અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો (પરીક્ષા ફોર્મ) ભરવાની કામગીરી ચાલી રહી છે.
ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 20 નવેમ્બર હતી. જે ગઈકાલે પૂર્ણ થઈ ગઈ છે. હવે બાકી રહેલા જે કોઈ વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેટ ફી વસુલવામાં આવશે.
હાલ ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષા માટેનાં આવેદનપત્રો સ્વીકારવાની કાર્યવાહી ચાલી રહી છે. જેના અંતર્ગત રેગ્યુલર ફી સાથે આવેદનપત્રો ભરવા માટેની છેલ્લી તા.ર૦ નવેમ્બર નક્કી કરવામાં આવી હતી, જે મુદ્ત ગઈકાલે પૂર્ણ થઈ ગઈ છે.
પરીક્ષા ફોર્મ ભરવાની રેગ્યુલર ફી પરીક્ષાર્થીદીઠ રૂ. ૪રપ રાખવામાં આવી હતી. હવે જયારે આ મુદ્દત પૂર્ણ થઈ છે એટલે રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવા માગતા વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરી શકશે નહીં. જો હવે તેમણે પરીક્ષા ફોર્મ ભરવા હશે તો તેઓ લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે.
બોર્ડના પરીક્ષા ફોર્મ ભરવાની નિયત તારીખ વીતી ગયા બાદ હવે જે ફોર્મ ભરવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ત્રણ તબક્કા નકકી કરવામાં આવ્યા છે. આ ત્રણ તબક્કા મુજબ પરીક્ષાર્થી લેટ ફી સાથે પોતાના પરીક્ષા ફોર્મ ભરી શકશે.
જેના અંતર્ગત પ્રથમ તબકકો તા.ર૧ થી ૩૦ સુધી યોજાશે જેમાં નિયત પરીક્ષા ફીની ઉપરાંત લેટ ફી રૂ.રપ૦ સાથે ભરી શકશે. બીજો તબક્કો તા.૧ ડિસે.થી ૧૦ સુધી યોજાશે જેમાં વિદ્યાર્થી નિયત પરીક્ષા ફીની ઉપરાંત લેટ ફી રૂ.૩૦૦ સાથે ભરી શકશે.
જયારે ત્રીજો અને અંતિમ તબક્કો તા.૧૧ ડિસે.થી ર૦ સુધી યોજાશે, જેમાં વિધાર્થી નિયત ફીની ઉપરાંત લેટ ફી રૂ.૩પ૦ સાથે પરીક્ષા ફોર્મ ભરી શકશે તેમ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.
