જાપાનમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે વિનાશની સ્થિતિ પ્રવર્તી છે. જાપાનમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુ આંક 13 પર પહોચ્યો છે. અને હજુ પણ ઘણાં લોકોની શોધખોળ ચાલી રહી છે.

ટોક્યોની દક્ષિણ પૂર્વમાં આવેલા ચિબા વિસ્તાર પાસે બે સપ્તાહ પહેલા વાવાઝોડું ફુંકાયુ હતું અને ઈમરજન્સી વર્કર્સ બે ઘરમાંથી કાટમાળ દૂર કરતા જોવા મળ્યા હતા.આ બંને ઘરો ટોક્યોની દક્ષિણ પૂર્વ ખાતે આવેલા ચિબામાં પાણી સાથે વહી ગયા હતા. અધિકારીઓએ તે વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનના કારણે બે વૃદ્ધ વ્યક્તિ સહિત નવ લોકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું.

આ સિવાય અગ્નિશામક દળના અધિકારીએ પૂર્વીય ફુકુશિમા પ્રાંતમાં તટ પાસેથી 40 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હોવાનું જણાવ્યું હતું. હાલમાં જાપાનની પોલીસ ડૂબકીખોરોની મદદથી ત્રણ લોકોને શોધવા માટે પ્રયત્ન કરી રહી છે. આ તરફ ટ્રેન સેવાઓ સ્થગિત થઈ ગઈ હોવાના કારણે હજારો લોકોએ વિમાની મથક ખાતે રાત વિતાવવી પડી હતી.

હોનારતનો ભોગ બનેલા 75 વર્ષીય વ્યક્તિએ પોતાના બગીચામાં નદીની માફક પાણી વહી રહ્યું હોવાની માહિતી આપી હતી. બે સપ્તાહ પહેલા જાપાનના પૂર્વીય તટ ખાતે હગીબિસ નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું અને 80થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વાવાઝોડા વખતે અનેક નદીઓના કિનારા અને ઘાટ ભાંગી ગયા હતા જેનું સમારકામ હજુ બાકી છે. જાપાનના હવામાન વિભાગે શનિવારે વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરનું જોખમ ઘટયું હોવાની જાહેરાત કરી હતી.

જેથી બચાવ કાર્યમાં રાહત મળી હતી. આ ઉપરાંત અનેક વિસ્તારોમાંથી ફરજિયાત સ્થળાંતરણનો આદેશ હટાવી લેવામાં આવ્યો હતો. જો કે 1,800 જેટલા લોકો હજુ પણ રાહત શિબિરોમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
