વડોદરા,
રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં 2થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં તો ચોમાસું શરૂઆતથી જ વરસાદ બરાબર જામ્યું છે.
આપને જણાવીએ કે વડોદરામાં બુધવારે 14 કલાકની અંદર 20 ઈંચ વરસાદ પડતા શહેરમાં જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે. સમગ્ર રાજ્યમાં પડી રહેલા વરસાદના કારણે 108 ગામમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે, જ્યારે રાજ્યના 110 જેટલા માર્ગો બંધ થઈ ગયા છે.
વડોદરાને વીજ પુરવઠો સપ્લાય કરતાં 304માંથી 48 ફીડરો બંધ કરવામાં આવ્યા છે.રાજ્યના એડીશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમારે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે પાણી ભરાઇ જવાના કારણે 48 ફીડરો બંધ કરવામાં આવ્યા છે.જેના કારણે ઇન્દ્રપુરી, સરદાર એસ્ટેટ, કારેલી બાગ, માંડવી,પાણીગેટ,દાંડિયા બજાર, રાવપુરા ટાવર, હરિનગર, ગોત્રી અને સમા જેવા વિસ્તારોને અસર પડશે.
48 of 304 feeders in #VadodaraRains have been shut due to water logging for safety of citizens. Would be restored once water recedes. Impacted areas are Indrapuri, Sardar Estate, Karelibag, Mandvi, Panegate, Dandiya bajar, Raopura tower, Harinagar, Gotri, Sama. Kindly co-operate.
— Pankaj Kumar (@pkumarias) August 1, 2019
વડોદરા શહેરમાં થયેલ ભારે વરસાદના પગલે વીજ પુરવઠાને પૂર્વરત કરવા માટે જી.યુ.વી.એન.એલ. ની વીજ વીતરણ કંપની – મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (એમ.જી.વી.સી.એલ.) અને ટ્રાન્સમિશન કંપની – ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા બંધ પડેલા ટ્રાન્સફોર્મર અને ફીડરોને ચાલુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા શહેરને વીજ આપતા જેટકો ના કુલ 27 સબસ્ટેશન છે જે હાલ સંપૂર્ણપણે કાર્યરત કરવામાં આવેલ છે. ગઈ કાલે રાત્રે ભારે વરસાદના પગલે છાણી-એ અને ભાયલી સબસ્ટેશન યાર્ડમાં પાણી ભરાવવાના લીધે સુરક્ષા માટે થોડા સમય માટે બંધ કરેલ હતા પણ તુરંત જ રાત્રે પાણીનો નિકાલ કરી વીજ પૂરવઠો રિસ્ટોર કરેલ.
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. છેલ્લા 8 કલાકથી વરસાદ બંધ છે છતાં પાણી જાણે ઓછું થવાનું નામ લેતું નથી. પાણી ભરાઈ રહેવાને કારણે લોકોની તકલીફોમાં સમય વિતતા સાથે વધારો થઈ રહ્યો છે. લોકો દુધ લેવા માટે મોટી કતારોમાં ઊભા રહ્યા છે, કારણ કે થોડી જ દુકાનો ચાલુ છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે.
