને સ્વતંત્રતા સેનાની વીર ભગત સિંહના નામ પર રાખવા માટે નિર્ણય લે..
અરજી કરનારની દલીલ હતી કે ભગત સિંહ સ્વતંત્રતા સેનાની છે. એમણે પોતાના સાથીઓ સાથે મળીને દેશની આઝાદી માટે કુરબાની આપી છે. એમણે કહ્યું કે મોહમ્મદ અલી ઝીણાએ પણ ભગત સિંહને શ્રધ્ધાંજલિ આપતા કહ્યું હતું કે એમણે પોતાનાં સમગ્ર જીવનકાળમાં ભગત સિંહ જેવો બહાદુર વ્યક્તિ જોયો નથી.અરજી કરનારે કહ્યું કે, આ ન્યાયની દ્રષ્ટીએ યોગ્ય રહેશે કે શાદમાન ચોકનું નામ ભગત સિંહનાં નામ પર રાખવામાં આવે.
