વલસાડ,
પારડી હાઇવે પર પારડી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ કાર દોડતી દેખાતા પોલીસે બગવાડા ટોલ નાકાથી કારનો પીછો કરતા પારડી વિશ્રામ હોટલ પાસે કારને હાઇવે બ્લોક કરી ઝડપી પાડી હતી. કારમાં ઝિમ્બાબ્વેના યુવક અને યુવતીને કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાતાં ચકચાર મચી ગઇ હતી.

બંનેની પૂછપરછ પોલીસે હાથ ધરી છે જેમાં આ દારૂ દમણ થી લઇ આવ્યા હતા અને બંને પાસે બરોડાની પારુલ કોલેજ ના પુરાવા રૂપે આઇ કાર્ડ મળી આવ્યા હતા અને બંને કઝીન ભાઈ બહેન હોવાનું પોલીસને બતાવ્યું હતું તેઓની પાસે કોલેજના પુસ્તકો પણ મળી આવ્યા હતા.

જ્યારે બ્રાઇટન રોબસન ચિકવીરા અને થાન્ડેકા ચીયાફીશા જુંગવાના ઝિમ્બાબ્વેના છે, જેથી પોલીસે તેઓને તેમની ભાષા જાણવા માટે એક દુભાષિયા યુવાનને બોલાવી તમામ હકીકતો જાણી હતી. પરંતુ તેઓની સાથે પૂછપરછ કરતા પોલીસના નાકે દમ આવી ગયો હતો બંને વિદેશીઓને જોવા પારડી પોલિસ મથકે લોકોના ટોળા ભેગા થયા હતા.

બંને લોકો પાસેથી વ્હીસ્કી તથા બીયરની બાટલી નંગ- 176 કિં.રૂ 88,000/- તથા ભારતીય બનાવટની જુદા જુદા દરની ચલણી નોટો રૂપીયા 36,300 કુલ કિ.રૂ4,54,૩૦૦/- નો મુદામાલ પોલીસે કબજે કર્યો છે.

પૂછપરછમાં યુવાને પોતાનું હાલનું સરનામું શ્યામલ ગ્રીન આજવા રોડ બરોડાનું બતાવ્યું અને બંને દમણની એક હોટલમાં રોકયેલ હોવાનું પણ તેઓએ પોલીસને બતાવ્યું હતું. હાલ તો પોલીસ બંને ની પૂછપરછ કરી રહી છે ત્યારે તમામ હકીકતો તપાસ બાદ જ બહાર આવશે.
