ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રમાં આમતો ગત સપ્તાહે જ પૂર્ણ થઇ ગયું છે. 14મી વિધાનસભાનાં ચોથા સત્રનાં અંતિમ દિવસ એટલે કે, 26 જુલાઈ 2019ના રોજ 17 કલાક 40 મિનિટ કામકાજ કરીને ગુજરાત વિધાનસભાએ કાયમી રેકોર્ડ સ્થાપી દીધો છે. આ અંદાજપત્ર સત્ર દરમિયાન વિધાનસભાની કુલ 21 બેઠકો મળી હતી. સત્ર દરમિયાન વિધાનસભાએ કુલ 104 કલાક 53 મિનિટ કામ કર્યું હતું. સત્ર દરમિયાન કુલ 156 ધારાસભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. કુલ 6 સ્વર્ગસ્થ મહાનુભાવોનાં અવસાન અંગે ગૃહમાં શોક દર્શક ઉલ્લેખો કરવામાં આવ્યાં હતા.
સત્ર દરમિયાન 2 જૂલાઈના રોજ નાણાંકીય વર્ષ 2019-20 માટેનું રૂ.11,49,40,51,89,000નું ફેરફાર કરેલ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. સત્ર દરમિયાન કુલ 5263 પ્રશ્નોનાં મૌખિક જવાબો ગૃહમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. તે પૈકી કુલ-125 પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા થઈ હતી. સત્ર દરમિયાન કુલ 18 સરકારી વિધેયકો ગૃહે પસાર કર્યાં હતાં અને 6 બિન સરકારી વિધેયકો પર ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી.

ઉપરાંત સત્ર દરમિયાન એક સરકારી સંકલ્પ પણ પસાર કરવામાં આવ્યો હતો. 2 બિન સરકારી સંકલ્પો સભાગૃહમાં ચર્ચાયા હતા તે પૈકી 1 સંકલ્પનો સભાગૃહ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો, જ્યારે 1 સંકલ્પ સભ્યએ સભાગૃહની મંજૂરીથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
સત્રનાં છેલ્લા દિવસે રાજ્યના આદિવાસીઓના વિકાસ માટે ફાળવેલ અંદાજપત્રની રકમ આદિવાસીઓ માટે વાપરવા અંગેના છેલ્લા દિવસના પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સત્ર દરમિયાન જાહેર અગત્યની બાબત પર સંબંધિત પ્રધાનો દ્વારા ગુજરાત વિધાનસભાનાં નિયમ-44 હેઠળ, એક નિવેદન સભાગૃહમાં કરવામાં આવ્યું હતું. તેમજ નિમય-116 હેઠળ પ્રધાનોનું ધ્યાન દોરતી સૂચના પર સભાગૃહમાં પ્રધાનો દ્વારા જૂદી જૂદી બાબતો ઉપર ચાર નિવેદનો કરવામાં આવ્યાં હતાં.

સત્ર દરમિયાન કુલ-10 સમિતિની બેઠકો મળી હતી અને જૂદી જૂદી સમિતિઓના કુલ-18 અહેવાલો સભાગૃહના મેજ પર રજૂ કરવામાં આવ્યાં હતાં. બંધારણ તેમજ પ્રવર્તમાન કાયદાની જાગવાઈઓ હેઠળ બોર્ડ/કોર્પોરેશનોના કુલ-49 અહેવાલો તેમજ 6 અનુમતિ મળેલા વિધેયકો સભાગૃહના મેજ ઉપર મુકવામાં આવ્યાં હતાં.
વર્ષ 2017-18ના કેગના ઓડિટ અહેવાલો, વર્ષ 2017-18ના વર્ષના નાણાંકીય હિસાબો અને વિનિયોગ હિસાબો અને સ્થાનિક ભંડોળ હિસાબ નિરીક્ષકના નગરપાલિકા વર્ષ 2014-15 અને વર્ષ 2015-16, જિલ્લા/તાલુકા પંચાયતના વર્ષ 2014-15 અને ગ્રામ પંચાયતના વર્ષ 2014-15 અને વર્ષ 2015-16ના અહેવાલો સભાગૃહના ટેબલ પર રજૂ કરવામાં આવ્યાં. ઉપરાંત કુલ-70 સરકારી અધિસૂચનાઓ અને એક બાંહેધરી પત્રક ગૃહનાં મેજ પર મુકવામાં આવ્યું હતું. સત્ર દરમિયાના રાજ્યમાંથી 50673 જેટલા પ્રેક્ષકોએ ગૃહની કાર્યવાહી નિહાળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
