રાજ્યમાં બે દાયકાથી વધુના શાસન બાદ ખાલી મેટ્રોનો ડબો જોઈને હરખાતી ભાજપે રિવરફ્રન્ટ પર તેનું પ્રદર્શન ગોઠવી લાજવાને બદલે ગાજવાની જુની આદત છોડી નથી તેમ જણાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું છે કે, પુલના ખાતમુહૂર્ત બાદ બંન્ને છેડાનુ ઉદ્ધાટન કરવાનો ભાજપનો ઈતિહાસ જોતા મેટ્રોના એક એક ડબા, સ્ટેશનો, સીગ્નલોના પણ ઉત્સવો મનાવે તો નવાઈ નહીં.
ગુજરાતના છેવાડાના ગામો જેમણે એસ.ટી. બસ પણ ભાળી ના હોય ત્યાં સુધી મેટ્રોની પ્રતિકૃતિ (રેપ્લીકા)ઓ લઈને મેટ્રો યાત્રા પણ સરકાર કાઢી શકે. રામમંદિરની આર્કિટેક દ્વારા પ્રતિકૃતિ (રેપ્લીકા) બનાવીને ફરનારી ભાજપ આજેય રામલલા ને તંબુમાથી બહાર કાઢી શકી નથી. ધોલેરા સર, રોરો ફેરી, સી પ્લેન વિગેરે સાબિતી છે કે મોદી સાહેબને રાત્રે સપનું પણ આવે તો ભાજપ એ સપનાનું ઉદ્ઘાટન કરી નાખે. સુરત ને શાંઘાઇ અને કાશી ને ક્યોટો બનાવવાના તાયફા અને તસ્વીરો સોશીયલ મીડીયામાં એ વાતની ચાડી ખાય છે કે આ સરકાર કામ કરવા કરતાં કામ કર્યું હોય તેવા દેખાડામા વધુ માને છે.

જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે, ગુજરાતની તત્કાલીન મોદી સરકારે જેટલા વર્ષો મેટ્રો ટ્રેનના કોન્ટ્રેક્ટમાં કૌભાંડો કરવા અને ચોરી જાહેર થતાં પોતાની પછેડી સંતાડવા અધિકારીઓને દંડી પોતાને ચોખલીયા બતાવવા કાઢ્યા એટલા સમયમાં તો દેશના કર્ણાટક, દીલ્હી, યુપી અને રાજસ્થાન જેવા રાજ્યોએ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ પુરો કરી જનતાના હવાલે કરી દીધો હતો. દીલ્હીની મેટ્રોમા પ્રવાસ કરી સેલ્ફીઓ ખેંચાવતા વડાપ્રધાને તેમના બાર વરસના મુખ્યમંત્રી કાળ દરમિયાન મેટ્રોની એક ખીલી ના ઠોકી શક્યાના અહેસાસ તળે ડુબી મરવું જોઈએ. ઢળતી ઉમંરે લગ્ન થાય તો ઘરમેળે ફેરા ફરી લેવાય, ગામમાં ઢોલ નગારા પીટી વરઘોડો ના કઢાય. આટલી સાદી સમજ હોત તો બે દાયકાના શાસન બાદ મેટ્રો તો દુર એનો ડબો જોઈને દાંડી પીટવાનો ધંધો રૂપાણી સરકાર ના કરત. મેટ્રો ચાલે તે પહેલાં ગુજરાત સરકારની તિજોરીમાંથી પાંચસો કરોડ પગ કરી ગયા, મુખ્ય અધિકારીઓ હાલ પણ જેલમાં છે. નિષ્ફળતાઓના બેસણા હોય જ્યાફત નહીં. અનેક ટ્રાયલ બાદ માંડ માંડ પાસીંગ માર્ક મેળવતો વિદ્યાર્થી પાર્ટીઓ કરે તેવી મનોદશા ભાજપની છે.
જયરાજસિંહે જણાવ્યું છે મોદીજીની કામ કરવાની પદ્ધતિ સમજવી હોય તો તેના ભૂતકાળને પણ સમજવો પડે તેમ છે. તેઓએ અમદાવાદ ગાંધીનગરની મેટ્રો ટ્રેન શરૂ કરાવી તે પહેલાં જ આવી જ પ્રસિધ્ધિ લીધી હતી. મોદીને કોઈ પ્રોજેક્ટ સફળ થાય તેના કરતાં તેમાં કઈ રીતે વધુમાં વધું પ્રસિદ્ધિ લઈ શકાય તે પહેલાં વિચારે છે. વાઈબ્રન્ટ ગુજરાત, ટાટા નેનો પ્રોજેક્ટ, ચારણકા સોલાર પ્રોજેક્ટ, નર્મદા નહેર પરનો સોલાર પ્રોજેક્ટ, નર્મદા પ્રોજેક્ટ, ધોલેરા સ્માર્ટ સિટી, ગીફ્ટ સિટી, બીઆરટીએસ જેવા તમામ પ્રોજેક્ટમાં જબ્બર માર્કેટીંગ કરીને પોતે એક સફળ મુખ્યમંત્રી હોવાનું લોકોના મનમાં ઠસાવી ગુજરાત મોડેલ દેશમાં વેચી દીધું છે. પણ આ તમામ પ્રોજેક્ટ સંપુર્ણ સફળ નથી. તેમના અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ કરીને મનચાહી ભરપુર પ્રસિદ્ધિ લીધી છે. પણ અંદરથી જો પોલમ પોલ પકડાઈ છે.
2019 નજીક આવતા રઘવાયી બનેલી ભાજપે શ્રાધ્ધમાં મેટ્રો નહી તો એનો ડબો જ સહી ની ઉતાવળ કરવામાં કાચુ કાપ્યુ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
