ફાની ચક્રવાત ધીરે ધીરે રોદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને ખૂબ જ તેજી સાથે ઓડિશાના તટીય કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ફાની ચક્રવાતની તેજ ગતિ જોતા વધુ નુકસાનની આશંકા હાલ સેવાઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર ઉપરાંત અનેક એજન્સીઓ અને સંગઠનો યુદ્વના ધોરણે દરેક પ્રકારની તૈયારીઓમાં લાગી ગઇ છે. હવામાન વિભાગ અનુસાર ફાની હાલમાં વિશાખાપટ્ટનમથી 230 કિલોમીટર દૂર દક્ષિણ-દક્ષિણપૂર્વ પર સ્થિત છે.
ફાની ચક્રવાત શુક્રવારે બપોર સુધીમાં ઓડિશાના પુરીમાં ભારે પવન અને વરસાદ સાથે ટકરાશે તેવું અનુમાન છે.
ફાની ચક્રવાતનો પ્રભાવ
103 ટ્રેન રદ – ફાનીના કહેરને જોતા રેલવેએ આગમચેતી તરીકે 103 ટ્રેન રદ કરી છે અને અનેક ટ્રેનના રૂટમાં પણ પરિવર્તન કર્યું છે. રદ કરેલી ટ્રેનમાં હાવડા-ચેન્નાઇ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ, પટના-એર્નાકુલમ એક્સપ્રેસ, નવી દિલ્હી-ભુવનેશ્વર રાજધાન એક્સપ્રેસ, હાવડા-હૈદરાબાદ ઇસ્ટ કોસ્ટ એક્સપ્રેસ, ભુવનેશ્વર-રામેશ્વર એક્સપ્રેસ સામિલ છે.
8 લાખ લોકોનું સ્થળાંતર – ઓડિશાના તટીય વિસ્તારમાં અંદાજે 8 લાખ લોકોએ વિસ્તાર ખાલી કરીને સ્થળાંતર કર્યું છે. ચક્રવાતના કહેરને જોતા 879 શિબિરને સ્થગિત કરાઇ છે. પુરી, જગતસિંહ પુર, કેંદ્રપારા, ભદરક, બલાસોર, મયૂરભંજ, ગજપતિ, ગંજમ, ખોરધા, કટક અને જાજપુરના સ્થાનિક લોકોના વિસ્તાર ખાલી કરાવાયા છે.
ચક્રવાત દરમિયાન વીજળીમાં પણ વિક્ષેપની સંભાવનાઓને જોતા દરેક ઉર્જા વિભાગના કર્મચારીઓની રજાને પણ રદ કરવામાં આવી છે. તે સિવાય ડોક્ટર અને સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓની રજા પણ રદ કરાઇ છે.
ફોર્સ પણ તૈયાર – રક્ષા મંત્રાલયે ભારતીય નૌ સેના અને તટરક્ષક દળને પણ તૈનાત કરવાનો આદેશ અપાયો છે. તટરક્ષક દળો અને નૌ સેના દ્વારા બચાવકાર્ય માટે સમુદ્રી જહાજો અને હેલિકોપ્ટરને તૈનાત કરાયા છે.
