એડિલેડ: ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત રમી રહેલ ભારતીય સ્પિડ સ્ટાર જસપ્રીત બુમરાહે એડિલેડ ટેસ્ટમાં એક બોલ એટલી સ્પીડથી નાખ્યો હતો કે, આ મેચમાં કોઈ પણ ઓસ્ટ્રેલિયન બોલર હજુ સુધી આટલી સ્પીડથી બોલ ફેંકી શક્યો નથી.
ભારતીય પેસ બોલર જસપ્રીત બુમરાહ જ્યારે પણ ભારતમાં બોલિંગ કરે છે તો ત્યારે તેની બોલિંગની સ્પીડ સરેરાશ 142-143 કિમી પ્રતિ કલાકની આસપાસ રહે છે. પરંતુ હાલ તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં જતાંની સાથે જ તેની સ્પીડ ઘણી વધી જવા પામી છે. એડિલેડ ટેસ્ટમાં આમ તો જસપ્રીત બુમરાહે સરેરાશ 142 Kmphથી વધુની ઝડપથી બોલિંગ કરી છે, પરંતુ આ દરમિયાન તેણે અનેક વાર 145 Kmphથી ઉપરની ઝડપથી બોલ નાખ્યા છે.
આ એડિલેડ ટેસ્ટ દરમિયાન જસપ્રીતે એક બોલ તો 153.25 Kmphની ઝડપથી ફેંક્યો હતો. જે આ મેચનો સૌથી ઝડપી બોલ ગણવામાં આવી રહ્યો છે. જસપ્રીત બુમરાહે આ બોલ 8મી ઓવરમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્કસ હેરિસની વિરુદ્ધ ફેંક્યો હતો. ભારતીય પેસ બોલર દ્વારા આટલી ઝડપથી બોલ ફેંકવામાં આવતા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્કસ હેરિસ ફફડી ઉઠ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, એડિલેડ ટેસ્ટમાં આટલી પેસ તો કોઈ ઓસ્ટ્રેલિયન બોલર પણ નથી મેળવી શક્યો. આ સંજોગોમાં જસપ્રીત બુમરાહની આ સ્પિડથી ઓસ્ટ્રેલિયનો પણ ગભરાઈ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જસપ્રીત બુમરાહ પહેલી જ વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છે. એડિલેડ ટેસ્ટ તે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપરની તેની પ્રથમ ટેસ્ટ મેચ છે.
