Morbi News: મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક એક સ્કૂલ બસમાં અચાનક આગ (Morbi School Bus Fire) લાગતા અફરાતફરી મચી હતી. બસમાં તે સમયે વિદ્યાર્થીઓ સવાર હતા. આગની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી 112 પોલીસ ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ બાળકોને બસમાંથી સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ ઘટના ટંકારા સ્થિત આર્ય વિદ્યાલયની સ્કૂલ બસ સાથે બની હતી. બસ મિતાણા ગામના બ્રિજ નીચેથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવરની સીટ નજીકના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું અનુમાન છે.
ડ્રાઈવર સીટ નજીક વાયરિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન
મળતી માહિતી મુજબ, બસ બાળકોને લઈને જઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવર સીટની આસપાસના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ત્યારબાદ વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ (Morbi School Bus Fire) લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર બસ આગની લપેટમાં આવી ગઈ હતી. બસમાં બાળકો સવાર હોવાથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની હતી.
112 ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ હાથ ધર્યું
બસમાં આગ લાગ્યાની જાણ થતાં ઘટનાસ્થળે હાજર 112 પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ કર્મચારીઓએ બસના દરવાજા અને બારીઓમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. તમામ બાળકોને સમયસર બસમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
Morbi School Bus Fire: બસમાં રહેલું ફાયર એક્સ્ટિંગ્વિશર ખાલી હોવાનો દાવો
ઘટના બાદ સ્કૂલ બસની ફાયર સેફ્ટી વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આગ લાગ્યા બાદ બસમાં રાખવામાં આવેલા ફાયર એક્સ્ટિંગ્વિશરથી આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ખાલી હોવાનું સામે આવ્યું હતું. 112 ટીમની ગાડીમાં રહેલા નાના અગ્નિશામક સાધનથી પણ આગ (Morbi School Bus Fire) કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આગ ઝડપથી વિકરાળ બની જતા તેની ખાસ અસર થઈ ન હતી.
સ્કૂલ બસોની સેફ્ટી તપાસની માંગ
આ ઘટનાએ ફરી એકવાર સ્કૂલ બસોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ફાયર સેફ્ટી વ્યવસ્થા અંગે સવાલો ઉભા કર્યા છે. સ્કૂલ બસોમાં અગ્નિશામક સાધનો કાર્યરત સ્થિતિમાં છે કે નહીં, વાયરિંગ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમની નિયમિત તપાસ થાય છે કે નહીં તેમજ સુરક્ષાના અન્ય જરૂરી નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેની ચકાસણીની માંગ ઉઠી છે. સ્થાનિકો દ્વારા તંત્રને સ્કૂલ બસોની સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવા અને નિયમોનું ઉલ્લંઘન કરતી બસો સામે કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે.
સમયસરની પોલીસ કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
સ્કૂલ બસમાં મોટી આગ (Morbi School Bus Fire) લાગ્યા છતાં 112 ટીમની તાત્કાલિક કામગીરીને કારણે બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાયા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં વાલીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો:થાઈલેન્ડમાં એક સ્કૂલ બસમાં લાગી ભીષણ આગ, 25 બાળકો અને શિક્ષકો થયા ભડથું
આ પણ વાંચો:મોરબીમાં સ્કૂલ બસ અકસ્માત બાદ મોટો ખુલાસો! તપાસમાં બસના તમામ દસ્તાવેજો એક્સપાયર હોવાનો ખુલાસો
આ પણ વાંચો:ધોરાજીમાં ભયાનક બસ અકસ્માત, 25માંથી 19 મુસાફરો ઘાયલ, અનેકની હાલત ગંભીર
