ગુજરાત,
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિયુક્ત કરાયેલા શિક્ષકોને પેપર ચેકીંગ માટેનાં ઓર્ડરો કરવા છતાં પણ મોટાભાગનાં શિક્ષકોએ આ કામગીરી કરવા માટે નનૈયો ભણ્યો છે. પરિણામે આવા શિક્ષકો સામે નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવશે તેવુ સુત્રો દ્વારા માહિતી મળી રહી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધોરણ 12ની માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરીક્ષાનાં પેપરો ચેક કરવા માટે ખાનગી શાળાઓનાં અંદાજિત 3500 જેટલા શિક્ષકોને ઓર્ડર કર્યો હોવા છતાં પણ આ શિક્ષકો પેપર ચેક કરવા માટે આવ્યા નથી. પરિણામે બોર્ડ દ્વારા આ મુદ્દાની ગંભીર નોંધ લેવામાં આવી છે. જેની સામે હવે કસૂરવાર શિક્ષકોને નોટીસ ફટકારવાની તજવીજ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહમાં અંદાજે 1500 અને સામાન્ય પ્રવાહ માટે અંદાજીત 2000 શિક્ષકોને પેપર ચકાસણી નહીં કરવા બદલ આજે નોટીસ ઇશ્યુ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરફ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પાઠવેલી નોટીસનો યોગ્ય ખુલાસો શિક્ષકો દ્વારા નહીં કરવામાં આવે તો શિક્ષક અને શાળાને દંડ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલાની ગંભીર નોંધ લેવાથી હવે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કસૂરવાર શિક્ષકો સામે આકરું વલણ અપનાવવામાં આવ્યું છે જો કે દર વર્ષે બોર્ડનાં પેપર ચેક કરવામાં ખાનગી શાળાનાં શિક્ષકો મોટાભાગે ગેરહાજર રહે છે. એટલું જ નહીં પેપર ચકાસણી માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વારંવાર શાળાઓને શિક્ષકો મોકલી આપવાની જાણ કરી હોવા છતાં પણ પેપર ચકાસણી કરવા માટે અંદાજિત 3500 શિક્ષકો ગેરહાજર રહ્યા હોવાનું બહાર આવ્યું છે. તો બીજી તરફ ખાનગી શાળાનાં શિક્ષકો પેપર ચેક કરવા નહીં આવવાના કારણે સરકારી શિક્ષકો ઉપર કામનું ભારણ પણ વધી જાય છે. જો કે ખાનગી શાળાનાં શિક્ષકો ટ્યુશન ક્લાસીસ સાથે સીધી રીતે જોડાયેલા હોવાથી પેપર ચેકીંગ નો ટાઈમ તેમને સેટ થતો નથી. પરીણામે આવી શાળાનાં શિક્ષકો પેપર ચકાસણી માટે આવતા નહિ હોવાની રાવ ઊભી થઈ છે.
સુત્રો દ્વારા એવું પણ મનાઈ રહ્યું છે કે રાજ્યની મોટાભાગની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકો મોટાભાગે યોગ્ય હોતા જ નથી અને તેથી જ આવી શાળાઓ શિક્ષકોને પેપર ચેક કરવા માટે મોકલતી નથી. યોગ્ય નહીં હોવાના કારણે શિક્ષક બોર્ડ સમક્ષ પેપર ચકાસણી કાર્યવાહીમાં ભાગ લેતા ખાનગી શાળાનો ભાંડો ફૂટી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે બોર્ડનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર હવે પછી પેપર ચેકીંગ માટે શિક્ષકો નહીં મોકલતી ખાનગી શાળાઓ અને તેના શિક્ષકને માધ્યમિક શિક્ષણ બોર્ડની નોટીસ બાદ પણ યોગ્ય પગલાં નહીં ભરે તો આવી શાળાઓ સામે નવા શૈક્ષણિક વર્ષ માટે જે તે સ્કૂલનાં વિદ્યાર્થીઓનાં ફોર્મ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અટકાવવામાં આવશે તેથી હવે બોર્ડ દ્વારા આ સમગ્ર મામલે ગંભીરતા દાખવવામાં આવી છે અને કડક વલણ અપનાવવામાં આવી રહ્યુ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
