@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
ચુડા તાલુકાના વેજળકા ગામના હવસખોરે 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બળાત્કારનો ભોગ બનેલી સગીરાને 6 માસનો ગર્ભ રહ્યો હતો. સગીરાના કુંટુબીજનોએ આબરૂ જવાને ડરે બોટાદની હોસ્પિટલમાં સગીરાને લઈ જઈ ગર્ભપાત કરાવ્યો હતો. ઘટનાની જાણ થતા સગીરાની મા સમાન કાકીએ દુષ્કર્મ આચરનાર શખ્સ, ગર્ભપાત કરાવનારા કુંટુબીજનો અને ગર્ભપાત કરનાર બોટાદના ડૉક્ટર, સ્ટાફ વિરુદ્ધ ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ચુડા તાલુકાના વેજળકા ગામનો શંકર પમાભાઈ ધરજીયાએ 6થી 7 માસ પહેલા ગામમાં રહેતી માતા વિનાની 13 વર્ષની બાળકીને ભોળવી અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં જઈને સગીરા પર હવસખોરે 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. છએક મહિના પછી બાળકીના શરીરમાં ફેરફાર દેખાતા તેના પિતા કુંટુબીજન સાથે બાળકીને લઈને બોટાદની હોસ્પિટલમાં દેખાડવા ગયા. હાજર ડૉક્ટરે સગીરા ગર્ભવતી હોવાની જાણકારી આપી હતી. દુષ્કર્મનો ભોગ બનનાર 13 વર્ષની માસુમ બાળાને 6 માસનો ગર્ભ રહી ગયો હતો.
આબરૂ જવાના ડરે પિતા અને કુંટુબીજનોએ તા.22 સપ્ટેમ્બરે બોટાદની પુજા હોસ્પિટલમાં બાળાને દાખલ કરી દીધી હતી. પુજા હોસ્પિટલના ડૉક્ટર અને સ્ટાફે પૈસાની લાલચમાં આવી 13 વર્ષની બાળકીના જીવનું જોખમ ખેડી કાયદાનું ઉલ્લંઘન કરી 6 માસના ગર્ભનો પાત કર્યો હતો. મૃત ભૃણ એક થેલીમાં ભરી કુંટુબીજનોને સોંપી દીધું હતું. નાની ઉંમરે ગર્ભપાતના દર્દને કારણે સગીરાની તબીયત લથડી હતી. બોટાદથી રાણપુર પહોંચ્યા ત્યાં બાળકીની તબીયત વધુ બગડી. સગીરાના પિતાએ કાકા-કાકીને રાણપુર બોલાવી વેજળકા પહોંચ્યા હતા.
જેઠાણીના મૃત્યુ પછી 10 વર્ષથી દિકરી સમજીને ઉછરેલી ભત્રીજીનું દર્દ જોઈ નહીં શકતા કાકીએ તેમના જેઠને શું થયું તે પુછ્યું. સગીરાના પિતાએ સમગ્ર ઘટનાની જાણ કરી મૃત ભૃણ દેખાડી વાત પર ઢાંકપિછોડો કરવાનું કહ્યું. પરંતુ પેટના જણ્યા કરતા પણ વધુ પ્રેમ આપી મોટી કરેલી ભત્રીજી સાથે દુષ્કર્મ કરનાર શખ્સ, ગર્ભપાત કરાવનાર કુંટુબીજનો, ગર્ભપાત કરનાર ડૉક્ટર અને સ્ટાફને સજા મળવી જોઈએ તેવો દ્રઢ સંકલ્પ કરી મા સમાન કાકી સગીરા અને 6 માસના મૃત ભૃણને લઈને ચુડા હોસ્પિટલે પહોંચી ગયા હતા. ચુડા પોલીસ મથકે 13 વર્ષની માસુમને હવસનો ભોગ બનાવનાર શંકર ધરજીયા, ગર્ભપાત કરાવનાર સગીરાના પિતા સાથે કુંટુબીજનો અને પૈસાની લાલચે ગર્ભપાત કરનારો બોટાદના ડૉક્ટર અને સ્ટાફ સામે ગુનો નોંધાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
