સમગ્ર ગુજરાતની સાથોસાથ રાજકોટ જિલ્લા અને શહેર પર પણ પાછલા બે દિવસથી સતત મેઘમહેર વરસી રહી છે, ભારે અને અવિરત વરસાદનાંપગલે સર્વત્ર પાણી-પાણીનો માહોલ જોવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરની જ વાત કરીએ તો રાજકોટમાં ગત સપ્તાહ દરમિયાન સમયાંતરે વરસાદ આવી રહ્યો છે. પરંતુ, છેલ્લા 24 કલાકથી એટલે કે ગઇકાલે સવારથી આજ બપોર સુધીમાં એકધારો વરસાદ વરસ્યો હતો અને આજે બપોર સુધીમાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હોવાનું નોંધવામાં આવી રહ્યું છે.
ગઇકાલે આખો દિવસ અને રાત્રિ ઉપરાંત આજે પણ શહેરમાં એકધારો વરસાદ ચાલુ છે, ત્યારે ભારે વરસાદનાં પગલે રાજકોટની મધ્યમાંથી પસાર થતી આજી નદી ફરી બે કાંઠે થઇ ગઇ હતી અને રામનાથ મહાદેવ મંદિર જળપ્રવાહમાં ડૂબી જવા પામ્યુ હતું. આ ઉપરાંત શહેરમાં એકધારા 7.5 ઇંચ વરસાદથી સર્વત્ર રોડ-રસ્તા, શેરીઓ, ગલીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. ખાસ કરીને હેઠવાસનાં વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ જવા પામ્યા હતા.
રાજકોટ જિલ્લામાં પણ ગઇકાલ આખી રાત થી આજે સવારનાં 6 વાગ્યા સુધીમાં રાજકોટ જીલ્લામાં સૌથી વધુ લોધિકામાં 5 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે ઉપલેટામાં 4 ઇંચ, ગોંડલમાં 3.5 ઇંચ, જેતપુરમાં 3 ઇંચ, જામકંડોરણામાં 2 ઇંચ, ધોરાજીમાં 3 ઇંચ, પડધરીમાં 3 ઇંચ નોંધવામાં આવ્યો હતો. જ્યારે આજે સવારથી સાંજ સુધી મેધાએ રાજકોટ જીલ્લા પર અવિરત વર્ષાની મેરોથોન ઇનિગ્સ રમી છે.
જીલ્લાભરમાં ભારે વરસાદનાં કારણે ભાદર ડેમનાં 29 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ભાદર ડેમમાં પુષ્કળ પાણીની આવક હેવાનાં કારણે ડેમનાં દરવાજા ખોલવામાં આવતા ભાદર નદી બે કાંઠે જોવામાં આવી રહી છે. ભાદર રૌદ્ર રુપ ધારણ કરતા 70 ગામોને સાવચેત કરાયા છે.
રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો, રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ જે આખા રાજકોટને પાણી પૂરું પાડે છે તે આમ તો બે દિવસ પહેલા જ ઓવરફ્લો થઇ ગયો હતો, તેનાં પણ 11 દરવાજા 7 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 49,011 ક્યુસેક પાણીની આવક હોય સામે 49,011 ક્યુસેક પાણી છોડવામાં આવતા નિચાણવાળા વિસ્તારને લોકોને એલર્ટ કરાયા છે. સાથે સાથે રાજકોટનાં ન્યારી ડેમ 1 ના 7 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. પુલ ઉપર પાણી આવી જતા કાલાવડ જવાનો રોડ બંધ થયો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
