માનસી પટેલ, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર સ્થિત કોરોના રસીકરણ કેન્દ્રમાં મોટી સંખ્યામા કોરોનાની રસી લેવા સિનિયર સિટીઝન નાગરિકો અને કોમોર્બિડ દર્દીઓનો ધસારો જોવો મળી રહ્યો છે. અમદાવાદ શહેરના વૃદ્ધાશ્રમોના સંચાલકો વૃદ્ધોના રસીકરણ માટે સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યાં છે, ત્યારે તેમને કોરોનાની રસી મુકવા કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે સિવિલ હોસ્પિટલે તમામ પ્રયત્નો કર્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં રસીકરણ માટે આવતા વરિષ્ઠ નાગરિકોને રસીથી માંડીને ઓબ્ઝર્વેશન રુમ સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે પણ વિશેષ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, વૃદ્ધોને સહાય માટે એટેન્ટન્ડ(સહાયક)ની પણ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

નોંધપાત્ર બાબત એ છે કે, અત્યાર સુધી અમદાવાદ સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર સ્થિત કોરોના રસીકરણ કેન્દ્રમાં ૧૩૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો અને ૧,૦૦૦ હજાર જેટલા કો-મોર્બિડ વ્યક્તિઓને કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે…

અત્રે ઉલ્લેખનીય છે કે,આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ભિક્ષુકગૃહો, વૃધ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા ૪૫ થી વધુ વયના કોમોર્બિડ અને અન્ય ગંભીર બિમારી ઘરાવતા વ્યકિતઓના રસીકરણને વેગ મળે તે માટે આધાર કાર્ડના પુરાવા વગર પર રસીકરણ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.
